નવી દિલ્હી, 17 ઓક્ટોબર 2026: જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી સામે દિલ્હીની એક અદાલતે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કાર્યવાહી વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનીના કેસમાં કરવામાં આવી છે. સમન્સ નોટિસની બજવણી કરવા ગયેલા અધિકારીએ અદાલતને જણાવ્યું હતું કે ધ્રુવ રાઠીનું ઘર બંધ હતું, ત્યારબાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાહુલ જૈને આ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો. વિકાસ પાંડેનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરીને તેમની છબી ખરડાવી હતી.
અદાલતે આ કેસમાં આગળની કાર્યવાહી માટે 31 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. ૧૨ ઓક્ટોબરે કોર્ટે રાઠીને નવું સમન્સ જારી કર્યું હતું અને નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ છેલ્લા ઘણા વર્ષોથી રાઠીને સમન્સ બજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોર્ટે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને નવું સમન્સ મોકલવા સૂચના આપી હતી. વિકાસ પાંડે તરફથી હાજર રહેલા વકીલ સમક્ષ શર્માએ જણાવ્યું હતું કે રાઠી સામાન્ય રીતે ઓસ્ટ્રિયામાં રહે છે અને દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.
બીજી તરફ, યુટ્યુબર ધ્રુવ રાઠીએ લંડનમાં ‘વોટ ચોરી’ સામે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે. તેણે બ્રિટિશ રાજધાની લંડનમાં પોતાના સમર્થકોને શનિવારે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે એકઠા થવા અપીલ કરી છે. શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને રાઠીએ માહિતી આપી હતી કે તે લંડન પહોંચી ગયો છે. તેણે લખ્યું હતું કે, “જો તમે અહીં હોવ તો બપોરે 12 વાગ્યે પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શનમાં જોડાઓ, હવે ઈન્ટરનેશનલ ડંકો વગાડવાનો સમય આવી ગયો છે.”


