Homeગુજરાતીદેશ-વિદેશસૈન્ય એરબેઝ પર ફિદાયીની હુમલાના કાવતરાનો પર્દાફાશ, મેરઠમાંથી આરોપીની ધરપકડ

સૈન્ય એરબેઝ પર ફિદાયીની હુમલાના કાવતરાનો પર્દાફાશ, મેરઠમાંથી આરોપીની ધરપકડ

મેરઠ, 24 નવેમ્બર 2026: પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આતંકવાદ વિરોધી દળ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરતા મેરઠમાંથી ‘ઉજૈદ’ નામના એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે. આરોપીના તાર પાકિસ્તાની હેન્ડલર શહજાદ ભટ્ટી અને જમ્મુ-કાશ્મીરમાંથી પકડાયેલા મોહમ્મદ સાજિદના આતંકી નેટવર્ક સાથે જોડાયેલા હોવાની પ્રબળ આશંકા છે. જમ્મુ-કાશ્મીરના સૈન્ય એરબેઝ પર ફિદાયીન હુમલાના કાવતરાનું સીધું કનેક્શન મેરઠ સાથે જોડાતા ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઉજૈદ છેલ્લા કેટલાક મહિનાઓથી સાજિદના સંપર્કમાં હતો અને બંને વચ્ચે ઓનલાઈન વાતચીત થતી હતી. કાશ્મીર પોલીસ છેલ્લા દસ મહિનાથી ઉજૈદની શોધખોળ કરી રહી હતી. હાલ તેની ધરપકડ અંગે કાશ્મીર પોલીસને જાણ કરી દેવામાં આવી છે.

તપાસ એજન્સીઓને શંકા છે કે ઉજૈદ પાકિસ્તાની હેન્ડલર શહજાદ ભટ્ટીના નેટવર્ક સાથે પણ સંકળાયેલો હોઈ શકે છે. તપાસ અધિકારીઓ હાલ એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે ઉજૈદ સીધો પાકિસ્તાની હેન્ડલર અને શહજાદ ભટ્ટી ગેંગના સંપર્કમાં હતો કે પછી કોઈ વચેટિયા મારફતે તેને સૂચનાઓ મળતી હતી. આ ઉપરાંત, ફરાર રહેવાના સમયગાળા દરમિયાન તેને કોણે આશરો આપ્યો અને ઓળખ છુપાવવામાં મદદ કરી, તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

મેરઠના SSP બીબીજીટીએસ મૂર્તિના જણાવ્યા અનુસાર, આ ધરપકડનું એક મહત્વનું પાસું આરોપીનો જૂનો રેકોર્ડ પણ છે. થોડા મહિનાઓ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ આ જ કેસમાં ઉજૈદને પકડવા મેરઠ આવી હતી, પરંતુ તે પોલીસ ટીમને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. ત્યારથી તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. ઉજૈદ મેરઠના કોતવાલી વિસ્તારના બનિયાપાડાનો રહેવાસી છે. તેની ધરપકડ બાદ તેના ઘરે તાળું લટકતું જોવા મળ્યું હતું અને પરિવારના સભ્યો ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, ઉજૈદની ધરપકડ બાદ તેના પાડોશીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પાડોશી મોહમ્મદના જણાવ્યા અનુસાર, ઉજૈદ સ્વભાવે ખૂબ જ સીધો-સાદો યુવક છે અને મળવા પર હંમેશા દુઆ-સલામ કરતો હતો. મોહલ્લામાં પણ આ પરિવારની છબી અત્યંત સજ્જન તરીકેની છે અને કોઈ સભ્ય ખોટી પ્રવૃત્તિમાં સામેલ હોવાની ક્યારેય જાણ થઈ નથી. પાડોશીએ વધુમાં જણાવ્યું કે, “ઉજૈદના પિતા સાજિદ ફળોના જથ્થાબંધ વેપારી છે અને ઉજૈદ તેમની સાથે જ કામ કરતો હતો. સફરજનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું હિમાચલ અને કાશ્મીર જવું સામાન્ય બાબત છે. આ મામલો ગયા વર્ષથી ચાલી રહ્યો છે અને અગાઉ પણ પૂછપરછ માટે પરિવારના એક યુવકને લઈ જવામાં આવ્યો હતો. કોઈના મોબાઈલમાં શું જોવામાં આવે છે, તેની ઘરના અન્ય સભ્યોને પણ ખબર હોતી નથી.”

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img