નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2026: હવામાન પરિવર્તનનો પ્રભાવ હવે માત્ર વૈશ્વિક તાપમાન વધવા પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તે ઉનાળાની ઋતુના કેલેન્ડરમાં પણ મોટો ફેરફાર કરી રહ્યો છે. 45 વર્ષના વૈશ્વિક આબોહવાકીય ડેટાના વિશ્લેષણમાં ખુલાસો થયો છે કે વિશ્વના આશરે અડધા ભાગમાં તીવ્ર ગરમીનો ગાળો પહેલા કરતાં વધુ લાંબો થયો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આ ફેરફાર મુખ્યત્વે સામાન્ય ગરમીની શરૂઆત પહેલાં જ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને વાતાવરણ સાથે અનુકૂળ થવાનો સમય મળતો નથી અને સ્વાસ્થ્ય સંબંધી જોખમો વધી રહ્યા છે.
સંશોધકોએ તપાસ કરી હતી કે શું સરેરાશ તાપમાનમાં વધારો જ આ તીવ્ર ગરમીના સમયગાળામાં ફેરફાર માટે જવાબદાર છે? વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ઉનાળાની ઋતુના મધ્યમાં થતા કેટલાક ફેરફારોને આનાથી સમજી શકાય છે, પરંતુ ઋતુની શરૂઆત અને અંતમાં થતા ફેરફારોની સંપૂર્ણ સમજૂતી માત્ર વધતા સરેરાશ તાપમાનથી મળતી નથી. વિશ્વના 80 ટકા ભૂ-ભાગમાં ગરમીના સમયમાં થયેલો બદલાવ આ સરળ ગણતરી સાથે મેળ ખાતો નથી. સંશોધકોના મતે પ્રાદેશિક વરસાદની પેટર્નમાં ફેરફાર, જમીનના ઉપયોગમાં ફેરફાર અને મોટા પાયે બદલાતી સિસ્ટમ પણ ઉનાળાના કેલેન્ડરને અસર કરી રહી છે.
અમેરિકાની નાસા ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝ અને ન્યૂ યોર્ક યુનિવર્સિટી સહિતની સંસ્થાઓના સંશોધકોએ 1980-1989 અને 2015-2024 ના ડેટાની સરખામણી કરી હતી. રિસર્ચ અનુસાર, વિશ્વના લગભગ 50 ટકા ભૂ-ભાગમાં સૂકી ગરમી અને 48 ટકા વિસ્તારમાં ભેજવાળી (હ્યુમિડ) તીવ્ર ગરમીનો સમયગાળો વધ્યો છે. આ અભ્યાસ પ્રખ્યાત જર્નલ ‘એજીયુ એડવાન્સિસ’માં પ્રકાશિત થયો છે. વિશ્વના અલગ-અલગ વિસ્તારોમાં ગરમી વધવાની પેટર્ન એકસરખી નથી. કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમી ઉનાળા પછી શરદ ઋતુ તરફ લંબાઈ છે, જ્યારે પશ્ચિમ યુરોપ, દક્ષિણ આફ્રિકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીનો વિસ્તાર મુખ્યત્વે વસંત ઋતુ તરફ (એટલે કે સમય કરતાં પહેલાં) થયો છે.


