HomerevoinewsPDEUમાં શા માટે ગુજરાતી પ્રાધ્યાપકોને સ્થાન આપવામાં નથી આવતું?

PDEUમાં શા માટે ગુજરાતી પ્રાધ્યાપકોને સ્થાન આપવામાં નથી આવતું?

  • ડૉ. સોલોમને વેબસાઈટના વીડિયોમાંથી ઋગ્વેદની સ્તૂતિ હટાવી?
  • NCC કોલોનેલના ગણવેશમાં સલામી, કયા અધિકારથી?
  • ડીજી સોલોમન સુંદર મનોહરનનો ભૂતકાળ શું છે?

 રિવોઈ એક્સક્લુઝિવઃ વીરસિંહ ભાટી, 17 નવેમ્બર, 2026 – પીડીઈયુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને બદલે મિશનરી પ્રવૃત્તિઓનો અડ્ડો બની રહી હોવાના અમારા ગઈકાલના એક્સક્લુઝિવ અહેવાલના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

———————————

દરમિયાન, પીડીઈયુ દ્વારા અમારા ગઈકાલના (16 નવેમ્બરના) અહેવાલ સામે રદિયો આપવામાં આવ્યો છે. એક તટસ્થ મીડિયા હાઉસ તરીકે રિવોઈ પીડીઈયુના એ રદિયાનું સન્માન કરે છે અને તેની સાદર નોંધ લે છે.

જોકે, પીડીઈયુ દ્વારા મોકલવામાં આવેલા આ રદિયામાં રિવોઈના અહેવાલમાં પ્રકાશિત વિગતો વિશે કોઈ ખુલાસો નથી. તેના બદલે યુનિવર્સિટીએ રિવોઈ પાસે ખુલાસા માગ્યા છે, જે મુક્ત પત્રકારત્વના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ટ્રિમ મીડિયા છેલ્લા સાત વર્ષથી એક પ્રતિષ્ઠિત ડિજિટલ મીડિયા છે અને કોઈ સમાચાર આધાર-પુરાવા વિના પ્રકાશિત કરવામાં આવતા નથી. પણ એ પુરાવા અને વિગતો અને તેના સોર્સ જાહેર નહીં કરવા એ મીડિયાનો વિશેષાધિકાર છે.

પીડીઈયુના પત્રના આધારે આટલી વાત પછી હવે વાંચો આગળ…

——————————–

રિવોઈને મળેલી આધારભૂત માહિતી અનુસાર યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચેરમેનને અન્ય જવાબદારી સોંપાતા તેઓ ચેરમેનપદેથી ખસ્યા ત્યારથી ડિરેક્ટર જનરલ ડૉ. સોલોમનને છૂટો દોર મળી ગયો છે.

હાલના ચેરપર્સન ગમે તે કારણસર સીધું અને નિયમિત ધ્યાન આપી શકતા નહીં હોવાથી ડૉ. સોલોમનને મોકળું મેદાન મળી ગયું છે. સ્થિતિ એ હદે પહોંચી ગઈ છે કે, ડીજી સોલોમને તો એવો નિયમ જ બનાવી દીધો છે કે કોઈપણ વ્યક્તિ પીડીઈયુ યુનવર્સિટીના ચેરપર્સન સહિત કોઈપણ ઉપરી અધિકારીને પણ સીધા મળી ન શકે. કહેવાય છે કે, ચેરપર્સન અને ડીજી સોલોમનના પીએ એક જ વ્યક્તિ છે, પરિણામે કોઈપણ અન્ય વ્યક્તિ ચેરપર્સનને મળવા માગે તો તેની માહિતી સોલોમનને આપોઆપ મળી જાય છે.

ડૉ. સોલોમને વેબસાઈટના વીડિયોમાંથી ઋગ્વેદની સ્તૂતિ હટાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જ આવી ઊર્જા યુનિવર્સિટીની સંકલ્પના કરી હતી જેને રિલાયન્સ ઉદ્યોગ સમૂહના દિગ્ગજ શ્રી મુકેશ અંબાણીએ સાકાર કરી. ત્યારબાદ તૈયાર થયેલી યુનિવર્સિટીની વેબસાઈટમાં એનર્જી અર્થાત ઊર્જાના ગુણગાન ગાતી ઋગવેદની સ્તૂતિ પણ પીડીઈયુના ખ્રિસ્તી ડીજી સોલોમને હટાવી દેવડાવી છે. આ સ્તુતિ શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે PDPUની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા જ પસંદ કરવામાં આવી હતી. પીએમ મોદીના સ્વપ્નને પણ આ રીતે ઠેસ મારનાર સોલોમન કોણ છે, ચાલો જાણીએ.

NCC કોલોનેલના ગણવેશમાં સલામી, કયા અધિકારથી?

મળતી માહિતી અનુસાર ડૉ. સોલોમને 2021માં કથિત રીતે કોઈ સત્તાવાર કે અધિકૃત માનદ હોદ્દા વિના જ એનસીસી કોલોનેલનો ગણવેશ પહેરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. શું પીડીઈયુના ડિરેક્ટર જનરલે પોતે કયા અધિકારથી આવું કર્યું હતું તેનો જવાબ આપશે? રિવોઈને મળેલી જાણકારી અનુસાર ડૉ. સોલોમન આવો કોઈ માનદ હોદ્દો તે સમયે ધરાવતા નહોતા. જો ખરેખર માનદ હોદ્દો હોત તો ત્યારપછી તેમણે શા માટે કદી એ ગણવેશ પહેર્યો નથી? વાસ્તવમાં તે સમયની ભારતીય દંડ સંહિતાની કલમ 171 અને કલમ-2 હેઠળ અપરાધ ગણાય.

Director General of PDEU Dr Solomon Manoharan wearing uniform of Colonel of NCC
Director General of PDEU Dr Solomon Manoharan wearing uniform of Colonel of NCC

આ કથિત અપરાધ શું છે અને તેની શું સજા હોઈ શકે?

ભારતીય દંડ સંહિતા (Indian Penal Code)ની કલમ 171 અને કલમ 2 (ધ પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971) હેઠળ આ એક ગુનો છે.

કલમ 171. કપટપૂર્ણ ઇરાદાથી સરકારી અધિકારી દ્વારા ઉપયોગમાં લેવાતો ગણવેશ પહેરવો અથવા નિશાની (ટોકન) ધારણ કરવી.

જે કોઈ વ્યક્તિ, સરકારી અધિકારીના કોઈ ચોક્કસ વર્ગની ન હોવા છતાં પોતે સરકારી અધિકારીઓના તે વર્ગની છે એવું માનવામાં આવે તેવા ઇરાદાથી અથવા તેવું માનવામાં આવવાનો સંભવ છે તેવી જાણકારી સાથે, અધિકારીઓના તે વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા કોઈ પણ ગણવેશને મળતો આવતો કોઈ ગણવેશ પહેરે અથવા કોઈ નિશાની (ટોકન) ધારણ કરે, તો તેને ત્રણ મહિના સુધી લંબાવી શકાય તેવી બંનેમાંથી કોઈ પણ પ્રકારની કેદની સજા, અથવા બસો રૂપિયા સુધીના દંડની સજા, અથવા બંને સજા થશે.

Director General of PDEU Dr Solomon Manoharan wearing uniform of Colonel of NCC
Director General of PDEU Dr Solomon Manoharan wearing uniform of Colonel of NCC

(ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 171 (કપટપૂર્ણ ઇરાદાથી રાજ્યસેવક દ્વારા ઉપયોગમાં લેવાતો પોશાક પહેરવો અથવા નિશાની ધારણ કરવી) નવા બદલાયેલા કાયદા ભારતીય ન્યાય સંહિતા, 2023 (Bharatiya Nyaya Sanhita – BNS) માં કલમ 205 (Section 205) બની છે.

નવા કાયદામાં થયેલા મુખ્ય ફેરફાર: કલમ નંબર: IPC કલમ 171 = BNS કલમ 205

સજાની જોગવાઈમાં વધારો: જૂના કાયદા (IPC) માં ત્રણ મહિના સુધીની કેદ અથવા ₹200 સુધીનો દંડ હતો, જ્યારે નવા કાયદા (BNS કલમ 205) હેઠળ આ ગુના માટે ત્રણ મહિના સુધીની કેદ અથવા ₹5,000 (પાંચ હજાર રૂપિયા) સુધીનો દંડ, અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવી છે.)

Director General of PDEU Dr Solomon Manoharan wearing uniform of Colonel of NCC
Director General of PDEU Dr Solomon Manoharan wearing uniform of Colonel of NCC

આ પણ વાંચોઃ ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં ધર્માંતર અને ગુજરાતીઓ સાથે ભેદભાવના ગંભીર આક્ષેપ

બિનગુજરાતી ભાવના

ડીજી PDEU અને શૈક્ષણિક વર્તુળોમાં પ્રો-ક્રિશ્ચિયન અને લઘુમતી સમર્થક હોવા ઉપરાંત બિનગુજરાતી વિરોધી તરીકે જાણીતા છે. 2020 સુધી 75% ગુજરાતી અધ્યાપકો હતા, જે 2020થી અત્યાર સુધી ઘટીને 30% થઈ ગયા છે. ગુણવત્તા જાળવવા માટે PDEUએ ક્યારેય અસ્થાયી અધ્યાપકોની ભરતી કરી નથી. રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, ઉપ-પરીક્ષા નિયામક, સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝના ડિરેક્ટર, સ્કૂલ ઑફ ટેકનોલોજીના ડિરેક્ટર, ટેકનોલોજીના ડીન, IQAC ના ડીન જેવા મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ હોદ્દાઓ પરથી ગુજરાતીઓને હટાવવામાં આવ્યા છે.

આ અંગે અધિકૃત તપાસ થાય તો આ બાબતો સત્તાવાર રીતે યુનિવર્સિટીના રેકોર્ડમાંથી જ બહાર આવી શકે તેમ છે.

  • આંકડાકીય માહિતી
  • 28 પ્રોફેસરો: 6 ગુજરાતી (21%)
  • 55 એસોસિયેટ પ્રોફેસર: 17 ગુજરાતી (30%)
  • 260 આસિસ્ટન્ટ પ્રોફેસરો: 62 ગુજરાતી (23%)
  • 23 HoD: 4 ગુજરાતી (17%)
  • 23 વિભાગો: 9 વિભાગોમાં એક પણ ગુજરાતી અધ્યાપક નથી
  • 22 ડીન અને એસોસિયેટ ડીન: 8 ગુજરાતી (35%)
  • 3 સ્કૂલ ડીન અને 4 સ્કૂલ ડિરેક્ટર: 1 ગુજરાતી
  • છેલ્લા 6 વર્ષમાં ભરાયેલી 120 જગ્યાઓ: માત્ર 18 ગુજરાતીઓ (15%)
ડીજી સોલોમન સુંદર મનોહરનનો ભૂતકાળ શું છે?

રિવોઈને પ્રાપ્ત વિશ્વાસપાત્ર વિગતો અનુસારઃ

  • ડીજી સોલોમનને અગાઉ આવી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાંથી ટૂંકા સમયગાળામાં જ હટાવી દેવામાં આવ્યા હતા. જેમ કે કરુણા (Karunya)માંથી 3 વર્ષમાં, સત્યભામા (Satyabhama)માંથી 1 વર્ષમાં અને મુંબઈ યુનિવર્સિટીના નેનોટેકનોલોજી વિભાગમાંથી 1 વર્ષમાં જ તેમને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.
  • ડીજી સોલોમન PDEUના સંપર્કો, પ્રોજેક્ટ્સ અને ભંડોળ દ્વારા JG ઈન્ટરનેશનલને મદદ કરે છે. વાસ્તવમાં જેજી ઈન્ટરનેશનલ અન્ય સંસ્થા અને હરીફ શૈક્ષણિક એકમ ગણાય તો પછી પીડીઈયુના પ્રોજેક્ટ્સમાં તેની સામેલગીરી શા માટે તેનો કોઈ ખુલાસો સંસ્થા પાસે છે? એવી જ રીતે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ એક હરીફ હોવા છતાં તેમને PDEU કેમ્પસમાં પ્રવેશ તેમજ સંશોધન, શૈક્ષણિક અને નવીનતા સંબંધિત માહિતી આપવામાં આવતી હોવાનું જાણવા મળે છે.
  • પીડીઈયુમાં કોઈ સત્તાવાર દિવાળી વેકેશન નથી આપવામાં આવતું પરંતુ શિયાળાના બ્રેકના નામે સત્તાવાર ક્રિસમસ વેકેશન હોય છે, પરંતુ ક્રિસમસ દરમિયાન ‘સિક્રેટ સાન્ટા’ નામે ઉજવણી શરૂ કરી દેવામાં આવી હોવાનું અમને જણાવવામાં આવ્યું છે.
  • PDEUના સત્તાવાર વીડિયોમાંથી ઋગ્વેદની ‘ઊર્જા સ્તુતિ’ હટાવી દેવામાં આવી છે. જો કે આ એક ઊર્જા યુનિવર્સિટી છે, આ સ્તુતિ શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે PDPUની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા જ પસંદ કરવામાં આવી હતી.
  • સેન્ટ ઝેવિયર્સ, ક્રાઈસ્ટ ચર્ચ અને દક્ષિણની અન્ય ખ્રિસ્તી સંસ્થાઓના ચર્ચ ફાધર્સ અવારનવાર PDEUની મુલાકાતે આવે છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ ખરું?
  • ડૉ. નૌશીન નિઝામી અને એસ. આલ્યા સી.એસ. દ્વારા કવ્વાલી સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. PDEUમાં આ પહેલીવાર બન્યું છે.
  • ડીજી સોલોમને તો ‘ઓપરેશન સિંદૂર’ અને ‘કારગિલ દિવસ’ની ઉજવણી કરવાની પણ મંજૂરી આપી ન હતી. હિન્દુ તહેવારો દશેરા, ઉત્તરાયણ, નવરાત્રી અને દિવાળીની ઉજવણી અને તે માટે વહેંચાતી મીઠાઈઓ માટેનું બજેટ કાપી નાખવામાં આવ્યું છે.
  • ડીજી સોલોમનના પી.એ. શિજી જ્હોનને જ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષના પી.એ. તરીકે પણ રાખવામાં આવ્યા છે. જુનિયર અને સિનિયર ઓથોરિટી વચ્ચે એક જ પી.એ. હોય તેવું ક્યાંય જોવા મળતું નથી.
  • પ્રો. સોલોમન જોડાયા પહેલા જૂના ખ્રિસ્તી અને મુસ્લિમ કર્મચારીઓ સોશિયલ મીડિયા, વોટ્સએપ પર પોસ્ટ કરતા નહોતા. હવે તેઓ પણ ખુલ્લેઆમ ધર્મનો પ્રચાર કરે છે અને વર્તમાન સરકાર વિરુદ્ધ બોલે કે પ્રચાર કરે છે.

શું ડીજી સોલોમને પીડીઈયુ કેમ્પસમાં કોણ ક્યાં જઈ શકે અને કોણ ન જઈ શકે તેના નિયમો બનાવ્યા છે? સોલોમન મિશનરી આધિપત્યનાં સોગઠાં કેવી રીતે ગોઠવી રહ્યા છે? સોલોમન પીડીઈયુ યુનિવર્સિટીના નાણાકીય વ્યવહારો કોની સાથે કરે છે? તેમાં કેટલા ગોટાળા થયા છે? સોલોમને કઈ કઈ યોજનાઓ બનાવી અને તેમાંથી કેટલી નિષ્ફળ ગઈ? સોલોમન પીડીઈયુમાં ગુજરાતી સ્કૉલર્સને કેમ પ્રવેશવા નથી દેતા?

(આ અને આવા બીજા તમામ પ્રશ્નોના જવાબ મળશે ટૂંક સમયમાં…વાંચતા રહેજો રિવોઈ)

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img