Homeગુજરાતીદેશ-વિદેશગુવાહાટીના ચકચારી પેન્ટા મર્ડર કેસનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

ગુવાહાટીના ચકચારી પેન્ટા મર્ડર કેસનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

ગુવાહાટી, 4 નવેમ્બર 2026: અસમના શિવસાગરમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા અને પોલીસ કર્મચારીની પિસ્તોલ આંચકી હુમલો કરવાનો પ્રયાસ કરનાર ચકચારી પંચમુખી હત્યાકાંડના આરોપી ઘનકાંત ગોગોઈનું પોલીસ ફાયરિંગમાં મોત નિપજ્યું છે. અસમ પોલીસના જણાવ્યા અનુસાર, ગુવાહાટીમાં તાજેતરમાં બનેલી 5 લોકોની નિર્મમ હત્યાની ઘટનામાં આરોપી ઘનકાંત ગોગોઈ મુખ્ય સૂત્રધાર હતો.

એસએસપી પાપોરી ચેતિયાએ જણાવ્યું હતું કે, શિવસાગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના અનુસંધાનમાં આરોપી ઘનકાંત ગોગોઈને પોલીસ વાહનમાં લઈ જવામાં આવી રહ્યો હતો. પ્રવાસ દરમિયાન આરોપીએ શૌચાલય જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી પોલીસે વાહન રોકીને તેને નિયત સ્થળે લઈ ગયા હતા. એસએસપીના જણાવ્યા અનુસાર, આરોપી એક તાલીમબદ્ધ શૂટર હતો. શૌચ ક્રિયાના બહાને બહાર આવ્યા બાદ તેણે અચાનક તપાસ અધિકારીની સર્વિસ પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને આરોપી વચ્ચે થયેલી ઝપાઝપીમાં ૩ રાઉન્ડ ગોળીઓ છૂટી હતી.

  • પોલીસનું જવાબી ફાયરિંગ: હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

પોલીસ ટીમ પર થયેલા અચાનક હુમલાને નાકામ કરવા અને સ્વબચાવ માટે એક પોલીસકર્મીએ પોતાની સર્વિસ પિસ્તોલમાંથી જવાબી ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસ ફાયરિંગમાં આરોપી ઘનકાંત ગોગોઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 26 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે અસમના ગુવાહાટી સ્થિત ઉલુબારી વિસ્તારમાં આવેલી ‘હોટેલ બિલાસ ઇન’ ખાતે ભયાનક ગોળીબારની ઘટના બની હતી. હોટેલ માલિક હેલેના ભરાલી સહિત કુલ ૫ લોકોનાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હોટેલની લીઝ અને મેનેજમેન્ટને લઈને હેલેના ભરાલી અને ઘનકાંત ગોગોઈ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સપ્ટેમ્બર 2025માં બંને વચ્ચે 5 વર્ષનો લીઝ કરાર થયો હતો. 26 ઓક્ટોબરના રોજ આ વિવાદનો ઉકેલ લાવવા માટે એક બેઠક યોજવામાં આવી હતી, પરંતુ વાટાઘાટો દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં ઘનકાંત ગોગોઈએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હત્યાકાંડ બાદ પોલીસે ઘનકાંત ગોગોઈની ધરપકડ કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular