પણજી, 28 નવેમ્બર 2026: 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI 2026)માં લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત સિઝન 5’ના પ્રથમ એપિસોડનું વર્લ્ડ પ્રીમિયર અને વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ ખાસ સ્ક્રીનિંગ પૂર્વે અભિનેત્રી નીના ગુપ્તા અને અભિનેતા ફૈઝલ મલિકે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે સિનેમાના બદલાતા પ્રવાહો અને પોતાના આગામી પ્રોજેક્ટ્સ અંગે રસપ્રદ ખુલાસા કર્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ જણાવ્યું હતું કે, OTT અને સિનેમા વચ્ચેનો તફાવત હવે સમાપ્ત થવો જોઈએ, કારણ કે અંતે તો બંને એક જ માધ્યમ છે. તેમણે ફિલ્મ અને વેબ સિરીઝની દુનિયામાં બદલાતા ટ્રેન્ડ્સ અંગે સમજાવતા કહ્યું કે, “આ એક પ્રકારનું ચક્ર (સર્કલ) છે. ક્યારેક કોઈ એક વસ્તુ સારી ચાલે, તો બધા તેવી જ ફિલ્મો કે સિરીઝ બનાવવા લાગે છે, અને પછી તેનો સમય પૂરો થઈ જાય છે. એક સમય હતો જ્યારે ‘યંગ એંગ્રી મેન’ જેવી ફિલ્મો આવતી હતી, ત્યારબાદ કંઈક નવું આવ્યું. આ એક એવું ચક્ર છે જ્યાં વસ્તુઓ સતત બદલાતી રહે છે—કોઈ આવે છે અને કોઈ જાય છે.” આ ઉપરાંત નીના ગુપ્તાએ IFFIની પ્રશંસા કરતા કહ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય અને અત્યંત ઉત્તમ પ્લેટફોર્મ છે, જે નવા ફિલ્મમેકર્સ અને કલાકારો માટે ઘણું મદદરૂપ સાબિત થાય છે.
-
‘રામાયણ-2’માં કુંભકર્ણ બનશે ફૈઝલ મલિક
‘પંચાયત’ સિરીઝમાં ‘પ્રહલાદ ચા’ના પાત્રથી ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેતા ફૈઝલ મલિકે સ્ક્રીનિંગ પૂર્વે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ આગામી મેગા ફિલ્મ ‘રામાયણ-2’માં કુંભકર્ણની ભૂમિકા ભજવતા જોવા મળશે. સ્ક્રીનિંગ અંગે ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ગત વખતે પણ IFFIમાં ‘પંચાયત’ને બેસ્ટ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. દર્શકોનો અપાર પ્રેમ અમારી સિરીઝને પહેલેથી જ મળી ચૂક્યો છે અને હવે જે થઈ રહ્યું છે તે વધુ રોમાંચક છે. ફૈઝલ મલિકે કહ્યું કે, “રામાયણ જેવી ફિલ્મમાં કામ મળવું એ જ ખૂબ આનંદની વાત છે. મને લાગે છે કે ભારતના ઈતિહાસમાં ગ્રાફિક્સ, લુક્સ અને ભવ્યતાની દ્રષ્ટિએ આનાથી શ્રેષ્ઠ ફિલ્મ ક્યારેય બની નથી. તેના માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને ચાર મહિના બાદ શૂટિંગ શરૂ કરવામાં આવશે.”








