Homeગુજરાતીદેશ-વિદેશICCએ 2035 સુધીનું મેગા કેલેન્ડર જાહેર કર્યું; ભારતને બે મોટી ટુર્નામેન્ટની યજમાની

ICCએ 2035 સુધીનું મેગા કેલેન્ડર જાહેર કર્યું; ભારતને બે મોટી ટુર્નામેન્ટની યજમાની

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વિશ્વ ક્રિકેટના આગામી આઠ વર્ષના રોડમેપ પર મહોર મારી દેવામાં આવી છે. રવિવારે ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાયેલી ICC બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં 2035 સુધીના વૈશ્વિક ક્રિકેટ કેલેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. આ નવા કાર્યક્રમ મુજબ ભારતીય ક્રિકેટ ચાહકોને ઘરઆંગણે ફરી એકવાર વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટનો રોમાંચ માણવા મળશે, કારણ કે ભારતને 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031ના વનડે વર્લ્ડ કપની યજમાની સોંપવામાં આવી છે.

ICC દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 2029ની મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી સંપૂર્ણપણે ભારતમાં 9 થી 28 ઓક્ટોબર દરમિયાન રમાશે. ત્યારબાદ, 2031માં 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી રમાનારા મેન્સ વનડે વર્લ્ડ કપની યજમાની ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે કરશે. 2028 થી 2035 સુધીના આ સમગ્ર કેલેન્ડરમાં કુલ ચાર મેન્સ T20 વર્લ્ડ કપ, બે વનડે વર્લ્ડ કપ, ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ અને બે ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય મોટી ટુર્નામેન્ટની વાત કરીએ તો, 2029 અને 2031ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અનુક્રમે 8 થી 12 જૂન અને 12 થી 16 જૂન દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે. જ્યારે 2030નો મેન્સ T20 વર્લ્ડ કપ 4 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આ ઉપરાંત 2032 (14 ઓક્ટોબર થી 14 નવેમ્બર) અને 2034 (6 જુલાઈ થી 6 ઓગસ્ટ)ના T20 વર્લ્ડ કપ, 2033ની ચેમ્પિયન્સ ટ્રોફી (2 થી 23 ઓક્ટોબર), 2033 અને 2035ની WTC ફાઇનલ તેમજ 2035ના વનડે વર્લ્ડ કપ (2 ઓક્ટોબર થી 18 નવેમ્બર)ની તારીખો જાહેર કરી દેવાઈ છે, જોકે આ ટુર્નામેન્ટના યજમાન દેશોના નામ હજુ જાહેર કરવાના બાકી છે.

લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 (LA28)માં ક્રિકેટના ઐતિહાસિક પુનરાગમનને લઈને ICCએ અંતિમ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટની તારીખો અને યજમાન પણ નક્કી કરી લીધા છે. મેન્સ ઓલિમ્પિક ક્વોલિફાયર 5 થી 13 ફેબ્રુઆરી, 2028 દરમિયાન અમેરિકામાં યોજાશે, જ્યારે વિમેન્સ ઓલિમ્પિક ક્વોલિફાયર 26 ફેબ્રુઆરી થી 5 માર્ચ, 2028 દરમિયાન બાંગ્લાદેશમાં રમાશે. બંને ટુર્નામેન્ટમાં આઠ-આઠ ટીમો ભાગ લેશે અને ફાઇનલ જીતનારી ટીમ ઓલિમ્પિકની અંતિમ ટિકિટ મેળવશે.

ICC બોર્ડે આગામી વર્લ્ડ કપ માટેના ક્વોલિફિકેશન નિયમોમાં પણ મહત્વના ફેરફાર કર્યા છે. 2027ના વનડે વર્લ્ડ કપ માટે ફેબ્રુઆરી-માર્ચ 2027માં 10 ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે, જેમાંથી ટોચની ચાર ટીમો આગળ વધશે. વિજેતા ટીમ સીધી ગ્રુપ સ્ટેજમાં જશે, જ્યારે બાકીની ત્રણ ટીમો વચ્ચે ‘સુપર સિરીઝ’ દ્વારા અંતિમ સ્થાન નક્કી થશે. તેવી જ રીતે, 2028ના મેન્સ T20 વર્લ્ડ કપ માટે 16 ટીમોના ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આઠ ટીમો સીધી ક્વોલિફાય થશે, જેમાં દરેક ક્ષેત્રની ટોચની ટીમને પ્રતિનિધિત્વ મળે તેવી ખાસ વ્યવસ્થા કરાઈ છે.

બીજી તરફ, 2028ના વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે યજમાન પાકિસ્તાન ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને આયર્લેન્ડ સહિત કુલ 10 ટીમો સીધી ક્વોલિફાય થઈ ચૂકી છે, જ્યારે બાકીના બે સ્થાન માટે 10 ટીમો વચ્ચે ગ્લોબલ ક્વોલિફાયર રમાશે. આ નિર્ણયો અંગે ICCના CEO સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, લાંબા ગાળાના કેલેન્ડરની સ્પષ્ટતાથી ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડને વધુ સારું આયોજન કરવાની તક મળશે, જેનાથી વૈશ્વિક ક્રિકેટનું માળખું વધુ મજબૂત બનશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img