Homeગુજરાતીદેશ-વિદેશસાઉદી અરામકોએ યુરોપિયન દેશોનો ક્રૂડ ઓઇલનો સપ્લાય રોક્યો, ડ્રોન હુમલા બાદ લેવાયો...

સાઉદી અરામકોએ યુરોપિયન દેશોનો ક્રૂડ ઓઇલનો સપ્લાય રોક્યો, ડ્રોન હુમલા બાદ લેવાયો નિર્ણય

રિયાધ, 19 સપ્ટેમ્બર, 2026: દુનિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની સાઉદી અરામકોએ યુરોપના ઓછામાં ઓછા બે મોટા રિફાઇનિંગ ગ્રાહકોને આગામી ઓક્ટોબર મહિનામાં ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડવાની ના પાડી દીધી છે. સમાચાર સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, યુરોપિયન રિફાઇનર્સ સામાન્ય રીતે સાઉદી અરામકો સાથે લાંબા ગાળાના કરાર હેઠળ દર મહિને તેલ ખરીદતા હોય છે, પરંતુ હુમલાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે ઓક્ટોબરની ડિલિવરી રદ કરવામાં આવી છે.

સાઉદી અરેબિયાની અત્યંત મહત્વપૂર્ણ ‘ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન’ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુમલામાં પાઇપલાઇનના ત્રણ પમ્પિંગ સ્ટેશનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે સુરક્ષાના કારણોસર પાઇપલાઇન તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. પાઇપલાઇન બંધ થતાં લાલ સમુદ્રના કિનારે આવેલા ‘યાન્બુ’ બંદરથી ઓઇલ લોડિંગની કામગીરીને માળખાકીય અસર પહોંચી છે.

તેલનો પુરવઠો ખોરવાઈ જતાં યુરોપના રિફાઇનર્સે હવે બજારમાંથી અન્ય વિકલ્પો શોધવાની શરૂઆત કરી દીધી છે. પોલેન્ડની અગ્રણી રિફાઇનિંગ કંપની ‘ઓર્લેન’ સહિતની કંપનીઓએ સાઉદી તેલના બદલે નોર્થ સી ના ક્રૂડ ઓઇલના ઓર્ડર આપ્યા છે. આ ફેરફાર દર્શાવે છે કે મધ્ય પૂર્વમાં ઊભી થયેલી કટોકટીની અસર હવે વૈશ્વિક ઓઇલ સપ્લાય ચેઇન અને યુરોપના બજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

  • અરામકો પાઇપલાઇન ક્યારે શરૂ થશે?

અહેવાલો અનુસાર, સાઉદી અરામકો આગામી થોડા દિવસોમાં આ પાઇપલાઇનને આંશિક રીતે પુનઃશરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંપૂર્ણ ક્ષમતા સાથે પાઇપલાઇન ધમધમતી થવામાં આશરે છ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

લાલ સમુદ્રના માર્ગે ઘટેલા તેલના પુરવઠાને પહોંચી વળવા માટે સાઉદી અરામકોએ અરેબિયન અખાતના માર્ગે નિકાસ વધારી દીધી છે. ક્ષતિપૂર્તિ કરવાના ભાગરૂપે કંપની હાલ ઓમાનના ‘સોહર’ બંદર નજીક ખુલ્લા દરિયામાં એક જહાજમાંથી બીજા જહાજમાં ક્રૂડ ઓઇલ શિફ્ટ કરી રહી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયાધ અને મદીના વિસ્તારમાંથી પસાર થતી આ પાઇપલાઇન પર હુમલો કરનાર ડ્રોન ઈરાકની સરહદ અંદરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. આ અહેવાલો સામે આવ્યા બાદ ઈરાક સરકારે જવાબદાર તત્વોને પકડવા માટે પોતાના વિસ્તારમાં વ્યાપક સુરક્ષા અભિયાન અને તપા હાથ ધરી છે. આ પ્રદેશમાં ઈરાન સમર્થિત મિલિશિયા અને યમનના હુથી વિદ્રોહીઓની ગતિવિધિઓ સતત વધી રહી છે. હુથી જૂથે સાઉદીના ઊર્જા ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી, પરંતુ આ ચોક્કસ ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને સત્તાવાર રીતે સ્વીકારી નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular