Homeગુજરાતીદેશ-વિદેશબાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર યથાવત, વધુ એક હિન્દુની લાશ મળી

બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર યથાવત, વધુ એક હિન્દુની લાશ મળી

ઢાકા, 26 સપ્ટેમ્બર 2026: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી ઉપર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, દરમિયાન મયમનસિંહ જિલ્લાના બેગુનવાડી વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિની લાશ ડ્રમમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે.સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર મૃતદેહ સ્લૂઈસ પેટ પાસે મળી આવી હતી. મતૃકની ઓળખ 50 વર્ષિય નિરંજન ચંદ્ર તરીકે થઈ હતી. જેઓ મયમનસિંહના અઠારવારી બિલ્ડીંગ વિસ્તારમાં જ્વેલરી દુકાન ચલાવતા હતા. બાંગ્લાદેશના જાણીતા મીડિયાના રિપોર્ટ અનુસાર, પોલીસને હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે, નિરંજનની હત્યા કોણે અને કેમ કરી છે.

કોતવાલી મોડલ પોલીસ સ્ટેશનના ઓસી મોહમ્મદ શિબિરુલ ઈસ્લામના જણાવ્યા અનુસાર મૃતકના શરીર અને છાતી ઉપર ધારદાર હથિયારના નિશાન મળી આવ્યાં હતા. વેપારીની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશને ડ્રમમાં પેક કરીને પાણીમાં ફેંકી દીધી હતી. મૃતકના પેન્ટના ખિસ્સામાંથી મયમનસિંહ હિન્દુ કો.ઓપરેટિવ ક્રેડિટ યુનિયન લિમીટેડનું એક ટોકન મળી આવ્યું હતું. ટોકન મારફતે સંસ્થાનો સંપર્ક કરતા મૃતકની ઓળખ થઈ શકી હતી. બીજી તરફ મૃતકની પત્ની સુમિતા રાની અને પુત્ર જોયએ મૃતકની ઓળખ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સવારે બેગુનવાડી વિસ્તારમાં નહેરની પાસે પાણીમાં એક ડ્રમ જોવા મળ્યું હતું. જેથી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ડ્રમ બહાર કાઢીને તપાસ કરતા અંદરથી લાશ મળી આવી હતી.

  • રહેમાન સરકારમાં પણ હિન્દુઓ ઉપર હુમલા યથાવત

છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ ઉપર હુમલામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. આ સિલસિલો યુનુસની વચગાળાની સરકારથી શરૂ થયો હતો. હાલની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સરકારમાં પણ હુમલા યથાવત રહ્યાં છે. 2001થી 2006 સુધીના બીપીએન અને જમાત-એ ઈસ્લામી ગઢબંધનવાળી સરકારમાં પણ બાંગ્લાદેશમાં લધુમતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વધી હતી. દરમિયાન શેખ હસીનાની પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, મંદિરોમાં હુમલા, લઘુમતીઓના ઘર ઉપર હુમલા, હિન્દુઓની જમીન ઉપર કબજો કરવો અને યૌન શોષણ તેમજ હિન્દુઓને દેશ છોડવા મજબુર કરવા જેવી ઘટના ચિંતાજનક રીતે વધી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular