Homeગુજરાતીદેશ-વિદેશIPL 2027 ની હરાજી માટે 1,220 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન: માત્ર 66 જગ્યા ખાલી

IPL 2027 ની હરાજી માટે 1,220 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન: માત્ર 66 જગ્યા ખાલી

મુંબઈ, 25 નવેમ્બર 2026: IPL 2027 ની હરાજી અગાઉ ખેલાડીઓની લાંબી યાદી સામે આવી છે, જેમાં ભારતીયો ઉપરાંત 17 દેશોના ખેલાડીઓનો સમાવેશ થાય છે. BCCI દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આગામી હરાજી માટે કુલ 1,220 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 939 ભારતીય અને 281 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જોકે, આ તમામને હરાજીમાં સ્થાન નહીં મળે. 10 ફ્રેન્ચાઈઝીઓ અગાઉ 184 ખેલાડીઓને રિટેન અથવા ટીમમાં સામેલ કરી ચૂકી છે, જેથી હવે મહત્તમ 66 સ્લોટ ખાલી છે, જેમાં 25 વિદેશી ખેલાડીઓની જગ્યા ઉપલબ્ધ છે.

6 શ્રેણીમાં વહેંચાયા ખેલાડીઓ

રજિસ્ટ્રેશન કરાવનારા 1,220 ખેલાડીઓને 6 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ યાદીમાં 14 કેપ્ડ ભારતીય, 170 કેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, એસોસિએટ દેશોના 42 ખેલાડીઓ, અગાઉ IPL રમી ચૂકેલા 127 અનકેપ્ડ ભારતીય, અન્ય 798 અનકેપ્ડ ભારતીય અને 69 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

કઈ ટીમ પાસે કેટલું બજેટ અને કેટલા સ્લોટ ખાલી?

હરાજી પૂર્વે ટીમોના બાકી પર્સ અને ખાલી સ્લોટ પર નજર કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસે સૌથી વધુ ₹47.45 કરોડ બાકી છે. બીજી તરફ, ગુજરાત ટાઈટન્સ (GT) પાસે સૌથી ઓછા ₹8.75 કરોડ રહ્યા છે અને તેના માત્ર 3 સ્લોટ ખાલી છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી વધુ 9-9 ખેલાડીઓના સ્લોટ ખાલી છે, જોકે બંને ટીમમાં વિદેશી ખેલાડીઓ માટે માત્ર 2 સ્લોટ ઉપલબ્ધ છે.

ટીમ ખેલાડી ખર્ચ (₹ કરોડ) બાકી પર્સ (₹ કરોડ) ખાલી સ્લોટ વિદેશી સ્લોટ
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) 18 82.55 47.45 7 3
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 17 88.35 41.65 8 3
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) 18 89.85 40.15 7 3
દિલ્હી કેપિટલ્સ (DC) 16 90.50 39.50 9 4
મુંબઈ ઈન્ડિયન્સ (MI) 16 99.75 30.25 9 2
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 19 101.95 28.05 6 2
રાજસ્થાન રોયલ્સ (RR) 19 102.95 27.05 6 3
પંજાબ કિંગ્સ (PBKS) 19 111.40 18.60 6 2
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 20 115.85 14.15 5 1
ગુજરાત ટાઈટન્સ (GT) 22 121.25 8.75 3 2
કુલ 184 1004.40 295.60 66 25

4 ડિસેમ્બરે જાહેર થશે અંતિમ યાદી

રજિસ્ટ્રેશન કરાવનારા તમામ 1,220 ખેલાડીઓને હરાજીમાં તક મળશે નહીં. હવે તમામ ફ્રેન્ચાઈઝીઓ નોંધાયેલા ખેલાડીઓમાંથી પોતાની પસંદગીના નામો BCCI ને સુપરત કરશે, જેના આધારે 4 ડિસેમ્બરે અંતિમ હરાજી યાદી જાહેર કરવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img