Homeગુજરાતીદેશ-વિદેશટાઈગર શ્રોફ બાદ હવે આયુષ્માન ખુરાનાને લોરેન્સ ગેંગના નામે મળી ધમકી

ટાઈગર શ્રોફ બાદ હવે આયુષ્માન ખુરાનાને લોરેન્સ ગેંગના નામે મળી ધમકી

મુંબઈ, 4 નવેમ્બર 2026: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સની સુરક્ષા મામલે ચિંતા સતત વધતી જઈ રહી છે. અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસ બાદ હવે અન્ય ફિલ્મી હસ્તીઓને પણ ધમકીઓ મળવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. તાજા માહિતી મુજબ, અભિનેતા આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યા ઓડિયો ક્લિપ અને ફોન કોલ મળ્યા છે, જેમાં તેમની પાસે કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.

અહેવાલ મુજબ, સૂત્રોના આધારે અભિનેતા આયુષ્માન ખુરાનાને એક ઓડિયો ક્લિપ મોકલવામાં આવી છે. આ ઓડિયો મોકલનાર શખ્સે ખુદને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે અને અભિનેતા પાસે કરોડો રૂપિયાની માંગ કરી છે. મામલો સામે આવતા જ મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અવાજના નમૂના મેળવીને તેની ખરાઈ કરવા માટે પોલીસ રેકોર્ડ્સ સાથે તપાસ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન અભિનેતા તુષાર કપૂરને પણ ધમકીભર્યો ઓડિયો કોલ મળ્યાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, એક શખ્સે ખુદને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો ‘હેરી બોક્સર’ બતાવીને તુષાર કપૂર પાસે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ ધમકી મળ્યા બાદ તુષાર કપૂરે તાત્કાલિક મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ આ ઓડિયો મોકલનારની ઓળખ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ રહી છે.

ટાઈગર શ્રોફ પર હુમલા બાદ વધ્યા ખંડણીના મામલા

બોલિવૂડમાં આ પ્રકારની ધમકીઓ અને ખંડણીના રેકેટની ચર્ચાઓ ત્યારે વધુ જોર પકડ્યું જ્યારે તાજેતરમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયો હતો. ગત 18 ઓક્ટોબરના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં ફૂટબોલ રમીને પરત ફરી રહેલા ટાઈગર શ્રોફની કાર પર બાઇક સવાર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટાઈગર શ્રોફ સદનસીબે બચી ગયા હતા, પરંતુ તેમનો ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા. આ કેસની ગંભીરતાને જોઈને મુંબઈ પોલીસે મામલો ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો.

આ કેસની તપાસ દરમિયાન પોલીસને મોટા સંગઠિત અપરાધિક નેટવર્કની આશંકા જણાતા 27 ઓક્ટોબરે આરોપીઓ વિરુદ્ધ કડક ‘મકોકા’ કાયદાની કલમો ઉમેરવામાં આવી હતી. 2 નવેમ્બર સુધીમાં આ કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ટાઈગર શ્રોફને નિશાના બનાવતા પહેલા અન્ય બોલિવૂડ સ્ટાર્સ જેમ કે સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનની પણ રેકી કરવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular