મુંબઈ, 26 સપ્ટેમ્બર 2026: મહારાષ્ટ્ર સરકારે રાજ્યના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો અને નાગરિકો માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કુલ 358 તાલુકાઓમાંથી 265 તાલુકાઓમાં સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. ‘ટ્રિગર-1’ લાગુ કરવામાં આવેલા આ તમામ 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત શ્રેણીમાં સામેલ કરાયા છે. આ નિર્ણય સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યના આશરે 75 ટકા તાલુકાઓમાં અત્યારે ગંભીર દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે.
ખરીફ સીઝન દરમિયાન વરસાદની ભારે ખેંચથી પ્રભાવિત થયેલા ખેડૂતોને રાહત આપવા માટે સરકારે 12 વિવિધ કલ્યાણકારી સુવિધાઓની જાહેરાત કરી છે. જેમાં મુખ્યત્વે જમીન મહેસૂલ (લેન્ડ રેવન્યુ) માં મુક્તિ, પાક લોનનું પુનર્ગઠન (રેસ્ટ્રક્ચરિંગ), કૃષિ ધિરાણની વસુલાત પર વચગાળાનો સ્ટે, 7.5 હોર્સપાવરથી વધુ ક્ષમતા ધરાવતા ખેતીના ઇલેક્ટ્રિક પંપોના વીજ બિલમાં છૂટછાટ અને અસરગ્રસ્ત વિસ્તારોના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં માફીનો સમાવેશ થાય છે.
-
પીવાના પાણી અને રોજગારી અંગે વિશેષ વ્યવસ્થા
રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બરે આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને અસરગ્રસ્ત ખેતરોમાં પાકના નુકસાનની આકારણી માટે તાત્કાલિક ‘પંચનામા’ શરૂ કરવા સૂચના આપી છે. સર્વેક્ષણ દરમિયાન ખેતરોના ફોટોગ્રાફ્સ અને જીપીએસ લોકેશન પણ અપલોડ કરવામાં આવશે.
આ ઉપરાંત, રોજગાર ગેરંટી યોજના હેઠળ નિયમોમાં છૂટછાટ આપીને વધુમાં વધુ કામો શરૂ કરવામાં આવશે. પીવાના પાણીની અછત ધરાવતા ગામોમાં ટેન્કરો ઉપલબ્ધ કરાવાશે અને ખેતીના વીજ જોડાણો કાપવામાં નહીં આવે. સાથે જ ખેતમજૂરો માટે અનાજની ફાળવણી અને પશુઓ માટે ઘાસચારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
-
ખેડૂતોને નિરાધાર છોડવામાં નહીં આવે: નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજિત પવારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોનો પ્રત્યક્ષ પ્રવાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. લોહા તાલુકામાં સોયાબીનના ખેતરોની મુલાકાત લીધા બાદ તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે, “હું મરાઠવાડાની પુત્રી છું અને ખેડૂતોની વેદના સારી રીતે સમજુ છું. આ મુશ્કેલ સમયમાં સરકાર ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભી છે. પાકના નુકસાનની સાથે બાળકોનું શિક્ષણ, પશુઓનો ચારો અને પરિવારનું ભરણપોષણ પણ સરકાર માટે પ્રાથમિકતા છે.”


