નવી દિલ્હી, 26 નવેમ્બર 2026: હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી જતી સૈન્ય અને વ્યૂહાત્મક હાજરી વચ્ચે ભારત પોતાના દરિયાઈ પડોશી દેશો સાથે મળીને સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં જોતરાયું છે. દરિયાઈ માર્ગો પર ચીનની વધતી સક્રિયતા અને પ્રાદેશિક સુરક્ષાના પડકારો વચ્ચે માલદીવ ખાતે ‘કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ’ ની આઠમી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતના એનએસએ અજીત ડોભાલે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ બેઠકમાં ભારત, માલદીવ, શ્રીલંકા અને બાંગ્લાદેશના સુરક્ષા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા અતિથિ દેશો તરીકે જોડાયા હતા. બેઠક દરમિયાન સભ્ય દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા, આતંકવાદ અને કટ્ટરવાદ સામે લડત, માનવ અને માદક દ્રવ્યોની તસ્કરી રોકવા, સાયબર સુરક્ષા તેમજ મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના રક્ષણ જેવા ગંભીર મુદ્દાઓ પર પરસ્પર સહયોગ વધારવા પર સહમતી સધાઈ હતી.
બેઠકમાં હિંદ મહાસાગર ક્ષેત્રની સુરક્ષાને લઈને આગામી બે વર્ષનો નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભારત, માલદીવ, મોરેશિયસ અને શ્રીલંકાએ વર્ષ 2026-27 માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં મોરેશિયસ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયું હતું. આ કરાર થકી સભ્ય દેશો વચ્ચે સુરક્ષા સંકલન, સંયુક્ત તાલીમ અને ગુપ્ત માહિતીના આદાન-પ્રદાનને વધુ વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારત પ્રાદેશિક દેશો સાથે સુરક્ષા તાલમેલ મજબૂત કરી રહ્યું છે. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવના માધ્યમથી દરિયાઈ દેખરેખ, ઇન્ટેલિજન્સ શેરિંગ, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને આપત્તિ વ્યવસ્થાપનમાં સહિયારી ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બેઠકમાં તમામ દેશોએ તાલીમ અને અનુભવોની આપ-લે દ્વારા હિંદ મહાસાગરમાં એક મજબૂત પ્રાદેશિક સુરક્ષા માળખું ઊભું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.








