ઇમ્ફાલ, 29 ઓગસ્ટ 2026: મણિપુરમાં હિંસાની ઘટનાઓ વચ્ચે મોડી રાત્રે અંદાજે 1.30 વાગ્યે ઇમ્ફાલ વેસ્ટના કોંથૌજમ મયાઈ લીકાઈ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની હતી. અહીં મણિપુરના કોંથૌજમથી ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રવક્તા સપામ રંજન સિંહના નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.
પ્રવક્તા સપામ રંજન સિંહે જણાવ્યું હતું કે, વહેલી સવારે એક જોરદાર ધમાકો સાંભળવા મળ્યો હતો, જેના કારણે તેમના ઘરમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને અગાઉથી કોઈ જ ધમકી મળી નહોતી અને તેમની સાથે કોઈની કોઈ દુશ્મની પણ નથી. આ ઘટના અત્યંત ચિંતાજનક છે. આ હુમલો અત્યંત ભીડભાડવાળા રહેઠાણવાળા વિસ્તારમાં થયો હોવાથી સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ધારાસભ્યએ આ હુમલાના હેતુ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “આવી હરકતોથી મણિપુરને શું મળી રહ્યું છે અને તેનો વાસ્તવિક હેતુ શું છે?” તેમણે ઉમેર્યું કે આવી હિંસક પ્રવૃત્તિઓથી નાગરિકોમાં માત્ર ડર અને અસુરક્ષાની ભાવના જ પેદા થાય છે.
આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે ધારાસભ્ય સપામ રંજન સિંહના ઘરની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા તેને એક જનપ્રતિનિધિના ઘર પર થયેલ મૂર્ખતાપૂર્ણ અને બર્બર હુમલો ગણાવ્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે લોકશાહી પર થયેલા આ હુમલાના દોષિતોને ટૂંક સમયમાં જ કાયદાના કઠેરામાં લાવવામાં આવશે.
આ હુમલાના વિરોધમાં સ્થાનિક મહિલા જૂથ ‘મીરા પૈબિ’ દ્વારા ધારાસભ્યના નિવાસસ્થાને ધરણા-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આ વિસ્ફોટની ટીકા કરી સરકાર પાસે ત્વરિત અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. હાલમાં આ હુમલામાં કયા પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, નુકસાનનું પ્રમાણ કેટલું છે અને આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે અંગેની વિગતવાર માહિતી મેળવવાની તપાસ ચાલી રહી છે.


