નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: ફ્રેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના પ્રમુખ સાઈ ગિરિધરે મંગળવારે જણાવ્યું હતું કે GST 2.0 લાગુ થયા બાદ ભારતીય ઓટો રિટેલ ક્ષેત્રનો વિકાસ દર ચાર ગણો વધી ગયો છે. આ ઝડપી વૃદ્ધિ પાછળ વાહનોની ખરીદીમાં થયેલો ઘટાડો અને લોકો માટે પરવડે તેવી કિંમતો સૌથી મોટું પરિબળ સાબિત થયું છે. GST 2.0 ના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેમણે માહિતી આપી હતી કે ઓક્ટોબર 2025 થી ઓગસ્ટ 2026 વચ્ચેના 11 મહિનામાં દેશમાં 3 કરોડથી વધુ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જે વાર્ષિક ધોરણે લગભગ 20 ટકાનો ગ્રોથ દર્શાવે છે. અગાઉના વર્ષે સમાન ગાળામાં આ વૃદ્ધિ દર 5 ટકાથી પણ ઓછો હતો.
સાઈ ગિરિધરે જણાવ્યું હતું કે GST 2.0 એ નાની કાર, કમ્યુટર ટૂ-વ્હીલર, ટ્રેક્ટર અને કોમર્શિયલ વ્હીકલ્સ જેવા મોટા વપરાશકર્તા વર્ગ દ્વારા ખરીદાતા વાહનોની ઓન-રોડ કિંમતોમાં કાયમી ધોરણે ઘટાડો કર્યો છે. આ સુધારા બાદ પ્રથમ વખત કાર કે બાઇક ખરીદનારા ગ્રાહકો અને લાંબા સમયથી ખરીદી મુલતવી રાખનારા ગ્રાહકો ફરીથી શોરૂમ તરફ વળ્યા છે. FADA ના પ્રમુખે ઉમેર્યું કે છેલ્લા તહેવારોની સિઝનમાં જોવા મળેલી મજબૂત માંગ માત્ર મોસમી ન હતી, પરંતુ તે હવે ઓટો ઇન્ડસ્ટ્રી માટે ‘ન્યૂ નોર્મલ’બની ગઈ છે. GST 2.0 ની અસર માળખાકીય રહી છે, જેના કારણે આખા વર્ષ દરમિયાન વિવિધ કેટેગરીમાં ઓટો ઉદ્યોગે વેચાણના નવા વિક્રમો સર્જ્યા છે.
-
ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોનો દબદબો
મહત્વની બાબતો પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે, બે પૈડાંવાળા વાહનોનું વેચાણ 2018 પછીના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. પેસેન્જર વ્હીકલ (કાર) શ્રેણીમાં પ્રથમ વખત ઈલેક્ટ્રિક, સીએનજી જેવા વૈકલ્પિક ઈંધણ આધારિત વાહનોએ પેટ્રોલ વાહનોને પાછળ છોડી દીધા છે. અનેક કેટેગરીમાં ગ્રામીણ બજારોનો ગ્રોથ શહેરી ભારત કરતાં પણ વધુ ઝડપી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની નીતિઓની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે નીતિઓના કેન્દ્રમાં પરવડે તેવા વાહનો ઉપલબ્ધ કરાવવાની વિચારસરણીથી કન્ઝમ્પ્શનનો નવો દોર શરૂ થયો છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે વાહન ઉત્પાદકો હજુ પણ કાચા તેલની કિંમતો, કોમોડિટી ખર્ચ અને વિદેશી મુદ્રાના દરમાં ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યા છે.


