Homeગુજરાતીટેકનોલોજીભવિષ્યના યુદ્ધો માટે ભારતની સ્વદેશી અંતરિક્ષ ક્ષમતા મજબૂત કરવી અનિવાર્ય: CDS

ભવિષ્યના યુદ્ધો માટે ભારતની સ્વદેશી અંતરિક્ષ ક્ષમતા મજબૂત કરવી અનિવાર્ય: CDS

નવી દિલ્હી, 16 નવેમ્બર 2026: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને ભારતની સ્વદેશી અવકાશ (સ્પેસ) ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાની તાકીદ કરી છે. યુક્રેન યુદ્ધનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે બાહ્ય સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ્સ પરની અત્યધિક નિર્ભરતા લશ્કરી ઓપરેશન્સને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે. નોંધનીય છે કે યુક્રેનમાં સ્ટારલિંક સેવાઓ અસ્થાયી રૂપે ખોરવાઈ જતાં લાંબા અંતરની ડ્રોન હુમલાની ક્ષમતા પર માઠી અસર પડી હતી.

દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કરતા જનરલ રાજા સુબ્રમણિએ કહ્યું કે આધુનિક યુદ્ધમાં અંતરિક્ષની ભૂમિકા સતત વધી રહી છે અને ભારતે ઉપગ્રહો દ્વારા ગુપ્ત માહિતી એકત્રિત કરવા, દેખરેખ, સંચાર તથા સચોટ નેવિગેશન માટે પોતાની ક્ષમતાઓમાં વધારો કરવો જ પડશે. તેમણે ઉમેર્યું કે ભારતે ‘સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ-3’ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ સંપૂર્ણપણે અમલમાં આવ્યા બાદ દેશની અવકાશ-આધારિત નિરીક્ષણ ક્ષમતામાં મોટો વધારો થશે. જોકે, ગુપ્ત માહિતી, સંચાર અને નેવિગેશન માટે એક ભરોસાપાત્ર વ્યવસ્થા ઊભી કરવા માટે આ ક્ષમતાનો હજુ વધુ વિસ્તાર કરવો જરૂરી છે.

સીડીએસએ ચેતવણી આપતા કહ્યું કે ભવિષ્યમાં અંતરિક્ષ પણ સંઘર્ષનું એક મોટું ક્ષેત્ર બનશે અને વિરોધી દેશો ભારતને અવકાશ-આધારિત સુવિધાઓનો ઉપયોગ કરતા અટકાવવાના પ્રયાસો કરી શકે છે. યુક્રેન યુદ્ધનો સંદર્ભ આપીને તેમણે સમજાવ્યું કે જ્યારે ત્યાં સ્ટારલિંક સેવાઓ રોકવામાં આવી અથવા તેની ક્ષમતા ઘટી, ત્યારે યુક્રેનના લોંગ-રેન્જ ડ્રોન પ્રભાવહીન થઈ ગયા હતા. આ જ કારણ છે કે ભારતે પોતાની અવકાશ ક્ષમતાઓ બાબતે સંપૂર્ણ આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે. આ દિશામાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) ની સાથે-સાથે ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પણ મજબૂત અને વિશ્વસનીય ક્ષમતાઓ વિકસાવવી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

  • એઆઈ અને ડ્રોન બદલી રહ્યા છે યુદ્ધનું સ્વરૂપ

જનરલ સુબ્રમણિએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા), ઉપગ્રહોથી મળતી ગુપ્ત માહિતી અને મોટા પાયે તૈયાર થતા ડ્રોન આધુનિક યુદ્ધના સ્વરૂપને ઝડપથી બદલી રહ્યા છે. હવે કોઈપણ દેશનો સમગ્ર ભૌગોલિક વિસ્તાર યુદ્ધનું મેદાન બની શકે છે અને તેમાં કોઈ સુરક્ષિત નથી. ભવિષ્યના સંઘર્ષોમાં માત્ર લશ્કરી મથકો જ નહીં, પરંતુ ઉદ્યોગો, કોમ્યુનિકેશન નેટવર્ક, ઊર્જા કેન્દ્રો અને સામાન્ય નાગરિકો પણ નિશાન બની શકે છે.

જનરલ રાજા સુબ્રમણિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન માર્કેટમાં ‘સ્ટારલિંક’ની સંભવિત એન્ટ્રીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે ભારતમાં કંપનીના વ્યાપારી સંચાલનમાં આવતી અડચણો અંગે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ, સરકારનું સ્પષ્ટ વલણ છે કે સેટેલાઈટ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં તમામ કંપનીઓનું સ્વાગત છે અને ગ્રાહકો કિંમત, ગુણવત્તા તથા સેવાઓના આધારે પોતાના સેવા પ્રદાતાની પસંદગી કરી શકશે. જિયો, વનવેબ અને સ્ટારલિંક જેવી કંપનીઓને ભારતમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવા માટે લાઈસન્સ મળી ચૂક્યા છે, જોકે વ્યાપારી સેવાઓ શરૂ કરતા પહેલા કંપનીઓએ સુરક્ષા સંબંધિત તમામ નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે.

  • ભવિષ્યના યુદ્ધો માટે પાંચ મુખ્ય ક્ષેત્રો પર ભાર

સીડીએસએ ભારતની રક્ષા તૈયારીઓ અને આત્મનિર્ભરતા માટે પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રો દર્શાવ્યા છે. જેમાં અવકાશ ક્ષમતા, અલ્ગોરિધમ અને ડેટા આધારિત યુદ્ધકળા, દેશમાં જ સંરક્ષણ ઉત્પાદન, જૂના લશ્કરી ઉપકરણોનું આધુનિકીકરણ અને કુશળ માનવ સંસાધનનો વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં એઆઈની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહેશે, જેના માટે ડેટા, કમ્પ્યુટિંગ પાવર, ઊર્જા અને પ્રશિક્ષિત લોકોની ઉપલબ્ધતા અનિવાર્ય છે.

દેશની આત્મનિર્ભરતા વિશે વાત કરતા જનરલ સુબ્રમણિએ જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા એટલે માત્ર તૈયાર રક્ષા પ્રણાલીઓનું નિર્માણ કે એસેમ્બલિંગ કરવું નહીં, પરંતુ ભારતે મહત્વપૂર્ણ ઉપકરણો અને તેના સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન પણ દેશની અંદર જ કરવું પડશે. સંરક્ષણ ક્ષેત્રમાં સફળતાનો ઉલ્લેખ કરતા તેમણે ‘ઓપરેશન સિંદૂર’ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરે સાબિત કરી દીધું કે આપણે ભારતીય હથિયારોથી જ ભારતની લડાઈ લડી શકીએ છીએ. ‘આકાશ’ જેવી આપણી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ્સે પાકિસ્તાનના હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મેળવી હતી. અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આત્મનિર્ભરતાનો અર્થ અલગ-થલગ રહેવાનો નથી, પરંતુ પોતાની સપ્લાય ચેઈન અને વ્યૂહાત્મક નિર્ણયો પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખવાનો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img