ભરૂચ, 20 ઓક્ટોબર 2026: ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રિએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ‘ અંતર્ગત ભરૂચ તાલુકાના હલદરવા ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગામમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી હલદવા ગામને ૨૦૨૫માં ‘સ્વચ્છતા અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ ખાસ કરીને નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે, તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. પોતાના બાળકોને શિક્ષિત બનાવવા અને તેમને પૂરેપુરો અભ્યાસ કરાવવા પર ભાર મૂક્યો હતો. બાળકને શિક્ષિત અને સંસ્કારી બનાવશો તો તે ધન એકઠું કરી લેશે પણ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. તેમણે વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા જણાવ્યું હતું.
શિક્ષણની સાથે સંસ્કારના મહત્વ વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને સંસ્કાર એ કોઈ પણ સમાજ અને પરિવારની પ્રગતિના મુખ્ય આધારસ્તંભ છે. વર્તમાન સમયમાં મોબાઈલ, ટીવી અને ખરાબ સંગત બાળકોને ગેરમાર્ગે દોરી શકે છે, મિલકત કે સંપત્તિ કમાઈ આપવા કરતાં બાળકોને ઉચ્ચ સંસ્કાર આપવા વધુ જરૂરી છે, કારણ કે સંસ્કારો વગરનું બાળક વ્યસનો અને ખરાબ સંગતમાં પડીને સમગ્ર સંપત્તિ બરબાદ કરી દે છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગામની સમરસતા અને એકતાના વાતાવરણની પ્રશંસા કરતા જણાવ્યું કે, જો પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ છે.
હલદરવા ગામ અન્ય ગામ કરતા કઈ રીતે આદર્શ ગામ બને તે અંગે જણાવ્યું કે, સફાઈ અને પર્યાવરણની રક્ષા કરવામાં ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં. પર્યાવરણની રક્ષા અને સફાઈ કરનારા હંમેશા મહાન હોય છે. વૃક્ષોનું જતન અને માવજત કરવી આપણી ફરજ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામનું અભિયાન વેગવતું બન્યું છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં વૃક્ષોનું જતન કરવા પર વિશેષ ભાર મૂકે છે, ત્યારે ગ્રામજનોએ અઠવાડિયામાં એક દિવસ થોડો સમય કાઢી પોતાની શેરી અને આખા ગામમાં સફાઈ કરવી જોઈએ તથા વૃક્ષોને પાણી પીવડાવું જોઈએ. આ અવસરે પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને આહ્વાન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવી દીધું છે. અનેક ગંભીર બીમારીઓનું કારણ ઝેરયુક્ત ઉત્પાદનો છે.
ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ‘પ્રાકૃતિક કૃષિ‘ અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી. સાથોસાથ ખેડૂતોને તેમણે ખેતી સાથે અન્ય આવક વધારવા પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું. સ્વાસ્થ્યની ગંભીરતા અંગે જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, સ્વાસ્થ્યને સારું રાખવા માટે સાત્વિક આહાર લેવો અનિવાર્ય છે. જંક ફુડને ગ્રહણ કરવું શરીર માટે હાનિકારક છે. સારું સ્વાસ્થ્ય રહશે તો ઘર- પરિવાર આગળ વધશે. તમાકુ, દારૂ કે ગુટકા જેવા વ્યસનોમાં શરીર બગાડવું જોઈએ નહીં, કારણ કે તે કેન્સર જેવી ભયંકર બીમારીઓનું મૂળ છે. આવી જીવલેણ બીમારીની સારવાર પાછળ ઘરમાં પૈસાની તંગી પડે, આર્થિક સ્થિતિ ડામાડોળ થાય છે, પરિવાર દુઃખી થાય છે, આવા વ્યસનથી દુર રહી શુદ્ધ અને સાત્વિક આહાર લેવો ફાયદાકારક છે.
તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ઝેરમુક્ત ખેતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ત્યારે તેને અપનાવવા તેમજ સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા અનુરોધ કર્યો હતો. પર્યાવરણની જાળવણી માટે રાજ્યપાલશ્રીએ જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. તેમજ આવનારો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ સુધી તેનું જતન કરો. દરેક ગ્રામજને દર વર્ષે એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવો જોઈએ.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ વહીવટી તંત્રની આ સિદ્ધિઓ અંગેની વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થળ પર જ ૮૦૦થી વધુ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ ભરૂચના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ૮,૦૦૦ વર્ષ જૂનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું ભરૂચ આજે સમગ્ર દેશનું સૌથી મોટું કેમિકલ હબ બની ચૂક્યું છે. દેશના કુલ ઉત્પાદનમાંથી ૩૦% ગ્લાસ, ૫૦%થી વધુ PVL અને ફાર્મા ક્ષેત્રના મોટા ભાગના ઇન્ટરમીડિએટ્સનું યોગદાન એકલું ભરૂચ આપે છે. ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તેમજ મહિલા સશક્તિકરણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.


