રાસ અલ ખૈમાહ, 24 નવેમ્બર 2026: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સાત અમીરાતોમાંની એક, રાસ અલ ખૈમાહમાં એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં અગિયાર લોકોનાં મોત નીપજ્યાં છે. દેશના ગૃહ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે અલ વતન રોડ પર આ વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મંત્રાલયે જણાવ્યું કે અધિકારીઓએ અકસ્માત સ્થળને સુરક્ષિત કર્યું, ટ્રાફિકનું સંચાલન કર્યું અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું.
તપાસ ચાલુ
વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અથડામણના કારણો જાણવા માટે તપાસ ચાલી રહી છે અને યોગ્ય સમયે સંબંધિત માહિતી જાહેર કરવામાં આવશે. મંત્રાલયે જનતાને આ ઘટના વિશે માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે; સાથે જ, માત્ર અધિકૃત સ્ત્રોતો પર જ ભરોસો રાખવા અને અફવાઓ કે અપ્રમાણિત અહેવાલો ફેલાવવાનું ટાળવા પર ભાર મૂક્યો છે.
આ મહિનાની સૌથી મોટી ઘટના
આ મહિનામાં UAEમાં બનેલી આ સૌથી ગંભીર માર્ગ દુર્ઘટના છે. આ પહેલાં, 12 નવેમ્બરના રોજ ફુજૈરાહમાં શેખ ખલીફા બિન ઝાયેદ રોડ પર 18 કાર અને પાંચ ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા.
તપાસકર્તાઓએ એક જ સ્થળે બે અકસ્માતો થયા હોવાનું જણાવ્યું હતું. પ્રથમ ઘટનામાં, એક વાહન સ્થિર ઊભેલા ટ્રક સાથે અથડાયું હતું, જ્યારે બીજી ઘટનામાં, બે શિપિંગ કન્ટેનર લઈ જઈ રહેલો એક ટ્રક પલટી જતાં પહેલાં અનેક વાહનો સાથે અથડાયો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા લોકોમાં આઠ અમીરાતી, સાત ભારતીય, છ ઓમાની, ત્રણ ઇજિપ્તીયન, બે જોર્ડનિયન, બે પાકિસ્તાની અને બે બ્રાઝિલિયન નાગરિકોનો સમાવેશ થાય છે.
UAE સત્તાવાળાઓએ વાહનચાલકોને વારંવાર અનુરોધ કર્યો છે કે તેઓ સુરક્ષિત અંતર જાળવે, ગતિ મર્યાદાનું પાલન કરે અને મુશ્કેલ પરિસ્થિતિઓ દરમિયાન સતર્ક રહે.
વધુ વાંચો: વિયેતનામના હનોઈમાં ભીષણ બ્લાસ્ટ! દુકાનમાં જોરદાર ધડાકાથી 6નાં મોત, 10 લોકો ઘાયલ








