મુંબઈ, 22 નવેમ્બર 2026: આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં આશરે 25,500 રૂપિયાનો ઘટાડો થયો છે. ‘ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ (IBJA) ના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં 11,916 રૂપિયાનો ઘટાડો થયો છે, જેનાથી તેનો ભાવ અગાઉના 1,35,809 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 1,23,893 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.
22-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,24,401 થી ઘટીને 1,13,486 થયો છે. 18-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,857 થી ઘટીને 92,920 થયો છે.
આ સપ્તાહ દરમિયાન, 16 નવેમ્બરે સવારના સત્રમાં સોનાનો સૌથી ઊંચો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,34,971 નોંધાયો હતો. જ્યારે 20 નવેમ્બરે સવારના સત્રમાં સૌથી નીચો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,23,584 જોવા મળ્યો હતો.
સોનાની સાથે ચાંદીમાં પણ ઘટાડો થયો
સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક અઠવાડિયા પહેલાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1,78,000 હતો, જે ઘટીને 1,52,528 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે એટલે કે તેમાં 25,472નો ઘટાડો થયો છે. આ સપ્તાહ દરમિયાન, 16 નવેમ્બરે સાંજની સત્રમાં ચાંદીનો સૌથી ઊંચો ભાવ 1,70,251 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો. જ્યારે 20 નવેમ્બરે સવારના સત્રમાં સૌથી નીચો ભાવ 1,50,650 પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે પણ ભાવ ઘટ્યા
છેલ્લા એક સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. COMEX પર સોનાના ભાવમાં લગભગ ૯ ટકાનો ઘટાડો થઈને તે 3,539 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયા, જ્યારે ચાંદીના ભાવમાં આશરે 16 ટકાનો ઘટાડો થઈને તે 41.08 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા.
નિષ્ણાતોએ નોંધ્યું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન લગભગ 9 ટકા જેટલું નોંધપાત્ર ‘પ્રોફિટ-બુકિંગ’ (નફો વસૂલવા માટેનું વેચાણ) જોવા મળ્યું, જેના કારણે ભાવ 1,22,500 રૂપિયાના સ્તર તરફ ધકેલાયા. રૂપિયામાં મજબૂતી અને કોમેક્સ (COMEX) ગોલ્ડમાં નરમાઈને કારણે સ્થાનિક બજારમાં વેચવાલીનું દબાણ વધુ તીવ્ર બન્યું હતું. દરમિયાન, 3,500 ડોલરનું સ્તર એક મહત્વપૂર્ણ ‘સપોર્ટ’ (આધાર) તરીકે જળવાઈ રહ્યું છે અને હવે બજારની નજર 9 ડિસેમ્બર, 2026ના રોજ યોજાનારી ફેડરલ રિઝર્વની નીતિ વિષયક બેઠક પર કેન્દ્રિત છે.
વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો સંભવિત વધારો થવાની અપેક્ષાઓ વચ્ચે સોનાના ભાવમાં અસ્થિરતા જોવા મળી શકે છે. ટેકનિકલ દૃષ્ટિકોણથી જોઈએ તો, પ્રતિ ઔંસ 3,450–3,500 અને ત્યારબાદ 3,300ના સ્તરે સપોર્ટ (આધાર) જોવા મળે છે, જ્યારે પ્રતિ ઔંસ 3,650–3,700ના સ્તરે રેઝિસ્ટન્સ (અવરોધ) રહેલું છે.
વધુ વાંચો: બંગાળની ખાડીમાં ફરી ચક્રવાતનું સંકટ! ઓડિશામાં હવામાન વિભાગનું એલર્ટ








