નવી દિલ્હી, 21 ઓક્ટોબર 2026: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની વાણિજ્યિક બેંક ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ના ગ્રાહકોની ખાનગી માહિતીની સુરક્ષા અંગે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ડાર્ક વેબ પર મળી આવેલા આશરે 3,75,000 રેકોર્ડ્સના પ્રાથમિક વિશ્લેષણમાં તેના 3897 ગ્રાહકોની અંગત અને સંવેદનશીલ માહિતી લીક થઈ હોવાનું માલૂમ પડ્યું છે. 16 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સીઓ તરફથી એલર્ટ મળ્યા બાદ બેંકે તાત્કાલિક ધોરણે સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્રોટોકોલ સક્રિય કરીને આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
એસબીઆઈએ શેરબજારોને આપેલી પોતાની રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે, તેને 16 ઓક્ટોબરના રોજ સંભવિત ડેટા લીક અંગે ઈમરજન્સી એલર્ટ મળ્યા હતા. આ ચેતવણીઓ બેંકના થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઈડર, સંરક્ષણ મંત્રાલયની ‘ડિફેન્સ સાયબર એજન્સી’ અને દેશની નોડલ સાયબર સેફ્ટી એજન્સી ‘સર્ટ-ઈન’ દ્વારા આપવામાં આવી હતી. આ એલર્ટના આધારે ડાર્ક વેબ પર ઉપલબ્ધ ડેટાનું ત્વરિત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 3897 ગ્રાહકોના રેકોર્ડ્સમાં વ્યક્તિગત વિગતો હોવાની પુષ્ટિ થઈ હતી.
પ્રાથમિક તપાસ મુજબ ડાર્ક વેબ પર મળેલા ડેટા સેટમાં ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મતારીખ, પૂરું નામ, લિંગ, ઈમેઈલ આઈડી અને રહેઠાણના સરનામા જેવી અંગત વિગતો લીક થઈ છે. આ ઉપરાંત બેંકિંગ અને શાખા ડેટા જેવા કે બ્રાન્ચ કોડ, કસ્ટમર ઈન્ફોર્મેશન ફાઈલ આઈડી, લીડ આઈડી તેમજ લોન/લીડ રેકોર્ડ સાથે જોડાયેલા મેટાડેટા અને અન્ય ડિજિટલ ફાઈલો પણ આ ડેટા સેટમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
-
‘SeriousIm’ હેકર ગ્રુપનો દાવો અને સોશિયલ મીડિયા પર ખુલાસો
આ સમગ્ર મામલો ‘સીરિયસઈમ’ નામના અજ્ઞાત હેકર ગ્રુપના દાવા બાદ પ્રકાશમાં આવ્યો હતો. આ ગ્રુપે એસબીઆઈ સાથે જોડાયેલા ગોપનીય ડેટા, લોન અરજીઓ અને ખાતું ખોલાવવા માટેના દસ્તાવેજો ચોરી લીધા હોવાનો દાવો કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સાયબર સુરક્ષા વોચડોગ એકાઉન્ટ ‘સાયબરપલ્સ56’ એ 16 ઓક્ટોબરે સૌપ્રથમ આ દાવો જાહેર કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, હેકર ગ્રુપ પાસે સીએસવી ફોર્મેટમાં આશરે 3.8 લાખ ડેટા એન્ટ્રીઓ અને 2722 પીડીએફ દસ્તાવેજો હોવાનું અનુમાન છે.
ડેટા લીકની જાણ થતાં જ એસબીઆઈએ પ્રોટોકોલ મુજબ કડક પગલાં ભર્યા છે. બેંકે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને ગ્રાહકોના જોખમનું આંકલન કરવા માટે સીઈઆરટી-ઈન દ્વારા માન્યતા પ્રાપ્ત એક સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની નીમણૂક કરી છે. બેંકે પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાની બેંકની મુખ્ય બેંકિંગ કામગીરી, નાણાકીય કામગીરી કે બિઝનેસ કન્ટીન્યુટી પર કોઈ પ્રતિકૂળ અસર પડી નથી. એસબીઆઈની કોર બેંકિંગ સિસ્ટમ અને રોજિંદી સેવાઓ પૂર્ણપણે સુરક્ષિત અને સામાન્ય રીતે કાર્યરત છે.
આ ઘટના ભારતીય નાણાકીય ક્ષેત્ર સામે રહેલા સાયબર સુરક્ષાના જોખમોની ગંભીરતા દર્શાવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકો માટે સાયબર સુરક્ષાના નિયમો વધુ કડક બનાવ્યા છે. એસબીઆઈએ ગ્રાહકોને આશ્વાસન આપ્યું છે કે તે સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સ્વતંત્ર તપાસ એજન્સીના રિપોર્ટના આધારે જરૂરી સુધારાત્મક અને નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.


