Homeગુજરાતીદેશ-વિદેશભારતની વિઝા વ્યવસ્થામાં ફેરફાર: 13ને બદલે હવે માત્ર 9 મુખ્ય શ્રેણીઓ

ભારતની વિઝા વ્યવસ્થામાં ફેરફાર: 13ને બદલે હવે માત્ર 9 મુખ્ય શ્રેણીઓ

નવી દિલ્હી, 12 નવેમ્બર 2026: ભારતમાં આવતા વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકારે વિઝા વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિઝાની મુખ્ય શ્રેણીઓની સંખ્યા 13થી ઘટાડીને 9 કરી છે, જ્યારે પેટા શ્રેણીઓ 49થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ વિદેશી નાગરિકો માટે તેમની મુલાકાતના હેતુ પ્રમાણે યોગ્ય વિઝા પસંદ કરવાનું સરળ બનાવવાની સાથે અરજી અને મંજૂરીની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓક્ટોબર 2025માં પણ વિઝા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે મુખ્ય શ્રેણીઓ 22થી ઘટાડીને 13 અને પેટા શ્રેણીઓ 63થી ઘટાડીને 49 કરવામાં આવી હતી. હવે ફરી એક વખત કરવામાં આવેલા સરળીકરણથી ભારત આવવા ઇચ્છતા પ્રવાસીઓ, તબીબી સારવાર માટે આવતા દર્દીઓ, વિદેશી વિદ્યાર્થીઓ, સંશોધકો અને વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાભ થવાની અપેક્ષા છે.

ગૃહ મંત્રાલયે આ સુધારા તૈયાર કરતી વખતે વિકસિત દેશોની વિઝા વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય માપદંડોનો પણ અભ્યાસ કર્યો છે. સરકારનો પ્રયાસ એકસરખા હેતુ ધરાવતી મુલાકાતોને એક જ શ્રેણીમાં સમાવીને વિઝા પ્રક્રિયામાં રહેલી ગૂંચવણો દૂર કરવાનો છે.

ટૂંકા અને લાંબા પ્રવાસ માટે હવે વિઝિટર વિઝા

અગાઉ ટૂરિસ્ટ વિઝા તરીકે ઓળખાતી શ્રેણીને હવે વિઝિટર વિઝા નામ આપવામાં આવ્યું છે. આ ફેરફાર પાછળનો હેતુ માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ અન્ય ટૂંકા ગાળાની માન્ય પ્રવૃત્તિઓને પણ આ શ્રેણીમાં આવરી લેવાનો છે. વિઝિટર વિઝાને V-1 અને V-2 એમ બે પેટા શ્રેણીમાં વહેંચવામાં આવ્યો છે.

V-1 વિઝા: ટૂંકા ગાળાની મુલાકાત માટે આપવામાં આવતો આ વિઝા 30 દિવસની માન્યતા સાથે મલ્ટિપલ એન્ટ્રીની સુવિધા આપશે. તેમાં પ્રવાસન ઉપરાંત વ્યાપારી બેઠકો, તબીબી સલાહ, વેલનેસ રિટ્રીટ, ટૂંકા ગાળાની સારવાર તેમજ ભારતીય ભાષા, સંગીત, કલા અને હસ્તકલાના ટૂંકા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

V-2 વિઝા: લાંબા ગાળાની મુલાકાત માટે આ વિઝા એક, પાંચ અથવા દસ વર્ષની માન્યતા સાથે મળી શકશે. તેમાં V-1 હેઠળ આવતી પ્રવૃત્તિઓ ઉપરાંત પર્વતારોહણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પર્વતારોહણ માટે છ મહિનાનો મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

આ ફેરફારથી એવા વિદેશી નાગરિકોને સરળતા રહેશે, જેઓ ભારતની મુલાકાત દરમિયાન પ્રવાસન સાથે વ્યાપારી બેઠકો, સારવાર કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માગતા હોય.

મેડિકલ વિઝામાં મલ્ટિપલ એન્ટ્રીની સુવિધા

ભારતમાં સારવાર માટે આવતા વિદેશી નાગરિકો માટે મેડિકલ વિઝાની વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થામાં પરંપરાગત તબીબી સારવાર અને આયુષ પદ્ધતિ હેઠળની સારવાર માટે અલગ પેટા શ્રેણી રાખવામાં આવી છે.

M-1 વિઝા હેઠળ આયુષ સિવાયની અન્ય તબીબી સારવારનો સમાવેશ થાય છે, જ્યારે M-3 વિઝા આયુષ પદ્ધતિથી સારવાર કરાવવા આવતા વિદેશી નાગરિકો માટે રહેશે.

આ બંને પ્રકારના વિઝા ઇ-વિઝા સહિત સામાન્ય રીતે એક વર્ષની માન્યતા અને મલ્ટિપલ એન્ટ્રી સાથે આપવામાં આવી શકશે. દર્દીઓની સાથે આવતાં સહાયકો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. M-1 વિઝા ધરાવતા દર્દીના સહાયકને M-2 અને M-3 વિઝા ધરાવતા દર્દીના સહાયકને M-4 વિઝા આપવામાં આવશે.

આ વ્યવસ્થાથી સારવાર માટે વારંવાર ભારત આવવાની જરૂરિયાત ધરાવતા દર્દીઓને દરેક વખતે નવી વિઝા અરજી કરવાની મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. ખાસ કરીને લાંબી સારવાર, ફોલોઅપ અને તબક્કાવાર તબીબી પ્રક્રિયાઓ માટે આ સુવિધા ઉપયોગી સાબિત થશે. સરકારની આ પહેલથી ભારતમાં મેડિકલ વેલ્યુ ટૂરિઝમને પણ વેગ મળવાની સંભાવના છે.

વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાની બે શ્રેણી

ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ વિઝાને પણ બે મુખ્ય પેટા શ્રેણીમાં વહેંચવામાં આવ્યો છે. S-1 વિઝામાં શાળાકીય શિક્ષણ, સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસનો સમાવેશ થશે. જ્યારે S-2 વિઝા હેઠળ પીએચડી અને સંશોધન માટે આવતા વિદ્યાર્થીઓ, વિઝિટિંગ ફેકલ્ટી, વિદેશી સંશોધકો, વૈજ્ઞાનિકો, માનવશાસ્ત્રીય અભિયાનો, ઇન્ટર્નશિપ, એક્સચેન્જ કાર્યક્રમો સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવશે.

‘સ્ટડી ઇન ઇન્ડિયા’ પોર્ટલ મારફતે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓને ઇ-S1 વિઝા પાંચ વર્ષ સુધી અથવા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, બેમાંથી જે સમયગાળો ઓછો હોય તે મુજબ, મલ્ટિપલ એન્ટ્રી સાથે મળી શકશે. આ ફેરફારથી વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન વારંવાર વિઝા સંબંધિત પ્રક્રિયાઓમાંથી પસાર થવાની જરૂરિયાત ઘટશે અને તેઓ લાંબા ગાળાનું શૈક્ષણિક આયોજન વધુ સરળતાથી કરી શકશે.

બિઝનેસ વિઝામાં રોકાણ અને ઉદ્યોગો માટે નવી જોગવાઈ

વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ભારત સાથે જોડાવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે બિઝનેસ વિઝાને B-1 અને B-2 એમ બે શ્રેણીમાં ગોઠવવામાં આવ્યો છે. B-1 વિઝા હેઠળ ભારતમાં લાંબા ગાળાની વ્યાપારી પ્રવૃત્તિઓ, ઔદ્યોગિક એકમો અથવા વ્યવસાયિક સાહસ સ્થાપવા ઇચ્છતા વિદેશી નાગરિકોનો સમાવેશ થશે. બીજી તરફ B-2 વિઝા ટૂંકા ગાળાની અને કરાર આધારિત વ્યાપારી પ્રવૃત્તિઓ માટે રહેશે. તેમાં ઉત્પાદન ક્ષેત્રે રોકાણ સંબંધિત કામગીરી, બિઝનેસ કોન્ફરન્સ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરફોર્મિંગ આર્ટ્સ અને ફિલ્મ નિર્માણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ભારતીય કંપનીઓને વિદેશી ટેકનિકલ નિષ્ણાતો અને એન્જિનિયરોની સેવાઓ મેળવવામાં પણ સરળતા રહે તે માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. મશીનરીનું ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ, ગુણવત્તા ચકાસણી, જાળવણી, ઉત્પાદન પ્રક્રિયા, આઇટી અને ઇઆરપી સિસ્ટમ, કર્મચારીઓને તાલીમ, સપ્લાય ચેઇન વિકાસ તથા પ્લાન્ટ ડિઝાઇન જેવી કામગીરી માટે આવતા નિષ્ણાતોને B-2 શ્રેણી હેઠળ પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા મળી શકશે.

અગાઉ આ પ્રકારની સુવિધા e-B4 વિઝા નામ હેઠળ આપવામાં આવતી હતી. હવે તેને નવી વ્યવસ્થામાં B-2 હેઠળ આવરી લેવામાં આવી છે. આ પગલાથી ભારતમાં ઉદ્યોગો સ્થાપવા અને ઉત્પાદન પ્રક્રિયામાં વિદેશી ટેકનોલોજી તથા નિષ્ણાતોની મદદ મેળવવાનું વધુ સરળ બની શકે છે.

વિઝા અરજી ફોર્મમાં 65થી 70 ટકા સુધી ઘટાડો

વિઝાની શ્રેણીઓમાં ફેરફાર કરવાની સાથે ગૃહ મંત્રાલયે અરજી ફોર્મને પણ વધુ સરળ બનાવ્યું છે. તમામ 23 વિઝા શ્રેણીઓ અને પેટા શ્રેણીઓ માટે જરૂરી માહિતીના કોલમ અને વિગતોમાં આશરે 65થી 70 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ અરજી દરમિયાન ભરવી પડતી અનેક વિગતો ઘટાડીને હવે માત્ર જરૂરી માહિતી પર ભાર મૂકવામાં આવશે. જોકે, વિઝાની ચકાસણી અને મંજૂરી માટે આવશ્યક વિગતો યથાવત્ રાખવામાં આવશે.

આનાથી વિદેશી અરજદારોનો સમય અને મહેનત બચશે. સાથે જ સરકારી તંત્રને અરજીઓની વધુ અસરકારક ચકાસણી અને ઝડપી પ્રક્રિયા કરવામાં મદદ મળશે. ગૃહ મંત્રાલય દ્વારા નવી વિઝા વ્યવસ્થાના અમલીકરણ માટે આઇટી સિસ્ટમને અપગ્રેડ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના અંત સુધીમાં સુધારેલી વ્યવસ્થા મુજબ વિઝા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

હવે વિઝાની મુખ્ય 9 શ્રેણીઓ આ મુજબ રહેશે

નવી વ્યવસ્થા હેઠળ ભારતની વિઝા પ્રણાલીમાં નીચેની નવ મુખ્ય શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

1\. બિઝનેસ વિઝા: ભારતમાં વ્યવસાય સ્થાપવા, રોકાણ, વ્યાપારી બેઠકો, કોન્ફરન્સ, રમતગમત અને ફિલ્મ નિર્માણ જેવી પ્રવૃત્તિઓ માટે.

2\. ડિપ્લોમેટિક વિઝા: ભારતમાં નિયુક્ત વિદેશી રાજદ્વારીઓ, સંયુક્ત રાષ્ટ્રના રાજદ્વારીઓ અને તેમના આશ્રિતો માટે.

3\. વર્ક વિઝા: ભારતીય કંપનીઓ, સંસ્થાઓ અને એનજીઓમાં લાંબા ગાળાની નોકરી તથા નિર્ધારિત મિશનરી પ્રવૃત્તિઓ માટે.

4\. જર્નાલિસ્ટ વિઝા: ભારતમાં પત્રકારત્વની કામગીરી કરતા માન્યતા પ્રાપ્ત વિદેશી પત્રકારો માટે.

5\. મેડિકલ વિઝા: ભારતની હોસ્પિટલોમાં તબીબી સારવાર તથા આયુષ પદ્ધતિ હેઠળ સારવાર કરાવવા આવતા દર્દીઓ અને તેમના સહાયકો માટે.

6\. ઓફિશિયલ વિઝા: ભારતની મુલાકાતે આવતા અથવા ભારતમાં નિયુક્ત બિન-રાજદ્વારી સરકારી અધિકારીઓ અને તેમના આશ્રિતો માટે.

7\. સ્ટુડન્ટ વિઝા: શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ, યોગ, વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંગીત-નૃત્ય, બૌદ્ધ અભ્યાસ, ભારતીય ભાષાઓ, સંશોધન, ઇન્ટર્નશિપ અને એક્સચેન્જ કાર્યક્રમો માટે.

8\. વિઝિટર વિઝા: પ્રવાસન, ટૂંકા ગાળાની વ્યાપારી બેઠકો, તબીબી સલાહ, વેલનેસ રિટ્રીટ, ટ્રાન્ઝિટ અને પર્વતારોહણ માટે.

9\. મિસેલેનિયસ વિઝા: ભારતીય મૂળના નાગરિકો, તેમના જીવનસાથી અને બાળકો, ચોક્કસ સંસ્થાઓમાં જોડાવા આવતા વિદેશીઓ, વિવિધ કેટેગરીના વિઝાધારકોના આશ્રિતો તથા અન્ય વિશેષ હેતુઓ માટે.

172 દેશોના નાગરિકો માટે ઇ-વિઝાની સુવિધા

હાલમાં ભારતે 172 દેશોના નાગરિકો માટે ઇ-વિઝાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ઇ-વિઝા મેળવવાની પ્રક્રિયા 13 પેટા શ્રેણીઓ હેઠળ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન મારફતે હાથ ધરવામાં આવે છે.

નવી વ્યવસ્થાનો અમલ થતાં વિઝાની વિવિધ શ્રેણીઓ વચ્ચેનો ગૂંચવાડો ઘટશે અને વિદેશી નાગરિકો માટે ભારતની મુલાકાત, સારવાર, શિક્ષણ, સંશોધન તથા વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવું વધુ સરળ બનશે. જોકે, વિઝા મેળવવા માટે સંબંધિત શ્રેણીની પાત્રતા અને સરકાર દ્વારા નક્કી કરાયેલી શરતોનું પાલન કરવું આવશ્યક રહેશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img