HomeDharma-ધર્મકાશીની પંચકોશી યાત્રાઃ દેવાધિદેવની નગરીનો એક અદ્દભૂત અનુભવ

કાશીની પંચકોશી યાત્રાઃ દેવાધિદેવની નગરીનો એક અદ્દભૂત અનુભવ

કાશી વિદ્વત પરિષદ તેમજ સંસ્કૃત પાઠશાળાઓ માટે પણ જાણીતું આ શહેર વારાણસી એવી જગ્યા છે, એવું યાત્રાધામ છે જ્યાં કદાચ તેના મૂળ ગાઢ સનાતન સંસ્કારોને કારણે ભયમુક્ત અને ચિંતામુક્ત વાતાવરણનો સહજ અનુભવ કરી શકાય છે

[અલકેશ પટેલ] 22 ઓગસ્ટ, 2026: Panchkoshi Yatra of Kashi સુરતનું જમણ અને કાશીનું મરણ- આ કહેવત લગભગ દરેક ગુજરાતી જાણે છે. તેનો અર્થ પણ બધાને ખબર છે. કાશી અર્થાત બનારસ અર્થાત વારાસણી નામ પડતાં જ દરેક સનાતનીને દેવાધિદેવ શિવજીનું સ્મરણ થાય. કાશીવિશ્વનાથના દર્શન યાદ આવે, કાશીના ભવ્ય ઘાટ યાદ આવે. પરંતુ આ બધા વચ્ચે કદાચ બહુ ઓછાને કાશીની પંચકોશી યાત્રા વિશે જાણકારી હશે. લાખો-કરોડો હિન્દુઓ કાશીની યાત્રાએ ગયા હશે, પરંતુ શક્ય છે કે એ તમામને પંચકોશી યાત્રા વિશે જાણકારી ન હોય. તો આજે તેના વિશે થોડી પ્રારંભિક જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ.

શું છે પંચકોશી યાત્રા

સ્થાનિક સ્તરે પંચક્રોશી યાત્રા તરીકે પણ લોકપ્રિય આ પંચકોશી યાત્રા વાસ્તવમાં સનાતનના તમામ દેવી-દેવતાઓના દર્શન કરવાની યાત્રા છે. કોશ, ગાઉ જેવા શબ્દોથી જેઓ પરિચિત છે તેમના માટે પંચકોશી (અથવા પંચક્રોશી) શબ્દ સમજવાનું મુશ્કેલ નથી. પંચકોશી અર્થાત પાંચ કોશ અર્થાત 11 માઈલ અર્થાત 17.6 કિલોમીટર.

Panchkoshi Yatra in Kashi: A wonderful experience in the city of Devadhidev. Report and pictures by Alkesh Patel

મૂળ વાત એ છે કે, કાશીના આટલા ક્ષેત્રમાં અર્થાત પંચકોશી ક્ષેત્રમાં કુલ 108 મંદિર છે જ્યાં ચાલીને દર્શન કરવાના હોય છે. જોકે, સ્થાનિક ગાઈડ શ્રી રવિ ત્રિપાઠીનું કહેવું છે કે સદીઓ વીતી ગઈ હોવાથી હવે કેટલાંક મંદિર વિશે માહિતી ઉપલબ્ધ નથી. સામાન્ય સંજોગોમાં આ યાત્રા પાંચ દિવસની હોય છે. કેટલાક લોકો તે ત્રણ દિવસમાં કરે છે અને સમય તેમજ શારીરિક ક્ષમતાનો અભાવ હોય તો સમગ્ર યાત્રા માર્ગના મુખ્ય મંદિરોમાં દર્શન કરીને યાત્રા એક દિવસમાં પણ કરી શકાય છે.

પંચકોશી યાત્રાનું મહત્ત્વ

પંચકોશી યાત્રા એ શ્રદ્ધાળુઓ માટે આ શહેરના આરાધ્ય દેવ એવા ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનો એક માર્ગ છે. આ યાત્રા વારાણસીના સૌથી પવિત્ર ઘાટોમાંના એક એવા મણિકર્ણિકા ઘાટથી શરૂ થાય છે અને કરદમેશ્વર મંદિર, રામેશ્વર મંદિર અને શિવપુર મંદિર સહિતના કેટલાય મહત્વપૂર્ણ તીર્થસ્થળોને આવરી લે છે. પંચકોશી યાત્રા એ માત્ર એક શારીરિક યાત્રા નથી પરંતુ એક આધ્યાત્મિક પ્રવાસ છે, જ્યાં શ્રદ્ધાળુઓ દિવ્યતા સાથે જોડાઈ શકે છે અને આધ્યાત્મિક જ્ઞાન મેળવી શકે છે. આ યાત્રાને જીવનમાં એક જ વાર મળતો અનુભવ માનવામાં આવે છે, અને ઘણા શ્રદ્ધાળુઓ ભૂતકાળની ભૂલો માટે ક્ષમા માંગવા, મનોકામનાઓ પૂર્ણ કરવા અથવા માત્ર ઈશ્વર પ્રત્યે ભક્તિ વ્યક્ત કરવાના માર્ગ તરીકે આ યાત્રા કરે છે. વારાણસી શહેર, તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસત સાથે, આ પવિત્ર યાત્રા માટે ઉત્કૃષ્ટ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. પોતાની સાંકડી શેરીઓ, ધમધમતા બજારો અને ભવ્ય મંદિરો સાથે, વારાણસી એક એવું શહેર છે જે પરંપરા અને આધ્યાત્મિકતામાં સંપૂર્ણપણે રંગાયેલું છે.

Panchkoshi Yatra in Kashi: A wonderful experience in the city of Devadhidev. Report and pictures by Alkesh Patel

વ્યક્તિગત અનુભૂતિ

તાજેતરમાં SMaRT અર્થાત Samachar Manyata Association for Research and Training દ્વારા આયોજિત કાશી પંચકોશી યાત્રાએ એક પ્રકારે અલૌકિક આધ્યાત્મિક અનુભૂતિ કરાવી. સંસ્થાના સ્થાનિક સહયોગી શ્રી અર્જુન પાંડેએ પ્રતિ વર્ષ હજારો શ્રદ્ધાળુઓને આ યાત્રા કરાવનાર કાશીના સ્થાનિક અનુભવી માર્ગદર્શકો શ્રી રવિ ત્રિપાઠી અને અનુરાગ મૌર્યની ટીમે અમને આ યાત્રા કરાવીને જીવનનો એક યાદગાર અનુભવ પૂરો પાડ્યો. આ યાત્રામાં મને સર્વ શ્રી હર્ષવર્ધન ત્રિપાઠી (સુપ્રસિદ્ધ પત્રકાર અને ટીવી પૅનલિસ્ટ), શાંતનુ ગુપ્તા (ટીવી પૅનલિસ્ટ અને શ્રી યોગી આદિત્યનાથની જીવનકથાના લેખક), સંદીપ સિંહ (ટૅમ્પલ ઈકોનોમિક્સ (બે વૉલ્યુમ)ના લેખક અને વિવિધ આઈઆઈએમ સંસ્થાઓના વિઝિટિંગ ફેકલ્ટી), મૃત્યુંજય શર્મા (લેખક અને ઉદ્યોગપતિ), મંદાર ઘોટકર (ઉદ્યોગ સાહસિક અને સંઘના સ્વયંસેવક), અનાદીરંજન બિશ્વાસ (પત્રકાર, આંદામાન-નિકોબાર અને પશ્ચિમ બંગાળ) તથા તમિલનાડુમાં મંદિરોના રક્ષણ માટે એકલે હાથ ચળવળ ચલાવનાર રંગરાજન નરસિંહન જેવા દિગ્ગજો સાથે જોડાવાની તક મળી હતી.

ઉમાશંકર ગુપ્તાનું નોંધપાત્ર પ્રદાન

પંચકોશી યાત્રા દરમિયાન એક ગણેશ મંદિર પાસે ફોટો લગાવેલો હતો જેમાં કાશીસ્થિત 56 વિનાયક મંદિરો વિશે માહિતી હતી. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આ પાવન નગરીના એક વડીલ ઉમાશંકર ગુપ્તાજી પણ ઘણા દાયકાથી લોકોને પંચકોશી યાત્રા કરાવે છે એ તો ઠીક, પરંતુ તેમનું મુખ્ય પ્રદાન એ છે કે તેમણે કાશીના 56 પ્રાચીન ગણેશજી મંદિરનું દસ્તાવેજીકરણ કર્યું છે.

Panchkoshi Yatra in Kashi: A wonderful experience in the city of Devadhidev. Report and pictures by Alkesh Patel
Panchkoshi Yatra in Kashi: A wonderful experience in the city of Devadhidev. Report and pictures by Alkesh Patel

શ્રી ઉમાશંકરજીને રૂબરૂ મળવાનું થયું ત્યારે તેમણે રિવોઈને જણાવ્યું કે, સમગ્ર પંચકોશી યાત્રા વિશે કાશીનું વહીવટીતંત્ર દસ્તાવેજીકરણ કરી રહ્યું હતું ત્યારે તંત્રને ગણેશજીના તમામ પ્રાચીન મંદિરો વિશે માહિતી નહોતી. એ માહિતી તેમણે પૂરી પાડી, જે બદલ વહીવટીતંત્ર દ્વારા ઉમાશંકરજીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કાશી વિશે અને પંચકોશી યાત્રા વિશે એકાદ અહેવાલ પૂરતો નથી. અહીંના એક-એક મંદિર સાથે સંખ્યાબંધ પ્રાચીન કથાઓ જોડાયેલી છે. યાત્રા કરવા અને કાશી વિશ્વનાથના દર્શન કરવા રોજેરોજ હજારો લોકો અહીં પહોંચે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સ્વાભાવિક રીતે અહીં આવનાર બધાને મોંઘી હોટેલોમાં રહેવાનું પોષાય નહીં અને તેથી શહેરના વહીવટીતંત્ર દ્વારા અનેક જગ્યાએ વિશાળ ધર્મશાળાઓ તૈયાર કરવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુઓ રહી શકે. શ્રદ્ધાળુઓ પોતે જ ભોજન બનાવી શકે તેવી વ્યવસ્થા પણ આ ધર્મશાળાઓમાં જોવા મળે છે.

કાશી વિદ્વત પરિષદ તેમજ સંસ્કૃત પાઠશાળાઓ માટે પણ જાણીતું આ શહેર વારાણસી એવી જગ્યા છે, એવું યાત્રાધામ છે જ્યાં કદાચ તેના મૂળ ગાઢ સનાતન સંસ્કારોને કારણે ભયમુક્ત અને ચિંતામુક્ત વાતાવરણનો સહજ અનુભવ કરી શકાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular