નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2026: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ 2027 ના વનડે વર્લ્ડ કપ અંગે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. કોહલીએ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં યોજાનારો 2027 આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વનડે વર્લ્ડ કપ હશે. તેમણે ઉમેર્યું કે ભારતને ટ્રોફી અપાવવા અને વર્લ્ડ કપ જીતવા માટે જે પણ કરવું પડે તે માટે તેઓ સંપૂર્ણ રીતે સજ્જ છે. ભારતના બે અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીથી તેમની 2027 વર્લ્ડ કપની તૈયારીઓનું મંગલાચરણ થશે.
પ્રથમ વનડે મેચ પહેલાં મીડિયા સાથેની ખાસ વાચચીતમાં કોહલીએ 50 ઓવરના વર્લ્ડ કપના પડકારો અને પોતાની પ્રેરણા વિશે વાત કરી હતી. કોહલીએ કહ્યું, “50 ઓવરના વર્લ્ડ કપનું દબાણ અને તીવ્રતા અન્ય કોઈ પણ ટુર્નામેન્ટ કરતાં વધુ હોય છે. એક મોટા ટૂર્નામેન્ટમાં 10 મેચો સુધી આટલા ઊંચા સ્તરે પ્રદર્શન જાળવી રાખવું એ બહુ મોટો પડકાર છે. વિદેશી પરિસ્થિતિઓમાં રમવું વધુ મહેનત માગી લે છે.” તેમણે આગળ ઉમેર્યું, “ભારત માટે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે, અને આ જ મારી સૌથી મોટી પ્રેરણા છે. હું મેદાન પર મારૂં સર્વસ્વ આપી દેવા માગું છું. અમારું લક્ષ્ય માત્ર વર્લ્ડ કપ જીતવાનું છે અને તેના માટે હું બધું જ કરવા તૈયાર છું.”
-
વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો અદ્ભુત રેકોર્ડ
વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાં સ્થાન ધરાવે છે. તેમણે અત્યાર સુધી વનડે વર્લ્ડ કપની 37 મેચોમાં 59.83 ની સરેરાશથી 1795 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 12 અર્ધસદી સામેલ છે. સમગ્ર વનડે કારકિર્દીમાં કોહલીએ 302 ઇનિંગ્સમાં 58.59 ની સરેરાશથી 14941 રન બનાવ્યા છે, જેમાં 54 સદી અને 79 અર્ધસદી નોંધાયેલી છે.
-
રોહિત શર્માએ પણ આપ્યું મહત્વનું નિવેદન
બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના લક્ષ્ય વિશે વાત કરતા કહ્યું કે, તેઓ વર્લ્ડ કપને કોઈ અધૂરા કામ તરીકે નથી જોતા. રોહિતે કહ્યું, “જ્યાં સુધી તમે ક્રિકેટ રમો છો, ત્યાં સુધી નવી સીમાઓ સર કરવાનો પડકાર હંમેશાં રહે છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં અલગ-અલગ ટીમો અને અલગ પરિસ્થિતિઓ સામે રમવું એક અલગ જ રોમાંચ આપે છે. અમે આ નવી સફર માટે ઉત્સાહિત છીએ.”
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીનો પ્રથમ મુકાબલો રવિવારે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. ભારત આ મેચ સાથે 2027 ના વનડે વર્લ્ડ કપ માટેની પોતાની તૈયારીઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, જ્યારે કોહલી અને રોહિત જેવા અનુભવી ખેલાડીઓ માટે આ લાંબી વર્લ્ડ કપ સફરનું પ્રથમ પગથિયું બની રહેશે.


