નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) એ ઓછી આવક ધરાવતા અને માત્ર બેઝિક ફોન વાપરતા ટેલિકોમ ગ્રાહકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (જેમ કે જિયો, એરટેલ, વુડાફોન-આઈડિયા) ને ઓછી વલિડિટી ધરાવતા માત્ર ‘વોઈસ કોલ અને SMS’ ના પ્લાન રજૂ કરવા કડક સૂચના આપી છે. આ સાથે જ આ પ્લાન્સના દર (ટેરિફ) માં પણ યોગ્ય ઘટાડો કરવો પડશે. ટ્રાઈના આ નિર્ણયથી એવા કરોડો ગ્રાહકોને મોટો આર્થિક ફાયદો અને ફ્લેક્સિબિલિટી મળશે જેમને ઈન્ટરનેટ/ડેટા સેવાઓની જરૂર નથી.
ટ્રાઈએ પોતાના ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (તેરમો સુધારો) રેગ્યુલેશન, 2026’ માં આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરી છે. આ નવા માળખા હેઠળ સર્વિસ પ્રોવાઈડર્સે ૩૦ દિવસ અથવા તેનાથી ઓછી વલિડિટીવાળા ‘ઓન્લી વોઈસ અને એસએમએસના સ્પેશિયલ ટેરિફ વાઉચર બજારમાં મુકવા પડશે. ટ્રાઈએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (બારમો સુધારો), 2024 ના અમલ પછી બજારમાં માત્ર વોઈસ અને એસએમએસવાળા સસ્તા વાઉચર્સની ઉપલબ્ધતા ખૂબ મર્યાદિત થઈ ગઈ હતી. કંપનીઓ મોટે ભાગે મોંઘા અને લાંબી વલિડિટીવાળા ડેટા બંડલ પ્લાન પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. આનાથી ઓછી આવક ધરાવતા અને સિનિયર સિટિઝન ગ્રાહકો સસ્તા શોર્ટ-ટર્મ વિકલ્પોથી વંચિત રહી જતા હતા. નિયામકે અનુભવ્યું કે આ સ્થિતિમાં તાત્કાલિક બદલાવ લાવવો જરૂરી છે.
-
કેવા હશે નવા પ્લાન વિકલ્પો?
નવા નિર્દેશો અનુસાર, મોબાઈલ ઓપરેટર્સે ગ્રાહકોને નીચે મુજબના નવા વિકલ્પો આપવા પડશે..
માસિક સેમ-ડેટ રિચાર્જ: એક એવો માત્ર વોઈસ અને એસએમએસ પ્લાન આપવો પડશે જે દર મહિને એક જ તારીખે રિન્યૂ થઈ શકે (દા.ત. દર મહિનાની 15મી તારીખે). જો કોઈ મહિનામાં તે તારીખ ન હોય તો મહિનાની છેલ્લી તારીખે રિન્યૂ થશે.
લાંબી વલિડિટી વિકલ્પ: માસિક અને ઓછી વલિડિટી ઉપરાંત કંપનીઓએ લાંબી મુદતનો (માત્ર વોઈસ અને એમએસએસ) ઓછામાં ઓછો એક પ્લાન પણ આપવો પડશે.
-
કોને થશે સૌથી મોટો ફાયદો?
ટ્રાઈના મતે, આ સુધારેલા ટેરિફ માળખાથી ખાસ કરીને ઓછી આવક ધરાવતા વર્ગ, ગ્રામીણ વિસ્તારોના વપરાશકર્તાઓ અને એવા ગ્રાહકોને સીધો લાભ મળશે જેઓ બિનજરૂરી ડેટા પેક માટે વધારાના પૈસા ચૂકવવા માગતા નથી. આ બદલાવથી હવે યુઝર્સ પોતાની જરૂરિયાત અને આર્થિક ક્ષમતા મુજબ યોગ્ય રિચાર્જ પ્લાન પસંદ કરી શકશે.


