Homerevoinewsઆપણી શિક્ષણ વ્યવસ્થામાં સામાન્ય બની રહ્યો છે અનૈતિક શૈક્ષણિક વ્યવહાર!

આપણી શિક્ષણ વ્યવસ્થામાં સામાન્ય બની રહ્યો છે અનૈતિક શૈક્ષણિક વ્યવહાર!

વિદ્યાર્થીઓના માનસિક-સામાજિક ઘડતર પર પડતી અસર વિશે વિશ્લેષણ

Unethical educational practices IITમાં થયેલી તાજેતરની આત્મહત્યાની ઘટના વાંચવી અત્યંત દુઃખદ છે. કોઈપણ યુવાનનું અકાળે મૃત્યુ સમગ્ર સમાજ માટે આઘાતજનક છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પાસેથી પરિવાર અને સમાજને મોટી આશાઓ હોય છે, તેમના જીવનનું આ રીતે સમાપ્ત થવું આપણને વિચારવા મજબૂર કરે છે.

અહીં એક મહત્ત્વની વાત એ છે કે દરેક જીવન અમૂલ્ય છે. વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થાય કે નિષ્ફળ જાય, IITમાં જાય કે ન જાય, તેનાથી તેના જીવનનું મૂલ્ય નક્કી થતું નથી.

દુઃખ એ વાતનું છે કે કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં અનૈતિક રસ્તાઓ અપનાવતા જોવા મળે છે. અહીં વાત માત્ર કોઈ એક વિદ્યાર્થી કે એક પરીક્ષાની નથી. પ્રશ્ન એ છે કે અનૈતિકતા ક્યાંથી શરૂ થાય છે?

વિદ્યાર્થી નાનો હોય ત્યારે તેને વારંવાર કહેવામાં આવે છે કે “કોઈપણ રીતે માર્ક્સ લાવવાના છે.” ધીમે ધીમે પરિણામ એટલું મહત્વનું બની જાય છે કે પરિણામ મેળવવાની રીત ગૌણ બની જાય છે.

ઘણા વિદ્યાર્થીઓ વાસ્તવમાં શાળામાં નિયમિત ભણવા જતા નથી. તેઓનો મોટાભાગનો સમય કોચિંગ ક્લાસ, ટેસ્ટ સિરીઝ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પસાર થાય છે. માતા-પિતા અને કોચિંગ સંસ્થાઓ પણ ઘણી વખત આ વ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે.

પરંતુ અહીં એક મોટો વિરોધાભાસ છે. શાળામાં ભણવું માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન મેળવવું નથી. શાળા બાળકને સમયપાલન, શિસ્ત, મિત્રો સાથે રહેવું, શિક્ષકો સાથે વ્યવહાર કરવો, જવાબદારી લેવી, ટીમમાં કામ કરવું, રમતગમત, પ્રયોગશાળા અને સામાજિક જીવન જેવી અનેક બાબતો શીખવે છે.

જો બાળક વર્ષો સુધી માત્ર કોચિંગ અને પરીક્ષાની તૈયારીમાં જ રહે, તો તેને શિક્ષણનો એક મોટો સામાજિક અને માનવીય ભાગ મળતો નથી.

જો કોઈ વિદ્યાર્થી પ્રયોગશાળામાં નિયમિત હાજર રહ્યો જ નથી, પ્રયોગો કર્યા નથી અને છતાં તેને 30માંથી 28 કે તેની આસપાસના ગુણ મળી જાય, તો બાળકને એક ખૂબ જ ખતરનાક સંદેશ મળે છે:

બાળકના મનમાં ધીમે ધીમે એવી માન્યતા ઊભી થઈ શકે છે કે નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે અને સફળતા માટે સિસ્ટમને “સાચવી” લઈએ તો ચાલે.

આ બાબત જો ખરેખર ક્યાંક થાય છે તો તે શાળાની પરીક્ષા કરતાં પણ મોટી સમસ્યા છે. કારણ કે શાળા બાળકને માત્ર વિષય નથી શીખવતી; તે તેના ચરિત્રનું ઘડતર પણ કરે છે.

ઘણી વખત આપણે બાળકને દોષ આપીએ છીએ કે “આજકાલના બાળકોમાં ethics નથી.” પરંતુ બાળકને આ વાતાવરણ કોણ આપે છે?

માતા-પિતા કહે છે: “માર્ક્સ ગમે તે રીતે લાવ.”

કોચિંગ ક્લાસ વાળા કહે છે: “તમારે માત્ર entrance examination પર ધ્યાન આપવું.”

શાળા કહે છે: “પ્રેક્ટિકલમાં બધું મેનેજ થઈ જશે.”

અને સમાજ કહે છે: “કેટલા ટકા આવ્યા?”

આ બધાની વચ્ચે બાળક જો એ શીખે કે પરિણામ મહત્ત્વનું છે, રીત નહીં, તો આખો દોષ માત્ર બાળકનો નથી.

JEE, NEET કે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વર્ષો સુધી ચાલતી તૈયારીમાં કેટલાક વિદ્યાર્થીઓના જીવનમાંથી રમત, ઊંઘ, પરિવાર, મિત્રો, કુદરત, સર્જનાત્મકતા અને સામાન્ય સામાજિક જીવન ધીમે ધીમે દૂર થઈ જાય છે.

દિવસના લાંબા કલાકો અભ્યાસ, સતત ટેસ્ટ, રેન્કની ચિંતા, બીજા વિદ્યાર્થીઓ સાથે સરખામણી અને માતા-પિતાની અપેક્ષાઓ—આ બધું મળીને બાળક પર સતત દબાણ ઊભું કરી શકે છે.

અભ્યાસ જરૂરી છે, મહેનત જરૂરી છે, સ્પર્ધા પણ જીવનનો ભાગ છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું સફળતા મેળવવા માટે બાળકનું સમગ્ર બાળપણ અને કિશોરાવસ્થા જ ખર્ચી નાખવી જરૂરી છે?

બાળકોને આપણે એવું શીખવવું જોઈએ કે મહેનત કરવી ગૌરવની વાત છે. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો ફરી મહેનત કરી શકાય. કોઈ પરીક્ષામાં નિષ્ફળતા મળે તો બીજી તક મળી શકે.

IITમાં પ્રવેશ ન મળે તો જીવન પૂરું થતું નથી. પરંતુ જો બાળકને એવું શીખવવામાં આવે કે સફળતા માટે ખોટું કરવું પણ ચાલે, તો આપણે તેના જીવનમાં એક ખતરનાક વિચાર મૂકી રહ્યા છીએ. હાર સ્વીકારવાનું શીખવી શકાય છે; પરંતુ સિદ્ધાંત છોડીને જીતવાની ટેવ બહુ નુકસાનકારક છે.

આ પરિવર્તન માત્ર શિક્ષકો કે માતા-પિતાથી નહીં આવે. સમાજના વિચારોમાં પરિવર્તન જરૂરી છે. સમાજ વિજ્ઞાનીઓ, શિક્ષણવિદો, મનોવિજ્ઞાનીઓ, માતા-પિતા, શિક્ષકો, કોચિંગ સંસ્થાઓ અને સરકાર. આપણે બધાએ મળીને વિચારવું પડશે કે આપણે આપણા યુવાનોને ખરેખર શું શીખવી રહ્યા છીએ.

શું આપણે તેમને માત્ર “સફળ કેવી રીતે થવું” એ શીખવીએ છીએ? કે પછી “સારી રીતે જીવવું કેવી રીતે” પણ શીખવીએ છીએ?

બાળકોને માત્ર જીતવાનું શીખવવું પૂરતું નથી; તેમને સાચી રીતે જીતવાનું અને જરૂર પડે ત્યારે હારીને ફરી ઊભા થવાનું પણ શીખવવું પડશે.

સમાજે પોતાના માપદંડ બદલવાની જરૂર છે. માત્ર IIT, NEET, ટકા, રેન્ક અને પેકેજને સફળતાનું પ્રમાણપત્ર ન બનાવીએ. બાળક સારો માણસ બને, મહેનત કરે, પ્રશ્ન પૂછે, નિષ્ફળતા સ્વીકારે, પ્રામાણિકતા જાળવે અને પોતાની ક્ષમતાનો વિકાસ કરે. કારણ કે દેશને માત્ર ઊંચા માર્ક્સવાળા યુવાનોની જરૂર નથી; દેશને ઊંચા મૂલ્યોવાળા યુવાનોની જરૂર છે.

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular