Homeગુજરાતીગુજરાતઅમદાવાદ-સુરતની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદ-સુરતની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2026: છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં મહત્ત્વની સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને ન્યાયિક સંકુલોને ટાર્ગેટ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આ ગંભીર શૃંખલામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે એક ધમકીભર્યા ઈમેલના માધ્યમથી ગુજરાત હાઈકોર્ટ તેમજ અમદાવાદ અને સુરત શહેરની તમામ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ધમકીને પગલે ન્યાયિક તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ઈમેલ મળવાની સાથે જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા ત્વરિત પગલાં રૂપે કોર્ટ પરિસરોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા અને સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને અમદાવાદના વ્યસ્ત વિસ્તાર ઘી કાંટા ખાતે આવેલી મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સ્થિત સિટી સેશન્સ કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપાઈ હતી. આ અંગેની જાણ થતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ, ડોગ સ્કવૉડ, સ્થાનિક પોલીસની ટુકડીઓ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોર્ટ પરિસરમાં આવેલા દરેક ખૂણે, વાહનોના પાર્કિંગ અને શંકાસ્પદ વસ્તીવાળા વિસ્તારોમાં સઘન તલાશી લેવામાં આવી હતી. જોકે, રાહતની વાત એ રહી કે કલાકો સુધી ચાલેલી આ સઘન તપાસ દરમિયાન અત્યાર સુધી કોર્ટ પરિસરમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી હોવાના સત્તાવાર અહેવાલ નથી.

આ અગાઉ પણ દેશની અનેક અદાલતો અને શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે ફેક ઈમેલ કે ધમકીઓ મળી ચુકી છે, જેના કારણે પોલીસ અને સાયબર ક્રાઈમ ટીમ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. ઈમેલ મોકલનાર શખ્સ કે જૂથ કોણ છે અને તેનો હેતુ શું હતો, તે અંગે સાયબર સેલની ટેકનિકલ ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સુરક્ષાના ભાગરૂપે તમામ કોર્ટ પરિસરો અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular