Homeગુજરાતીદેશ-વિદેશસુપ્રીમ કોર્ટના આદેશ છતાં દીપથૂન પર દીપ ન પ્રગટ્યો: તમિલનાડુ સરકારે માફી...

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દીપથૂન પર દીપ ન પ્રગટ્યો: તમિલનાડુ સરકારે માફી માંગી

નવી દિલ્હી, 25 નવેમ્બર 2026: તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરનકુંદ્રમ પહાડી પર આવેલા પ્રાચીન પથ્થરના સ્તંભ ‘દીપથૂન’ પર મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં પરંપરાગત દીપ પ્રગટાવી શકાયો ન હતો. આ મામલે બુધવારે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે. જોકે, રાજ્ય સરકારે આ માટે અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિર વહીવટીતંત્રને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે, મંદિરના ‘બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ’ એ દીપ પ્રગટાવવા માટે પ્રસ્તાવિત ટીમને મંજૂરી ન આપી હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી.  મંગળવારે વાર્ષિક ‘કાર્તિગઈ દીપમ’ પહાડી પરના દીપથૂન સ્તંભને બદલે માત્ર પરંપરાગત સ્થળ એવા ‘ઉચિ પિલ્લયાર મંડપમ’માં જ પ્રગટાવવામાં આવ્યો હતો.

મદુરાઈના જિલ્લા કલેક્ટર નિશાંત કૃષ્ણે જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ 16 પાનાનો વચગાળાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું કે સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બરના આદેશના પાલન માટે જિલ્લા વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે 24 નવેમ્બરે ઠરાવ પસાર કરી દીપને માત્ર પરંપરાગત સ્થળે જ પ્રગટાવવાનો નિર્ણય લેતા કોર્ટના આદેશનું પાલન થઈ શક્યું નહીં.

જિલ્લા કલેક્ટરે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, “મેં પૂરી ઈમાનદારીથી કોર્ટના આદેશનું પાલન કરવા તમામ જરૂરી પગલાં લીધા હતા. મારા તરફથી કોઈ પણ નિર્દેશની જાણીજોઈને અવહેલના કરવામાં આવી નથી. દીપથૂન પર દીપ ન પ્રગટાવી શકાયો તે બદલ હું હૃદયપૂર્વક માફી માંગું છું.” કલેક્ટરે વધુમાં જણાવ્યું કે 22 નવેમ્બરે બે પત્રો લખીને મંદિર પ્રશાસન અને હિન્દુ ધાર્મિક તથા ધર્માદા વિભાગ (HR&CE) ને પણ કોર્ટના નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.

સુરક્ષા અને વ્યવસ્થા માટે કરાયું હતું ખાસ આયોજન

રિપોર્ટ મુજબ, 24 નવેમ્બરે સાંજે 6 થી 6:30 વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમ માટે 10 સભ્યોની ટીમ નક્કી કરાઈ હતી, જેમાં મંદિરના અધિકારીઓ, પૂજારી અને તિરુવન્નામલાઈના ટેકનિકલ નિષ્ણાતો સામેલ હતા. પ્રાચીન સ્તંભને નુકસાન ન થાય તે માટે તેના પર ભીના કોથળા અને માટી મૂકી માટીનો દીવો પ્રગટાવવાનું આયોજન હતું, જેના માટે 27 કર્મચારીઓ અને મેડિકલ ટીમ તૈનાત કરાઈ હતી.

વિવાદિત સ્થળે દીપ પ્રગટાવવાના સમર્થન અને વિરોધમાં સંગઠનો એકત્ર થવાની ગુપ્તચર માહિતી મળતા મદુરાઈમાં 5,797 સુરક્ષાકર્મીઓ અને 20 સ્થળો પર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તૈનાત કરાયા હતા. ઉપરાંત, 23 નવેમ્બરની રાતથી 25 નવેમ્બરની સવાર સુધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક દાયકાઓથી આ દીપ પહાડીના નીચેના ભાગમાં આવેલા ઉચિ પિલ્લયાર મંદિર પાસે ‘દીપા મંડપમ’માં પ્રગટાવવામાં આવે છે. હિન્દુ સંગઠનોએ પહાડી પર થોડે ઉપર આવેલા ‘દીપથૂન’ સ્તંભ પર દીપ પ્રગટાવવાની મંજૂરી માંગી હતી, જે સિકંદર બદુશા દરગાહથી અંદાજે 50 મીટર દૂર આવેલો છે. દરગાહ પક્ષે પહાડીના ઉપરના ભાગ પર પોતાની માલિકીનો દાવો કરીને આ માંગનો વિરોધ કર્યો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img