નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2026: સ્માર્ટફોન માર્કેટમાંથી ધીમે ધીમે સસ્તા અને બજેટ સ્માર્ટફોન ગાયબ થઈ રહ્યા છે. એક નવા અહેવાલ અનુસાર, વર્ષ 2030 સુધીમાં વિશ્વભરના રિટેલ બજારોમાંથી રૂ. 20,000 થી ઓછી કિંમત ધરાવતા 23 કરોડથી વધુ સ્માર્ટફોન બહાર થઈ જશે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, આ દાયકાના અંત સુધીમાં બજેટ સેગમેન્ટમાં આશરે 40 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાશે. એક તરફ ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં રિકવરી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ બજેટ સ્માર્ટફોનનો ગ્રાહક વર્ગ સતત ઘટી રહ્યો છે.
બજેટ ફોન માર્કેટમાંથી ગાયબ થવા પાછળ ચિપસેટ અને મેમરી પ્રોસેસરની વધતી કિંમતો, હાર્ડવેરની જરૂરિયાતો અને સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓનું ઓછા પ્રોફિટ માર્જિનવાળા સેગમેન્ટમાંથી પાછા હટવું મુખ્ય કારણ છે. સસ્તા સ્માર્ટફોનમાં કમ્પોનન્ટ્સનો ખર્ચ પહેલાથી જ કુલ પડતર કિંમતનો મોટો હિસ્સો હોય છે, જેના કારણે કિંમતો વધતાં ઉત્પાદક કંપનીઓ પાસે મોંઘવારી પોતાની જાતે સહન કરવાની કોઈ ગુંજાશ રહેતી નથી.
રિપોર્ટ અનુસાર, બજેટ ફોનના વેચાણમાં ઘટાડા પાછળ ગ્રાહકોની બદલાતી આદતો પણ જવાબદાર છે. લોકો હવે પોતાનો જૂનો સ્માર્ટફોન લાંબા સમય સુધી વાપરે છે અને નવો ફોન ખરીદવામાં ઉતાવળ કરતા નથી. ઘણા ખરીદદારો હવે નવા બજેટ સ્માર્ટફોનની જગ્યાએ સર્ટિફાઇડ રિફર્બિશ્ડ (સેકન્ડ હેન્ડ) ફોન પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત, સરળ ઈએમઆઈ અને ઇન્સ્ટોલમેન્ટ પ્લાનના કારણે ગ્રાહકો હવે થોડા વધુ પૈસા ખર્ચીને મિડ-રેન્જ કે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા તરફ વળ્યા છે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના પ્રિન્સિપલ એનાલિસ્ટ યાંગ વાંગના જણાવ્યા અનુસાર, વિકાસશીલ અને ઓછી આવક ધરાવતા દેશોમાં બજેટ સ્માર્ટફોનની અછત ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે મોટો અવરોધ બની શકે છે. રૂ. 20,000 થી ઓછી કિંમતના નવા સ્માર્ટફોન ઘટવાથી ફીચર ફોનમાંથી પ્રથમ વખત સ્માર્ટફોન પર સ્વિચ થતા યુઝર્સની ઝડપ ધીમી પડી શકે છે. આનાથી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓનલાઇન સેવાઓને પ્રોત્સાહન આપવાના સરકારો અને ટેલિકોમ ઓપરેટરોના પ્રયાસોને પણ મોટો ઝટકો લાગી શકે છે.


