પશ્ચિમ બંગાળમાં પકડાયેલા આતંકવાદીએ ઘરમાં જ બનાવી હતી સુરંગ
દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 9 ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના એક આતંકવાદીએ પોતાના ઘરમાં એક સુરંગ બનાવી હતી. જેમાં હથિયારો અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું ખૂલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળમાંથી ઝડપાયેલા આતંકવાદી સુફિયાનની ઉંડાણપૂર્વકની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. મુર્શિદાબાદ જિલ્લાના રાનીનગર સ્થિત તેના ઘરે તપાસ કરતા 7થી 8 ફુટ ઉંડી સુરંગ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ સુરંગમાં તે હથિયાર અને વિસ્ફોટ બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું જાણવા મળે છે. NIAએ તપાસ દરમિયાન આ સુરંગમાંથી દેશી બોમ્બ જપ્ત કર્યાં હતા.
NIAની ટીમે સંમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સુફિયાનના અડોશ-પડોશમાં પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત NIAની ટીમે તેની ધરપકડ કરી તે પહેલા સુફિયાદ અનેક લોકોના મોબાઈલ ફોન ઉપર સંપર્કમાં હતો. જેથી સુફિયાન કોના-કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. NIAની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

