Homerevoinewsમુઝમેં મિથિલા બસ ગયા- પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ હિન્દી પ્રવાસ...

મુઝમેં મિથિલા બસ ગયા- પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ હિન્દી પ્રવાસ પુસ્તક પારિતોષિક

[અલકેશ પટેલ] 2 સપ્ટેમ્બર, 2026 – ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા હેઠળ સંચાલિત હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024નાં શ્રેષ્ઠ પુસ્તકોને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. સિનિયર વિભાગના આ પુરસ્કારમાં ડૉ. ખ્યાતિ પુરોહિત શાહ દ્વારા લિખિત “મુઝમેં મિથિલા બસ ગયા– મિથિલાંચલ ડાયરી“ પુસ્તકને પણ પારિતોષિક મળ્યું છે.

ગુજરાત સાહિત્ય અકાદમી સંલગ્ન હિન્દી અકાદમી દ્વારા ગઈકાલે એક સપ્ટેમ્બરને મંગળવારે વર્ષ 2024 માટેનાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકની જાહેરાત કરવામાં આવી હતી. સિનિયર વિભાગના કુલ 09 વિભાગ માટે આ પારિતોષિકો જાહેર કરવામાં આવ્યાં છે. જે પૈકી નિબંધ-પ્રવાસ વિભાગમાં ડૉ. ખ્યાતિ પુરોહિત શાહના પુસ્તકને પ્રથમ પારિતોષિક મળ્યું છે.

નિબંધ-પ્રવાસ વિભાગ ઉપરાંત ઉપન્યાસ, આલોચના, કવિતા, હાસ્ય-વ્યંગ, એકાંકી, શોધ-અનુસંધાન-ભાષાવ્યાકરણ, અનુવાદ, આત્મકથા-રેખાચિત્ર-પત્ર-જીવનચરિત્ર-સત્યકથાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળ વિભાગ માટે પણ પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે.

શું છે “મુઝમેં મિથલા બસ ગયા– મિથિલાંચલ ડાયરી“?

આ એક એવું પ્રવાસ પુસ્તક છે જે વાચકને પરંપરાગત પ્રવાસ વર્ણન કરતાં કંઈક વિશેષ અનુભવ કરાવે છે. ખ્યાતિબેને 2022માં સીતામઢીથી જનકપુરની યાત્રા કરી હતી. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના નેજા હેઠળ દેશભરમાંથી 13 ચુનંદા સાહિત્યકારોમાં તેઓ પણ સામેલ હતા. આ યાત્રાનો હેતુ બિહારથી નેપાળ સુધી માતા સીતા સાથે સંકળાયેલાં પવિત્ર સ્થળોનો પ્રત્યક્ષ અનુભવ લેવાનો અને તેને એક નિબંધ રૂપે લખવાનો હતો. તેમાં જોડાયેલા અન્ય સાહિત્યકારોએ તો પોતપોતાની ક્ષમતા મુજબ જે લખ્યું હશે તે પણ આપણા આ ગુજરાતી પત્રકાર-લેખિકા-શિક્ષક-રેડિયો ઉદ્દઘોષક-ટીવી પ્રેઝન્ટર ડૉ. ખ્યાતિએ એ ત્રણ દિવસની યાત્રાનું આખું પુસ્તક લખ્યું.

“મુઝમેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી” પુસ્તકમાં માહિતી છે, જે તે સ્થળનાં અભૂતપૂર્વ વર્ણન છે, જે તે સ્થળની ભાષા(બોલી) વિશેની જાણકારી છે, જે તે સ્થળના ખાન-પાન વિશે વાંચતાં વાંચતાં આપણાં મોંમાં પાણી આવે એવું વર્ણન છે, જે તે સ્થળની સ્થાનિક પરંપરાઓ તેમજ પહેરવેશનો ઉલ્લેખ પણ એટલો સહજ રીતે થયો છે કે તમારી આંખમાં એ દૃશ્યો તાદૃશ્ય થઈ શકે.

આ જ કારણોસર 2024ના શ્રેષ્ઠ પ્રવાસ વર્ણન પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા હેઠળ હિન્દુ અકાદમી દ્વારા “મુઝમેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી”ની પસંદગી થઈ છે તે સર્વથા યોગ્ય છે.

મારા પુસ્તકને પુરસ્કાર મળ્યો તેનો અત્યંત આનંદ

આ પારિતોષિક અંગે પ્રતિભાવ આવતા ડૉ. ખ્યાતિબેને રિવોઈને જણાવ્યું કે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મારા પુસ્તકને પુરસ્કાર મળ્યો તેનો અત્યંત આનંદ છે. તેમણે આ પુસ્તક લખવાની તક અને પ્રેરણા આપવા બદલ અખિલ ભારતીય સાહિત્ય પરિષદનો પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “વર્ષ 2022માં અખિલ ભારતીય સાહિત્ય પરિષદની સાહિત્ય સંવર્ધન યાત્રા અંતર્ગત સીતામઢી, બિહારથી જનકપુર, નેપાળ સુધી જવાની તક મળી. આ માત્ર એક ભૌગોલિક યાત્રા નહોતી. આ એવા પવિત્ર સ્થળોની યાત્રા હતી, જ્યાં માતા સીતા અને પ્રભુ શ્રીરામના ચરણ પડ્યા છે.

સમગ્ર ભારતમાંથી પસંદ કરાયેલા 13 લેખકો, પત્રકારો અને સાહિત્યકારોના એ જૂથમાં મારી પસંદગી થવી એ મારું સૌભાગ્ય હતું. ધરતીના એ સ્પંદનોને અનુભવવા, એ સ્મૃતિઓ વચ્ચે ચાલવું અને પછી તેમને શબ્દોમાં વ્યક્ત કરવા. મિથિલાની આ યાત્રા મારા જીવનની એ યાત્રાઓમાંની એક છે, જે અંદર ક્યાંક કાયમી ધોરણે હંમેશા માટે વસી ગઈ છે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular