નવી દિલ્હી : ભારત હવે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર અને સંરક્ષણ ક્ષેત્રની સાથે ઊર્જા ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત અને સિંગાપોર વચ્ચે 2,000 મેગાવોટ ક્ષમતાના ક્રોસ બોર્ડર વીજળી કનેક્શનની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ માટે મણિપુરના ઇમ્ફાલથી સિંગાપોર સુધી આશરે 3,000 કિલોમીટર લાંબો વીજળી ટ્રાન્સમિશન કોરિડોર બનાવવાનો વિકલ્પ વિચારણા હેઠળ છે. આ વીજળી લાઇન મ્યાનમાર, થાઇલેન્ડ અને મલેશિયા થઈને સિંગાપોર સુધી પહોંચી શકે છે.
ગત ઓક્ટોબરમાં ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલી 20મી ઈસ્ટ એશિયા સમિટની ઊર્જા મંત્રીઓની બેઠકમાં ભારતે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કેન્દ્રીય વીજળી અને નવીનીકરણીય ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાદ યેસ્સો નાઈકે પ્રાદેશિક ઊર્જા સહયોગને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ASEAN પાવર ગ્રીડ પ્રોજેક્ટ સાથે જોડાશે ભારત
આ સમગ્ર યોજના ASEAN પાવર ગ્રીડ (APG) પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ હિસ્સો બની શકે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના વીજળી નેટવર્કને એકબીજા સાથે જોડવાનો અને સરહદ પાર વીજળીના વેપારને પ્રોત્સાહન આપવાનો છે. ASEANનું લક્ષ્ય વર્ષ 2045 સુધીમાં સમગ્ર ક્ષેત્રમાં એક સંકલિત પ્રાદેશિક પાવર ગ્રીડ તૈયાર કરવાનું છે.
ભારત પાસે વિશાળ વીજળી ટ્રાન્સમિશન નેટવર્ક વિકસાવવા અને અલગ-અલગ વીજળી ગ્રીડને જોડવાનો બહોળો અનુભવ છે. ભારત આ અનુભવ ASEAN દેશો સાથે વહેંચવા પણ તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025માં યોજાયેલી 22મી ASEAN-India સમિટ દરમિયાન પાવર ગ્રીડ કનેક્ટિવિટી માટે 400 વ્યાવસાયિકોને તાલીમ આપવામાં સહયોગ આપવાની જાહેરાત કરી હતી.
પ્રોજેક્ટ પાછળ 764 અબજ ડોલરના રોકાણની જરૂર
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે સૌથી મોટો પડકાર રોકાણનો છે. ASEAN અને એશિયન ડેવલપમેન્ટ બેંકના અંદાજ પ્રમાણે ASEAN પાવર ગ્રીડ વિકસાવવા માટે વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન માળખામાં આશરે 764 અબજ ડોલરના રોકાણની જરૂર પડશે. આ માટે ASEAN દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેંક અને વિશ્વ બેંક સાથે મળીને ઓક્ટોબર 2025માં ASEAN Power Grid Financing Initiative શરૂ કરવામાં આવી હતી.
ભારત માટે પણ મોટી તક
આ પ્રોજેક્ટ સાકાર થાય તો ભારત માટે દક્ષિણ-પૂર્વ એશિયાના ઊર્જા બજારમાં પોતાની હાજરી મજબૂત કરવાની મોટી તક ઊભી થશે. સાથે જ સ્વચ્છ ઊર્જાના ઉપયોગ, વીજળીના આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રાદેશિક ઊર્જા સુરક્ષાને પણ વેગ મળી શકે છે.
જોકે, 3,000 કિલોમીટર લાંબા આ કોરિડોરને વાસ્તવિક સ્વરૂપ આપવું સરળ નહીં હોય. મ્યાનમાર, થાઇલેન્ડ અને મલેશિયા સહિતના દેશો વચ્ચે સહમતી, ટ્રાન્સમિશન માળખું, ટેકનિકલ ધોરણો અને વીજળીના વેપારના નિયમો અંગે સંકલન જરૂરી બનશે. આમ છતાં આ યોજના સફળ થાય તો ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચે ઊર્જા સહયોગનું નવું પ્રકરણ શરૂ થઈ શકે છે.








