ભોપાલ, 22 સપ્ટેમ્બર 2026: મધ્ય પ્રદેશના જબલપુરમાંથી ગુનાખોરીની દુનિયાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે પોલીસ પ્રશાસનને પણ હચમચાવી દીધું છે. જબલપુર પોલીસે એક એવા શાતિર માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી છે જે નિયમિતપણે ‘ચોરીની કોચિંગ ક્લાસ’ ચલાવતો હતો. ભોપાલથી ઝડપાયેલો આ મુખ્ય આરોપી પ્રેમનાથ ઉર્ફે પપ્પુ અને તેની પત્ની મળીને ઓછી ઉંમરના Gen-Z યુવાનોને ચોરીના નવા-નવા પેંતરા શીખવીને ગુનાખોરીની દુનિયામાં ધકેલી રહ્યા હતા. ઝડપાયેલા મુખ્ય આરોપી પ્રેમનાથ ઉર્ફે પપ્પુ સામે મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં ચોરી અને ઘરફોડ ચોરીના 70થી વધુ ગુના નોંધાયેલા છે. આ શાતિર ગુનેગાર નાની વયના યુવાનોને પોતાની ગેંગમાં સામેલ કરતો અને તેમને વ્યાવસાયિક ચોર બનાવવા માટે કાયદેસરની ટ્રેનિંગ આપતો હતો.
આ ગુનાહિત પાઠશાળામાં મકાનની રેકી કેવી રીતે કરવી, તાળું કેવી રીતે તોડવું, ચોરી વખતે કયા ઓજારોનો ઉપયોગ કરવો અને વારદાતને અંજામ આપ્યા બાદ પોલીસની નજરથી કેવી રીતે બચવું – આ તમામ બાબતોના ક્લાસ લેવામાં આવતા હતા. કોચિંગ લીધા બાદ આ યુવાનો ગેંગના સક્રિય સભ્ય બનીને ચોરીઓ કરતા હતા. આ સમગ્ર નેટવર્કનો ખુલાસો જબલપુરની અર્ણવ વિહાર સોસાયટીમાં પોલીસ વિભાગના જ હેડ કોન્સ્ટેબલના ઘરે થયેલી મોટી ચોરી બાદ થયો હતો. ફરિયાદ નોંધાતાં જ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ ‘સ્પાઈડર-મેન’ પ્રિન્ટવાળી ટી-શર્ટ અને બેગ લઈને ચોરી કરવા પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે પોલીસે સૌથી પહેલાં આ ગેંગના ત્રણ યુવાન સભ્યો – 19 વર્ષીય સૂરજ ઉર્ફે દાઉ, 22 વર્ષીય વિજય ઉર્ફે નાટી અને 18 વર્ષીય લખનલાલ ઉર્ફે સાહિલને દબોચી લીધા હતા.
-
પૂછપરછમાં ગુનો કબૂલ્યો
પોલીસની કડક પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું હતું કે આ ચોરીમાં તેમનો ‘માસ્ટર’ પ્રેમનાથ મલ્લાહ પણ સામેલ હતો. તે ચોરી પહેલાં ઘરની રેકી કરતો, આખી યોજના બનાવતો અને ચોરીનો મુદ્દામાલ ઠેકાણે પાડવાની જવાબદારી પણ તેની જ રહેતી હતી. માસ્ટરમાઈન્ડની ઓળખ થતાં જ જબલપુર પોલીસે દરોડા પાડીને આરોપી પ્રેમનાથ ઉર્ફે પપ્પુને ભોપાલથી ઝડપી પાડ્યો હતો. તેની નિશાનદેહી પર પોલીસે રૂ. ૧૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા છે.
એએસપી સીટી આયુષ જાખડે જણાવ્યું હતું કે, સીસીટીવી અને બાતમીદારોની માહિતીના આધારે પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં માસ્ટરમાઈન્ડ પ્રેમનાથ મલ્લાહનું નામ સામે આવ્યું હતું. તેની સાથે જ સોના-ચાંદીના દાગીના ખરીદીને ઓગાળનાર સોની જયપ્રકાશ સોનીની પણ ધરપકડ કરી રૂ. 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલ પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.


