ગુવાહાટી, 4 નવેમ્બર 2026: અસમ સરકારે આ વર્ષે રાજ્યના શિવસાગર અને ચરાઈદેવ જિલ્લાઓમાં આવેલા વિનાશક પૂર પાછળના વાસ્તવિક કારણો બહાર લાવવા માટે સીબીઆઈ તપાસ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર આ અંગે આગામી દસ દિવસમાં કેન્દ્ર સરકારને પત્ર લખશે. આ સાથે જ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટ કર્યું છે કે એકથી વધુ લગ્ન (બહુવિવાહ) કરનાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે અને આ કાયદો કોઈપણ ધર્મના ભેદભાવ વગર તમામ કર્મચારીઓને લાગુ પડશે.
કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, સરકારે શિવસાગર અને ચરાઈદેવ જિલ્લાઓમાં ત્રાટકેલા ગંભીર પૂર પાછળના અસલી કારણો શોધવા માટે તપાસની દિશા સ્પષ્ટ કરી છે. આ માટે આગામી 10 દિવસમાં કેન્દ્ર સરકારને પત્ર મોકલવામાં આવશે, જો કે આ મામલે સીબીઆઈ તપાસ સોંપવાનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારે જ લેવાનો છે.
આ વર્ષે અસમના પૂર્વ ભાગમાં દીક્ખૌ નદીના પ્રચંડ પ્રવાહ અને પૂરના કારણે ચરાઈદેવ, શિવસાગર અને જોરહાટ જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. આ કુદરતી આફતમાં રાજ્યભરમાં ઓછામાં ઓછા 108 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. પૂરના પાણી ભરાવાથી મકાનો, શાળાઓ, રસ્તાઓ, તટબંધો, પશુશાળાઓ, મત્સ્યઉદ્યોગ કેન્દ્રો અને સ્વાસ્થ્ય કેન્દ્રોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. સરકાર હવે વૈજ્ઞાનિક અને ફોરેન્સિક અથવા ઉચ્ચસ્તરીય તપાસ દ્વારા એ જાણવા માંગે છે કે આ વિસ્તારોમાં આટલી ભીષણ સ્થિતિ સર્જાવા પાછળનું અસલી કારણ શું હતું.
-
તમામ ધર્મોના કર્મચારીઓને સરખો લાગુ પડશે નિયમ
કેબિનેટ બેઠકમાં અસમ સરકારે સરકારી કર્મચારીઓની સેવા અને શિસ્તના નિયમોમાં પણ મોટા સંશોધનને મંજૂરી આપી દીધી છે. નવા નિયમ અનુસાર જો કોઈ સરકારી કર્મચારી એક કરતા વધુ લગ્ન (બહુવિવાહ) કરવાનો દોષી જણાશે, તો તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. એટલું જ નહીં, આવા કર્મચારીઓને ભવિષ્યમાં કોઈપણ સરકારી નોકરી મેળવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. મુખ્યમંત્રી સરમાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ નવો કાયદો કે જોગવાઈ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન સહિત તમામ ધર્મોના સરકારી કર્મચારીઓને સમાનરૂપે લાગુ પડશે. આ માટે ‘અસમ સેવા અને શિસ્ત નિયમ’ના નિયમ-7માં ક્લોઝ-6 ઉમેરવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય તમામ સરકારી કર્મચારીઓ માટે એક સમાન અને કડક શિસ્ત વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.
-
યુસીસી લાગુ કરવાની તૈયારીઓ વેગવંતી
ઉલ્લેખનીય છે કે, અસમ વિધાનસભાએ અગાઉ ૨૭ મેના રોજ સમાન નાગરિક સંહિતા સાથે જોડાયેલું વિધેયક પસાર કર્યું હતું. જેનો મુખ્ય હેતુ લગ્ન, છૂટાછેડા, વારસાગત અધિકારો અને લિવ-ઈન સંબંધો જેવા મામલાઓ માટે એકસમાન કાનૂની માળખું તૈયાર કરવાનો છે. ગત 13 ઓક્ટોબરે ગૃહ અને રાજકીય વિભાગના વધારાના મુખ્ય સચિવ અજય તિવારીએ પુષ્ટિ કરી હતી કે આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલી દેવાયું છે, અને રાજ્ય સરકારે આ કાયદો જમીની સ્તરે અમલમાં મૂકવા માટે નિયમો ઘડવા એક સમિતિની પણ રચના કરી દીધી છે.


