Homeગુજરાતીટેકનોલોજીમેટા ઈન્ડિયા સામે દિલ્હી પોલીસમાં FIR: ચાઈલ્ડ એબ્યુઝ અને વાંધાજનક કન્ટેન્ટ મામલે...

મેટા ઈન્ડિયા સામે દિલ્હી પોલીસમાં FIR: ચાઈલ્ડ એબ્યુઝ અને વાંધાજનક કન્ટેન્ટ મામલે કાર્યવાહી

નવી દિલ્હી, 11 નવેમ્બર 2026: મેટા ઈન્ડિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકો સાથે જોડાયેલ વાંધાજનક અને જાતીય શોષણ સંબંધિત સામગ્રી મળી આવવાના ગંભીર મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધાઈ છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના સભ્ય પ્રિયંક કાનૂનગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ અંગેની સત્તાવાર માહિતી આપી છે.

પ્રિયંક કાનૂનગોએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટ નિર્દેશો અને કડક વલણ બાદ દિલ્હી પોલીસે આ કેસ દાખલ કર્યો છે. મેટાના પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રીની ઉપલબ્ધતા સામે આવ્યા બાદ આ કાનૂની પગલું ભરવામાં આવ્યું છે. આ મામલો સામે આવ્યા બાદ મેટા ઈન્ડિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકો સંબંધિત વાંધાજનક કન્ટેન્ટના મોનિટરિંગ અને તેને હટાવવાની સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા થયા છે. હવે દિલ્હી પોલીસની તપાસમાં એ સ્પષ્ટ થશે કે આ પ્રકારનું ગેરકાયદેસર કન્ટેન્ટ પ્લેટફોર્મ પર કેવી રીતે ઉપલબ્ધ થયું અને તેને રોકવા માટે કંપની દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ૩ જુલાઈના રોજ બાળકોના શોષણ સંબંધિત કન્ટેન્ટ વાળી જાહેરાતોના મુદ્દે મેટાને સમન્સ/નોટિસ પાઠવવામાં આવી હતી અને આ મામલે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. આ નોટિસ મળ્યાના એક સપ્તાહ બાદ મેટા દ્વારા પોતાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular