ગાંધીધામ, 26 સપ્ટેમ્બર, 2026 : Foundation stone laid for Kandla’s e-methanol project કંડલામાં રૂપિયા ૨,૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કાર્યક્રમ DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીધામ ખાતે યોજાયો હતો. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ભારતના ગ્રીન એનર્જીના વિઝનને નવી દિશા આપશે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું
કંડલાના દીન દયાલ પોર્ટ ખાતે ઈ-મિથેનોલ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ તેમજ આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમા ઉપસ્થિતિ રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર સેવા સમર્પણ અને જનસેવા સાધનાના ૨૫ વર્ષ ૭મી ઓક્ટોબરે પૂર્ણ થવાના છે. વડાપ્રધાને સરકારના વડા તરીકે સતત અને સૌથી વધુ સમય સેવારત રહેવાનો અનોખો વિક્રમ સ્થાપ્યો છે. આ સફળતા લોકો સુધી પહોંચાડવા દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન યોજાઈ રહ્યું છે.
ઈ-મિથેનોલ પ્લાન્ટ વિશે જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે કચ્છની ધરતી પર દીનદયાળ પોર્ટ ખાતે દેશની ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન શિપિંગને નવી દિશા આપતા પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતની મેરિટાઈમ સ્ટ્રેન્થ અને આસામની ઈન્ડસ્ટ્રીયલ કેપિસિટીનું સંયોજન છે અને તે એક ભારત – શ્રેષ્ઠ ભારતના વડાપ્રધાનના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
દીનદયાળ પોર્ટ માત્ર ગુજરાતનું જ નહિં, પરંતુ દેશનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન મિથેનોલ અને ગ્રીન શિપિંગ જેવી નવી ઊર્જા વ્યવસ્થાઓ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. કચ્છમાં દીનદયાળ પોર્ટને નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન અંતર્ગત ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવાની દિશામાં ઝડપથી કામગીરી થઈ રહી છે. કચ્છના કંડલા ખાતે ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝના પ્રોડક્શન, સ્ટોરેજ, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. આ ઇકોસિસ્ટમમાં આસામ પેટ્રોકેમિકલના ઇ-મિથેનોલનું એક મહત્વપૂર્ણ જોડાણ થઈ રહ્યું છે.
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમાએ બંને રાજ્યોના ઔદ્યોગિક સમન્વય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ ઈ-મિથેનોલ પ્રોજેક્ટને દેશ માટે એક ખૂબ મહત્વપૂર્ણ અને મોટી ઉપલબ્ધિ છે. આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં વધુ વિસ્તરિત થશે અને દેશ વિદેશના જહાજો માટે જરૂરી ઈંધણ અને ઊર્જાને ગ્રીન મિથેનોલમાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૨૧ના ગ્લાસગો COP26 સમિટના ‘૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનો ઉલ્લેખ કરતા આસામના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં ભારતમાં અશ્મિભૂત ઈંધણનો વપરાશ ઘટાડીને ગ્રીન ઊર્જા તરફ વધવાનો નવો ઉત્સાહ શરૂ થયો છે. ગુજરાત સોલાર, ગ્રીન હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે. ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મજબૂત રીતે ઉભરી રહ્યું છે.
કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લાં ૧૨ વર્ષથી ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વિઝન હેઠળ દેશની જનતાને એકજૂટ કરીને ભારતમાતાની સેવામાં સમર્પિત ભાવથી કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ભારત દુનિયાની એક મોટી અને શક્તિશાળી અર્થવ્યવસ્થા બની છે. ઈ-મિથેનોલ પ્લાન્ટથી અસમ અને ગુજરાત વચ્ચે એક મજબૂત સંબંધ સ્થપાશે અને ભારત સરકારની સંસ્થાઓ સાથે મળીને દેશના અર્થતંત્રને નવી દિશા આપશે. કચ્છ અને ગુજરાતના દરિયાઈ વેપારના ૫૦૦૦ વર્ષ જૂના ઈતિહાસનો ઉલ્લેખ કરીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રોજેક્ટના કાર્યાન્વિત થવાથી નવી પેઢી માટે રોજગારીના દ્વાર ખુલશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને દુનિયાનો સૌથી શક્તિશાળી અને વિકસિત દેશ બનાવવાના સંકલ્પને નવું બળ મળશે.


