ડિજિટલ યુગમાં વધતી નવી માનસિક બીમારી: ઇમોજી સ્ટ્રેસ બની રહ્યું છે ગંભીર તણાવનું કારણ
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર થતી વાતચીતમાં ઇમોજીનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. સુખ, દુઃખ, ગુસ્સો, પ્રેમ કે આભાર જેવી લાગણીઓ વ્યક્ત કરવા માટે આજે હજારો પ્રકારના ઇમોજી ઉપલબ્ધ છે. જે લોકો પોતાની લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકતા નથી, તેઓ અવારનવાર ઇમોજીનો સહારો લે છે. કેટલીકવાર એક નાનકડું ઇમોજી લાંબા સંદેશા કરતાં પણ વધુ પ્રભાવશાળી સાબિત થાય છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એ છે કે જેમ-જેમ આપણી દૈનિક વાતચીતમાં આ ચિત્રોનો વપરાશ વધી રહ્યો છે, તેમ-તેમ સમાજમાં ‘ઇમોજી સ્ટ્રેસ’ નામની એક નવી માનસિક સમસ્યા ઘર કરી રહી છે, જે અંતે ગંભીર ડિપ્રેશન અને તણાવ તરફ દોરી જાય છે. વિશ્વ ઇમોજી દિવસ નિમિત્તે મનોવૈજ્ઞાનિકોએ આ વિષય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે ઇમોજી પોતે કોઈ નુકસાન પહોંચાડતા નથી, પરંતુ તેનો જરૂર કરતાં વધારે અને ખોટો ઉપયોગ લોકોમાં ગેરસમજ અને માનસિક દબાણ વધારે છે. આજની નવી પેઢી એટલે કે ‘જેન જી’ આ ચિત્રોને ડિજિટલ બોડી લેંગ્વેજ તરીકે જુએ છે. સામસામે બેસીને થતી વાતચીત અને ચહેરાના હાવભાવના વિકલ્પ તરીકે આજના યુવાનો ટેક્સ્ટ મેસેજમાં ઇમોજી ઉમેરે છે. જો કોઈ મેસેજમાં ઇમોજી ન હોય, તો તેમને તે વાતચીત રૂખી, ઔપચારિક કે ગુસ્સાવાળી લાગે છે.
મુશ્કેલી એ છે કે દરેક વ્યક્તિ એક જ ઇમોજીનો અલગ-અલગ અર્થ કાઢે છે. સામાન્ય સ્માઇલ આપતું ઇમોજી કોઈના માટે સકારાત્મક હોઈ શકે છે, તો કોઈ અન્ય વ્યક્તિ તેને ઠંડો અને નકારાત્મક જવાબ માની શકે છે. આજના સમયમાં લોકો પોતાની સાચી ઉદાસી છુપાવવા માટે પણ હસતા ઇમોજી મોકલે છે, જે અંદરખાને માનસિક તણાવ વધારે છે. માત્ર અંગૂઠો બતાવીને (થમ્બ્સ અપ) વાતો ટૂંકાવી દેવાથી સામેની વ્યક્તિ એકલતા અનુભવે છે. તેથી જ નિષ્ણાતો સલાહ આપે છે કે મહત્વપૂર્ણ ચર્ચામાં હંમેશા સ્પષ્ટ શબ્દોનો જ પ્રયોગ કરવો જોઈએ અને સમય કાઢીને મિત્રો તેમજ પરિવાર સાથે સીધો સંવાદ કરવો જોઈએ.


