Homerevoinewsજીવનનો અંત નહીં, પરંતુ જીવનને પસંદ કરીએ...

જીવનનો અંત નહીં, પરંતુ જીવનને પસંદ કરીએ…

સાંભળવાની શરૂઆત કરીએ… કારણ કે ક્યારેક એક સંવેદનશીલ સંવાદ જીવન બચાવી શકે છે.

આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, તે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર સામાજિક સમસ્યા સાથે જોડાયેલી છે. હજુ પણ આપણા સમાજમાં આત્મહત્યા અને માનસિક સ્વાસ્થ્યને લઈને એક મોટું કલંક (Stigma) જોવા મળે છે. લોકો ખુલ્લા મનથી પોતાની લાગણીઓ, માનસિક સ્થિતિ કે જીવનની સમસ્યાઓ અન્ય લોકો સમક્ષ રજૂ કરી શકતા નથી. જેને લઈ વર્ષની દર ૧૦મી સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિન’ તરીકે ઓળખવામાં આવે છે.

આ સમય પણ વીતી જશે

માનસિક તણાવ, નિરાશા અને જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરવી હજુ પણ ઘણા લોકો માટે સરળ નથી. “લોકો શું કહેશે?”, “આ મારી નબળાઈ તો નહીં કહેવાય ને?”, “સમય જતાં બધું ઠીક થઈ જશે.” આવી અનેક માન્યતાઓ વ્યક્તિ પોતાના મનમાં જ રાખી લે છે. પરંતુ મુશ્કેલીના સમયમાં વ્યક્તિને હંમેશાં કોઈ મોટી સલાહની જરૂર હોય એવું નથી. ઘણી વખત વ્યક્તિ માત્ર ઇચ્છતી હોય છે, કે તેને સાંભળે, સમજે અને તેની સંવેદનાઓને સ્વીકારે. તેને એવો વિશ્વાસ અપાવે કે તે પોતાની સમસ્યા સાથે એકલો નથી અને આ મુશ્કેલીનો સામનો કરવા માટે યોગ્ય મદદ અને આયોજન સાથે આગળ વધી શકે છે.

આપણા દેશમાં આત્મહત્યા એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, નોકરી કરતા લોકો, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકો, લાંબા સમયથી બીમારીથી પીડાતા લોકો અને વૃદ્ધો જીવનના વિવિધ તબક્કે અનેક લોકો મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે છે. જ્યારે વ્યક્તિ અત્યંત તણાવ, અસહાયતા અથવા નિરાશાનો અનુભવ કરે છે, ત્યારે કેટલીક પરિસ્થિતિઓમાં તે પોતાના જીવનને ટૂંકાવવાનો વિચાર કરી શકે છે.

દેશમાં ચિંતાજનક સ્થિતિ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના અહેવાલોમાં પણ ભારતમાં આત્મહત્યાના નોંધાયેલા કેસોની ગંભીરતા સામે આવે છે. આ આંકડા આપણને માત્ર સંખ્યા બતાવતા નથી, પરંતુ દરેક આંકડા પાછળ રહેલી એક વ્યક્તિ, એક પરિવાર અને એક અધૂરી કહાની તરફ ધ્યાન દોરે છે.

આત્મહત્યા પાછળ એક નહીં, અનેક કારણો છે જેના પરિણામે વ્યક્તિ માનસિક દબાણની ગંભીર સ્થિતિનો અનુભવ કરી શકે છે. અભ્યાસ અને કારકિર્દીનું દબાણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તેના પરિણામની અસરને કારણે ઘણા વિદ્યાર્થીઓ ભારે તણાવ અનુભવે છે. બીજી તરફ, બેરોજગારી, દેવું, આવકની અનિશ્ચિતતા અને આર્થિક સમસ્યાઓ પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. કેટલાક પરિવારોમાં સતત ચાલતા મતભેદો, સંબંધોમાં તણાવ અને ઘરેલુ હિંસા વ્યક્તિને અત્યંત મુશ્કેલ માનસિક પરિસ્થિતિમાં ધકેલી શકે છે. ડિપ્રેશન, એકલતા, ગંભીર માનસિક સમસ્યાઓ, લાંબા ગાળાની શારીરિક બીમારી અને નશીલા પદાર્થોનો ઉપયોગ પણ વ્યક્તિના જીવનને વધુ મુશ્કેલ બનાવી શકે છે. આથી આત્મહત્યાને માત્ર એક કારણ સાથે જોડીને જોવાને બદલે વ્યક્તિ જે માનસિક, સામાજિક અને પરિસ્થિતિજન્ય મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે તેને સમજવી જરૂરી છે.

લાગણી મુક્તપણે વ્યક્ત કરવા ભરોસો આપો

એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણે કઈ રીતે લોકોને મદદ કરી શકીએ તે સમજવું ખૂબ જરૂરી છે. જો આપણને એવું લાગે કે આપણી નજીકની કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે ચિંતાજનક લાગે છે જેમ કે “હું બધાથી કંટાળી ગયો છું”, “મારા માટે હવે કંઈ બચ્યું નથી”, “જીવનનો કોઈ અર્થ નથી” અથવા તે જીવન અને મૃત્યુ વિશે વારંવાર વાત કરે છે, નશીલા પદાર્થોનું સેવન વધારી દે છે, પરિવાર અને મિત્રો સાથેનો સંપર્ક ઓછો કરી દે છે, ઊંઘ અને ભૂખમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે અથવા જીવન પ્રત્યેની નિરાશા વ્યક્ત કરે છે, તો આવા સંકેતોને અવગણવા જોઈએ નહીં. આવા સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ અને વ્યક્તિની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. વ્યક્તિને સમજાવવું જોઈએ કે તે પોતાની સમસ્યાઓ અને લાગણીઓ ખુલ્લેઆમ આપણી સમક્ષ રજૂ કરી શકે છે.

માત્ર સંકેતો ઓળખવા અને વ્યક્તિને પ્રશ્નો પૂછવાથી જ બધું ઉકેલાઈ જાય એવું નથી. સૌથી મહત્વનું છે વ્યક્તિને વિશ્વાસ અપાવવો કે આપણે તેને સાંભળવા માટે હાજર છીએ અને તેને જજ નહીં કરીએ.

આવા સમયે સાંભળવું અને વિશ્વાસ આપવો એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે

“ડિયર ફ્રેન્ડ, છેલ્લા કેટલાક સમયથી તું પરેશાન દેખાઈ રહ્યો છે. હું તારી સાથે છું. તને જે કંઈ અનુભવાય છે, તે મારી સાથે નિઃસંકોચ રજૂ કરી શકે છે. હું તને સાંભળવા તૈયાર છું.”

આવા સમયે સાંભળવું અને વિશ્વાસ આપવો એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. વ્યક્તિની લાગણીઓને સમજવી, તેને પોતાની વાત કહેવા માટે સુરક્ષિત જગ્યા આપવી અને તેને એકલતા અનુભવવા ન દેવી આ બધું ખૂબ જ મહત્વનું છે. વ્યક્તિને એ સમજાવવું પણ જરૂરી છે કે મદદ માગવી એ નબળાઈ નથી. મદદ માગવાથી સમસ્યા તરત જ દૂર થઈ જશે એવું નથી, પરંતુ મદદ વ્યક્તિને પોતાની સમસ્યાનો સામનો કરવા માટે હિંમત, યોગ્ય દિશા અને જરૂરી સહારો ચોક્કસ આપી શકે છે.

કોઈ વ્યક્તિ માનસિક તણાવમાં હોય ત્યારે તેને “મજબૂત બન”, “આ બધું વિચારવાનું બંધ કર”, “સમય જતાં બધું ઠીક થઈ જશે” જેવી વાતો કહેવાને બદલે તેને સાંભળવું, સમજવું અને જરૂરિયાત મુજબ યોગ્ય વ્યાવસાયિક મદદ સાથે જોડવું વધુ અસરકારક છે.માનસિક સ્વાસ્થ્ય અંગેની વાતચીતનો હેતુ વ્યક્તિને ડરાવવાનો નહીં, પરંતુ સમજવાનો, સ્વીકારવાનો અને સમયસર મદદ સુધી પહોંચાડવાનો હોવો જોઈએ.

જો આપણે મદદ માગો, મદદ આપો, જીવનને પ્રાથમિકતા આપો આ ત્રણ સૂત્રોને આપણા વ્યક્તિગત અને સામાજિક જીવનનો ભાગ બનાવી શકીએ, તો માનસિક સ્વાસ્થ્ય અંગેના કલંક, ખોટા મંતવ્યો અને ગેરમાન્યતાઓને ધીમે ધીમે દૂર કરી શકીશું.

કારણ કે ક્યારેક વ્યક્તિને સમસ્યાનો તરત ઉકેલ નથી જોઈતો તેને માત્ર કોઈ એવું જોઈએ છે, જે તેની વાત સાંભળે અને કહે કે “તું એકલો નથી.”

મન: મર્મ – એક વાતચીત જીવનની દિશા બદલી શકે છે એટલે મદદ માગવી એ કમજોરી નથી પરંતુ પોતાના જીવનને મહત્વતા આપવાની એક હિંમત છે.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની

આ લેખ વિશે તમારા અભિપ્રાય અમને અવશ્ય જણાવો >>> [email protected]

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular