ઢાકા, 24 નવેમ્બર 2026: બાંગ્લાદેશે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની આગામી 16 ડિસેમ્બરે સ્વદેશ પરત ફરવાની યોજનાને સત્તાવાર રીતે ફગાવી દીધી છે. બાંગ્લાદેશના અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો તેઓ દેશમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે, તો તેમની ધરપકડ થઈ શકે છે. મળતી માહિતી મુજબ, શેખ હસીનાએ ઢાકા સરકારને આગ્રહ કર્યો હતો કે દિલ્હીથી તેમના પરત ફરવા માટે રાષ્ટ્રીય એરલાઈન ‘બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ’ ની વ્યવસ્થા કરવામાં આવે અને મુસાફરી માટે જરૂરી કાગળી કાર્યવાહી પૂર્ણ કરવામાં મદદ કરાય. બીજી તરફ, બાંગ્લાદેશ સરકારે ઢાકા સ્થિત વિદેશી રાજદ્વારીઓને માહિતી આપી છે કે શેખ હસીનાની ‘અવામી લીગ’ પાર્ટીએ આતંકવાદી ગતિવિધિઓ શરૂ કરી છે અને જો તેઓ પરત ફરવાની કોશિશ કરશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે ઢાકામાં વિદેશી રાજદ્વારીઓને બ્રીફિંગ આપીને સરકારનું વલણ અને વર્તમાન કપરી પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતા કબીરે જણાવ્યું હતું કે, “શેખ હસીના કોઈ સામાન્ય મુસાફર નથી કે જેઓ બસ દેશમાં પાછા ફરવાનો નિર્ણય લઈ લે. કારણ કે તેમને દોષિત ઠેરવવામાં આવી ચૂક્યા છે, તેથી જો તેઓ પરત આવશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે.” 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જાહેરાત બાદ ‘બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ’ એ બાંગ્લાદેશ-ભારત સરહદ પર પેટ્રોલિંગ (ગશ્ત) વધારી દીધું છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2024 માં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ફાટી નીકળેલા બળવા બાદ 5 ઓગસ્ટ 2024 ના રોજ તેઓ ભારત આવી ગયા હતા અને ત્યારથી અહીં જ રહી રહ્યા છે. તેમના આ નિવેદનથી રાજકીય તણાવ વધી ગયો છે અને સરહદ નજીક સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. હુમાયુ કબીરે વધુમાં કહ્યું હતું કે, “ઈચ્છા અને વાસ્તવિકતામાં ફરક હોય છે. બાંગ્લાદેશની જનતાએ આંદોલન દ્વારા તેમને નકારી કાઢ્યા છે. તેથી બાંગ્લાદેશ તેમને સ્વીકારશે નહીં. જો તેઓ આવશે, તો તેમને હાથકડી પહેરાવી દેવામાં આવશે.”
-
વિજય દિવસ પૂર્વે રાજકીય બેઠકોનો દોર
બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળો સહિત વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠકો યોજાઈ હતી. ‘નેશનલ સિટિઝન પાર્ટી’ ના નેતાઓ સાથે પણ એક બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટીના સંયોજકે શેખ હસીનાને બાંગ્લાદેશ પરત ફરતા કેવી રીતે રોકવા તે મુદ્દે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં 16 ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે 1971 માં પાકિસ્તાની સેનાના આત્મસમર્પણ અને બાંગ્લાદેશના એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેના ઉદયની યાદ અપાવે છે.








