Homeગુજરાતીદેશ-વિદેશUPI પેમેન્ટ્સ અંગે NPCI ની સ્પષ્ટતા: રુ. 2,000 સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ...

UPI પેમેન્ટ્સ અંગે NPCI ની સ્પષ્ટતા: રુ. 2,000 સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ ટેક્સ નહીં

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ મંગળવારે મીડિયા અહેવાલોમાં કરાયેલા એ દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, યુપીઆઈ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) અને તેના પર લાગતો જીએસટી નાના વેપારીઓ પર વધારાનો બોજ નાખશે. એનપીસીઆઈએ સ્પષ્ટતા કરી છે કે રુ. 2,000 સુધીના તમામ પર્સન-ટુ-મર્ચન્ટ (પીટુએમ) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર અગાઉની જેમ જ ઝીરો એમડીઆર રહેશે, તેથી તેના પર જીએસટીની કોઈ અસર પડશે નહીં.

સરકારી આંકડા અનુસાર, રુ. 2,000 સુધીના ટ્રાન્ઝેક્શન કુલ યુપીઆઈ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન વોલ્યુમના 96 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ થયો કે મોટાભાગની યુપીઆઈ ચૂકવણીઓ એમડીઆર અને જીએસટીની ક્ષેત્રમર્યાદાથી બહાર રહેશે.

એનપીસીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે જે વેપારીઓની માસિક યુપીઆઈ આવક (રિસીપ્ટ) રુ. 1 લાખ સુધીની છે, તેમને પણ કોઈ એમડીઆર ચૂકવવો પડશે નહીં. આથી નાના વેપારીઓ માટે આ ફેરફારથી કોઈ નાણાકીય બોજ ઊભો થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વધુમાં, જો કોઈ વેપારી એમડીઆર પર જીએસટી ચૂકવે છે, તો તે પોતાના અન્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ સામે તેને એડજસ્ટ કરી શકે છે, જેથી વેપારીને વધારાનો ખર્ચ ભોગવવો પડશે નહીં.

  • રુ. 2,000 થી વધુના ટ્રાન્ઝેક્શન માટે શું છે નિયમ?

નાણા મંત્રાલયે પણ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે એમડીઆરએ કોઈ સરકારી ટેક્સ નથી, પરંતુ યુપીઆઈ નેટવર્ક, બેંકો અને એપ પ્રોવાઈડર્સના સંચાલન માટેનો ખર્ચ છે. નવી વ્યવસ્થા હેઠળ નિયમો નીચે મુજબ રહેશે:

રુ. 2,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર: 0.4 ટકા એમડીઆર લાગુ થશે.
મહત્તમ કેપિંગ: રુ. 75,000 કે તેથી વધુના મોટા ટ્રાન્ઝેક્શન માટે એમડીઆરની મહત્તમ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રુ. 300 નક્કી કરાઈ છે.
રાહત આપેલા ક્ષેત્રો: રેલ્વે, ટેલિકોમ, ઈન્સ્યોરન્સ, ઈંધણ (પેટ્રોલ પંપ) અને કૃષિ જેવા ક્ષેત્રોમાં રુ. 2,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર માત્ર રુ. 5 નો ફ્લેટ એમડીઆર લાગુ થશે.

  • પર્સન-ટુ-પર્સન (પીટુપી) ટ્રાન્ઝેક્શન તદ્દન મફત

એનપીસીઆઈ અને નાણા મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે થતાં સામાન્ય યુપીઆઈ ટ્રાન્ઝેક્શન (પીટુપી) રકમ ભલે ગમે તેટલી હોય, તે સંપૂર્ણપણે મફત જ રહેશે. એકંદરે, યુપીઆઈ પર ડિજિટલ પેમેન્ટ મોંઘું થવાની અફવાઓથી 96% થી વધુ ગ્રાહકો અને નાના વેપારીઓ તદ્દન મુક્ત રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular