Homeગુજરાતીજીવનશૈલીરાત્રે સૂતી વખતે અચાનક હાથ થઈ જાય છે સુન્ન? જાણી લો તેના...

રાત્રે સૂતી વખતે અચાનક હાથ થઈ જાય છે સુન્ન? જાણી લો તેના ગંભીર કારણો અને રાહત મેળવવાની રીત

શું તમારી સાથે પણ ક્યારેક એવું બન્યું છે કે રાત્રે ગાઢ નિદ્રામાં સૂતી વખતે અચાનક હાથ સુન્ન પડી જાય અને આંગળીઓમાં તીવ્ર ઝણઝણાટી થવા લાગે? સામાન્ય રીતે લોકો હાથ હલાવીને કે સૂવાની પોઝિશન બદલીને ફરી સૂઈ જતા હોય છે. જોકે, ક્યારેક આવું થવું સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા વારંવાર સતાવતી હોય તો તેને જરાય નજરઅંદાજ ન કરવી જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ પાછળ ખોટી રીતે સૂવાની ટેવથી લઈને નસો પર દબાણ અને કેટલીક મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જવાબદાર હોઈ શકે છે.

તબીબોના જણાવ્યા અનુસાર, હાથ સુન્ન થવાનું સૌથી સામાન્ય કારણ ખોટી પોઝિશનમાં સૂવું છે. જો કોઈ વ્યક્તિ માથા નીચે હાથ રાખીને અથવા શરીરની નીચે હાથ દબાવીને સૂવે છે, તો તેનાથી નસો પર સતત દબાણ વધે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેવાથી હાથમાં સુન્નપણું કે ઝણઝણાટી અનુભવાય છે. આવી સ્થિતિમાં સૂવાની પોઝિશન બદલવાથી અને હાથને આરામ આપવાથી રાહત મળે છે.

કલાઈની નસ પર દબાણ આવવાથી ‘કાર્પલ ટનલ સિન્ડ્રોમ’ નામની સમસ્યા થાય છે. આ સમસ્યામાં ખાસ કરીને અંગૂઠો, તર્જની અને વચ્ચેની આંગળીમાં સુન્નપણું, ઝણઝણાટી અથવા દુખાવો રહે છે. ઘણીવાર રાત્રે આ પીડા વધી જવાથી ઊંઘ પણ ઉડી જાય છે. આ ઉપરાંત, કોણીને લાંબા સમય સુધી વાળીને રાખવાથી કે તેના પર વજન પડવાથી પણ નસ દબાય છે, જેના કારણે નાની આંગળી અને તેની બાજુની આંગળીમાં ઝણઝણાટી અનુભવાય છે.

શરીરમાં વિટામિન B12 ની ઉણપ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોને કારણે પણ નસોને નુકસાન પહોંચે છે. જેના પરિણામે હાથ અને પગમાં સતત સુન્નપણું, બળતરા અને ઝણઝણાટી રહે છે. જો હાથ સુન્ન થવાની સાથે લાંબા સમય સુધી ઠીક ન થાય અથવા હાથમાં અશક્તિ જણાતી હોય, તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે. ડોક્ટરોના મતે, જો અચાનક હાથ સુન્ન થવાની સાથે ચહેરા પર નબળાઈ, બોલવામાં તકલીફ કે શરીરની એક બાજુ શક્તિહિન થઈ જતી લાગે, તો આ લકવા કે સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે અને તુરંત જ ઈમરજન્સી તબીબી સહાય લેવી જોઈએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular