ભોપાલ, 19 નવેમ્બર 2026: દારૂની લત છોડાવવાના નામે અંધશ્રદ્ધા ફેલાવી લોકોના જીવ જોખમમાં મૂકતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક તાંત્રિક દ્વારા પિવડાવવામાં આવેલો શંકાસ્પદ ઝેરી ઉકાળો પીવાથી બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકોની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય તાંત્રિક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસ અધિક્ષક અમિત સક્સેનાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પાઠાખેડા સ્થિત ‘રાજા કી બેઠક’ ખાતે ઓઝા પરતે નામના તાંત્રિકે દારૂ છોડાવવા માટે પૂજા-પાઠનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં આશરે 400 થી 500 લોકો ઉમટી પડ્યા હતા. તાંત્રિકે 21 દિવસમાં દારૂની લત છોડાવી દેવાનો દાવો કરી, વ્યક્તિદીઠ 100 રૂપિયા વસૂલીને ત્રણ ગ્લાસ લાલ રંગનું પ્રવાહી પિવડાવ્યું હતું. આ ઉકાળો પીધાના અડધા કલાકમાં જ લોકોને પેટમાં અસહ્ય બળતરા, ઉલટી અને ચક્કર આવવા લાગ્યા હતા. ઘરે પરત ફરતી વખતે રસ્તામાં જ સંજય નામના યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક પીડિતે પણ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
ચિચોલી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી ડો. સંજીવ શર્માએ દર્દીઓને પ્રાથમિક સારવાર આપી જિલ્લા હોસ્પિટલ ખસેડ્યા હતા. જિલ્લા હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. રાનૂ વર્માના જણાવ્યા અનુસાર, દર્દીઓના ઈસીજી રિપોર્ટમાં હૃદયના સ્નાયુઓને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાના સંકેત મળ્યા છે અને તેમના ધબકારા સતત ઘટી રહ્યા હતા. ઝેરી તત્વની ગંભીર અસરને જોતા વહીવટીતંત્રે પાંચેય દર્દીઓને એક તબીબ અને બે પોલીસકર્મીઓની સુરક્ષા હેઠળ એમ્સ ખાતે રિફર કર્યા છે. ઘટનાની જાણ થતા જ એસ.ડી.એમ. અભિજીત સિંહે પણ હોસ્પિટલ પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
-
બિન-ઈરાદાપૂર્વકના વધનો ગુનો નોંધાયો
પોલીસે ઘટનાસ્થળેથી ઉકાળા તરીકે વપરાયેલું પ્રવાહી અને ‘જમરાસ’ના મૂળનો ભૂકો કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોલીસે મુખ્ય આરોપી ઓઝા પરતે, ભગત રમેશ ઉઈકે અને શરદ કવડે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 હેઠળ બિન-ઈરાદાપૂર્વકના વધનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં છેલ્લા અઢી મહિનામાં ઝેરી અને શંકાસ્પદ પીણાં પીવાથી મોત થવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. અગાઉ સાગર જિલ્લાના બંડા અને શાહગઢ વિસ્તારમાં લઠ્ઠાકાંડમાં 20 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતથી સ્પ્રિટ અને ઉત્તર પ્રદેશથી નકલી બોટલો લવાતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ ઉપરાંત દેવાસ જિલ્લાના ચંદાના અને બિંજાના ગામમાં પણ માત્ર 20 દિવસના ગાળામાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત નિપજ્યા હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.








