ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પણ ફેમિલી ડૉક્ટરની ઓળખ ઊભી કરશે?
આપણે જ્યારે તાવ આવે, માથું દુખે, પેટમાં દુખાવો થાય અથવા શરીરમાં કોઈ તકલીફ અનુભવાય ત્યારે સામાન્ય રીતે ‘ફેમિલી ડૉક્ટર’ પાસે જઈએ છીએ. ડૉક્ટર પાસે જઈને આપણે પોતાની તકલીફો ખુલ્લા મન સાથે જણાવીએ છીએ. ઘણી વખત કોઈ વાત ભૂલી ન જઈએ તે માટે કેટલાક લોકો પોતાની સમસ્યાઓની યાદી પણ બનાવીને લાવે છે. આપણે શરીરની નાની-મોટી તકલીફોને ગંભીરતાથી લઈએ છીએ, કારણ કે આપણે જલદી સ્વસ્થ થવા માંગીએ છીએ. પરંતુ એક પ્રશ્ન વિચારવા જેવો છે – જેટલી સરળતાથી આપણે શરીરની તકલીફ સ્વીકારીએ છીએ, એટલી જ સરળતાથી શું આપણે મનમાં થતી તકલીફ સ્વીકારીએ છીએ?
ઘણી વખત તેનો જવાબ “ના” હોય છે. શરીરમાં દુખાવો થાય તો આપણે તેને અનુભવી શકીએ છીએ. ક્યારેક ઈજા કે બીમારી દેખાઈ પણ શકે છે. પરંતુ મનમાં થતી ચિંતા, ડર, ઉદાસી, એકલતા, તણાવ અથવા મૂંઝવણ ઘણી વખત બહારથી દેખાતી નથી. કોઈ વ્યક્તિ બહારથી હસતી, ખુશ અને સામાન્ય દેખાતી હોય, પરંતુ અંદરથી તે ખૂબ ચિંતિત અથવા દુઃખી હોઈ શકે છે. ઘણી વખત વ્યક્તિને પોતાને પણ સમજાતું નથી કે તે શું અનુભવી રહી છે અથવા પોતાની લાગણીઓ વિશે કેવી રીતે અને કોની સાથે વાત કરવી.
આ પણ વાંચોઃ નવી પેઢી ‘થેરાપી’નો સ્વીકાર ઝડપથી કરી રહી છે
જે રીતે શરીરના કોઈ ભાગમાં દુખાવો થાય છે, તે જ રીતે આપણા વિચારો, લાગણીઓ અને વર્તનમાં પણ મુશ્કેલી આવી શકે છે. તેથી મનની તકલીફને નબળાઈ માનવાને બદલે તેને સમજવાનો અને યોગ્ય મદદ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનની તંદુરસ્તી કે કાળજી લેવાનો અર્થ એ નથી કે આપણે સમસ્યાથી ભાગી જઈએ પરંતુ તેનો અર્થ એ છે કે પોતાની લાગણીઓને સમજવી, મુશ્કેલીને સ્વીકારવી અને તેનો યોગ્ય રીતે સામનો કરતા શીખવું. આપણી આસપાસ બનતી કેટલીક ઘટના આપણા હાથમાં નથી હોતી જેમ કે, બીજા લોકો શું વિચારે, શું બોલે અથવા કેવી રીતે વર્તે તે પણ હંમેશાં આપણા નિયંત્રણમાં નથી હોતી. પરંતુ આપણે પોતાની લાગણીઓ,વિચારો અને પ્રતિક્રિયાઓને ચોક્કસ સમજીને ક્ષમતાઓને વિકસાવી શકીએ છીએ. જ્યારે આપણે પોતાના મન અને લાગણીઓ પર ધ્યાન આપીએ છીએ, ત્યારે તણાવ અને ચિંતાને વધુ સારી રીતે સંભાળી એટલે કે મેનેજ કરી શકીએ છીએ.
આવી સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ ઉપયોગી બને છે
ઘણી વખત આપણે અનુભવતા પોતાની સમસ્યા પરિવારના સભ્યો અથવા નજીકના મિત્રો સાથે શેર કરીએ છીએ. તેમની કોઈ વાત અને સહકાર આપણને મદદરૂપ થઈ શકે છે. પરંતુ ક્યારેક આ સહકાર લાંબા સમય સુધી ટકતો નથી અથવા વાત કર્યા પછી પણ મન હળવું થતું નથી. આવી સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ ઉપયોગી બને છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળે છે અને તેની લાગણીઓ, વિચારો તથા મુશ્કેલીઓને સમજવાનો પ્રયાસ કરે છે. તેઓ વ્યક્તિને દોષ આપતા નથી કે તેના વિશે કોઈ પૂર્વગ્રહ રાખતા નથી. પરંતુ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત વ્યક્તિને પોતાની સમસ્યાને સમજવામાં અને તેનો સામનો કરવા માટે યોગ્ય માર્ગ શોધવામાં મદદ કરે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે ઉપલબ્ધ સારવાર વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે
સાયકોલોજીસ્ટ દ્વારા આપવામાં આવતી ટોક થેરાપી અથવા કાઉન્સેલિંગ દ્વારા વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓને વધુ સારી રીતે ઓળખી શકે છે. તે તણાવ, ચિંતા, સંબંધોની મુશ્કેલી અથવા જીવનમાં આવતા બદલાવનો સામનો કરવા માટે નવી સ્કિલ્સ શીખી શકે છે. કાઉન્સેલિંગ, ટોક થેરાપી, પરિવારનો સહકાર એ વ્યક્તિમાં સારી ઊંઘ, નિયમિત જીવનશૈલી અને તણાવને સંભાળવાની યોગ્ય પદ્ધતિ શીખવા માટે મદદરૂપ બની શકે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં દવાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં સાયકિયાટ્રિસ્ટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આજે માનસિક સ્વાસ્થ્ય માટે ઉપલબ્ધ સારવાર વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. જો દવા અંગે કોઈ પ્રશ્ન અથવા ચિંતા હોય તો નિષ્ણાત સાથે ખુલ્લી વાત કરવી જોઈએ. પરંતુ પોતાની રીતે દવા શરૂ કરવી, બંધ કરવી અથવા તેની માત્રામાં ફેરફાર કરવો એ યોગ્ય નથી. આજે વૈજ્ઞાનિય સંશોધન આધારિત દવાઓની આદત પડતી નથી પરંતુ સમસ્યાને ઓછી કરવા માટે મદદરૂપ બનતી હોય છે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાના યુગમાં ‘સેલ્ફી’: શોખ કે માનસિક સ્વાસ્થ્ય માટે જોખમકારક બાબત?
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ માત્ર ગંભીર સમસ્યાઓ માટે જ નહીં, પરંતુ તણાવ, ચિંતા, સંબંધોમાં મુશ્કેલી, ભાવનાત્મક મૂંઝવણ, આત્મવિશ્વાસની સમસ્યા અથવા જીવનમાં થતા મોટા ફેરફારો દરમિયાન પણ લેવામાં આવી શકે છે. જેમ શરીરની તંદુરસ્તી માટે આપણે ડૉક્ટરની મદદ લઈએ છીએ, તેમ મનની તંદુરસ્તી માટે નિષ્ણાતની મદદ લેવી પણ સામાન્ય બાબત બનવી જોઈએ. વધતાં જતાં તણાવ, ચિંતા, ઈમોશનલ પ્રોબ્લેમ્સ ને લઈ કદાચ ભવિષ્યમાં દરેક પરિવાર પાસે એક ફેમિલી ડૉક્ટર સાથે એક વિશ્વાસુ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પણ હશે—જે પરિવારને માત્ર માનસિક સમસ્યાઓમાં જ નહીં, પરંતુ વધુ સંતુલિત, સમજદાર અને સુખી જીવન જીવવામાં મદદ કરશે તો તેમાં કોઈ નવાઈ જેવુ નહીં હોય.
મન: મર્મ – શરીરની તકલીફ માટે ડૉક્ટર પાસે જવું સ્વાભાવિક છે. તેવી જ રીતે મનની તકલીફ માટે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ લેવી પણ સ્વાભાવિક છે. સ્વસ્થ શરીર જીવનને આગળ વધારવામાં મદદ કરે છે, જ્યારે સ્વસ્થ મન એ જીવનને વધુ સારી રીતે સમજવામાં અને આનંદથી જીવવા માટે મદદ કરે છે.

dr.chinmaypsychologist@gmail.com


