Homeગુજરાતીદેશ-વિદેશલોકસભા ચૂંટણી 2029: PM પદના ચહેરાને લઈને કોંગ્રેસ અને TVK વચ્ચે મતભેદો...

લોકસભા ચૂંટણી 2029: PM પદના ચહેરાને લઈને કોંગ્રેસ અને TVK વચ્ચે મતભેદો સપાટી પર

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર 2026: તમિલનાડુના રાજકારણમાં 2029ની લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) દ્વારા પાર્ટી વડા અને મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે રજૂ કરવા પર કોંગ્રેસે સ્પષ્ટ અસમમતિ દર્શાવી છે. કોંગ્રેસના ધારાસભ્ય થારાહાઈ કથબર્ટે બુધવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પદને લઈને પાર્ટીનું વલણ બિલકુલ સ્પષ્ટ છે અને 2029માં કોંગ્રેસ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જ વડાપ્રધાન પદ માટે પોતાના ઉમેદવાર ગણશે.

  • કોંગ્રેસે 2029 માટે પોતાનો નિર્ણય કરી લીધો

ચેન્નાઈમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કથબર્ટે TVK નેતાઓ દ્વારા વિજયને રાષ્ટ્રીય નેતૃત્વના ચહેરા તરીકે રજૂ કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે TVK નો રાજકીય પાયો ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલો છે અને આ જ કારણ છે કે તેના નેતાઓ વિજયને વડાપ્રધાન પદ માટે આગળ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ ઉમેર્યું કે TVK નેતાઓનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ રાજકીય સ્તરે કોંગ્રેસે 2029 માટે પોતાનો નિર્ણય કરી લીધો છે અને રાહુલ ગાંધી જ પાર્ટીની પહેલી પસંદ રહેશે.

TVK નેતાઓ દ્વારા વિજયને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા આપવાની માંગ વચ્ચે બંને પક્ષો વચ્ચેના રાજકીય મતભેદો ખુલીને સામે આવવા લાગ્યા છે. TVK ના પીડબ્લ્યુડી મંત્રી આદવ અર્જુન અગાઉથી જ કહી ચૂક્યા છે કે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર તમિલનાડુના જ કોઈ નેતા હોવા જોઈએ. વળી, એક ખાનગી મીડિયા સર્વેમાં પણ 2029ના સંભવિત વડાપ્રધાન પદના દાવેદારોમાં વિજયનું નામ સામે આવ્યું હતું, જેમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પછીના પસંદગીના દાવેદાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

  • ભાજપે કોંગ્રેસને ઘેરી

TVK દ્વારા વિજયને વડાપ્રધાન પદના સંભવિત ચહેરા તરીકે રજૂ કર્યા બાદ ભાજપે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી.આર. કેસવને સવાલ ઉઠાવ્યો કે TVK નેતાઓના આવા નિવેદનો છતાં કોંગ્રેસ શા માટે TVK ના નેતૃત્વ હેઠળની સરકારમાં સામેલ છે. આ ઘટનાક્રમથી તમિલનાડુમાં કોંગ્રેસ અને TVK વચ્ચેના રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે.

આ રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય થારાહાઈ કથબર્ટની વિધાનસભાની બેઠક પણ ચર્ચાનો વિષય બની છે. 31 ઓગસ્ટે તેમને TVK ધારાસભ્યો માટે નિર્ધારિત હિસ્સામાંથી હટાવીને વિપક્ષી બેન્ચની આગલી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. આ ફેરફારને કોંગ્રેસ અને TVK વચ્ચે વધી રહેલા અંતર સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. અગાઉ કથબર્ટ TVK ના ધારાસભ્યો સાથે જ બેસતા હતા.

આ અગાઉ તમિલનાડુના પ્રવાસન મંત્રી એસ. રાજેશ કુમારે પણ રાહુલ ગાંધીની વડાપ્રધાન પદની ઉમેદવારીને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો TVK 2029ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સમર્થન નહીં આપે, તો કોંગ્રેસના મંત્રીઓ રાજીનામું આપી દેશે. કુમારે કન્યાકુમારી પશ્ચિમ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે જ્યોર્જ રોબિન્સનના પદગ્રહણ સમારોહમાં આ નિવેદન આપ્યું હતું.

  • DMK થી અલગ થયા બાદ TVK સરકારને કોંગ્રેસનું સમર્થન

2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે ડીએમકે સાથેનું પોતાનું લાંબા સમયથી ચાલી આવતું ગઠબંધન તોડી નાખ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ TVK ના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત વીસીકે, આઈએયુએમએલ, સીપીઆઈ અને સીપીઆઈએમ (CPI-M) એ પણ સરકારને સમર્થન જાહેર કર્યું હતું. કોંગ્રેસે સરકારને સમર્થન આપતી વખતે મુખ્ય શરત મૂકી હતી કે સાંપ્રદાયિક તાકાતોને સત્તાથી દૂર રાખવામાં આવે. હવે 2029ના વડાપ્રધાન પદને લઈને TVK અને કોંગ્રેસના નેતાઓના વિરોધાભાસી વલણે રાજ્યના રાજકારણમાં નવો વિવાદ છેડ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular