
પાકિસ્તાનની જેલમાં માછીમારો સહિત 319 ભારતીય બંધ
દિલ્હીઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં 270 જેટલા માછીમારો સહિત 319 જેટલા ભારતીય બંધ છે. બીજી તરફ ભારતની વિવિધ જેલમાં 77 માછીમારો સહિત 340 પાકિસ્તાની નાગરિકો બંધ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન દર વર્ષે બે વખત એકબીજાના કેદીઓની અને પરમાણુ હથિયારોની માહિતીનું આદાન-પ્રદાન કરે છે. પાકિસ્તાને જાહેર કરેલી માહિતી પ્રમાણે પાકિસ્તાનની જેલમાં ભારતના કુલ 319 નાગરિકો બંધ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે એકબીજાના કેદીઓની માહિતી જાહેર કરવાનો સિલસિલો 2008થી શરૂ થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તંગદીલી ભર્યો માહોલ છે. તેમ છતા બંને દેશ દ્વારા કરારનું પાલન કરવામાં આવી રહ્યું છે. 31મી ડિસેમ્બર 1988માં બંને દેશો વચ્ચે પરમાણુ મથકો અને પરમાણુ હથિયારોની માહિતી શેર કરવાનો કરાર થયો હતો, જે 27મી જાન્યુઆરી, 1991માં લાગુ પડયો હતો. એ પછી દર વર્ષે પરમાણુની વિગતોની આપ-લે થાય છે. આ કરાર પાછળનો હેતુ એવો હતો કે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય તો પરમાણુ મથકોના વિસ્તારમાં હુમલો ન થાય તેની તકેદારી રાખવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા દર વર્ષે વિવિધ જેલમાં બંધ પાકિસ્તાની માછીમારોને મુક્ત કરવામાં આવે છે. આવી જ રીતે પાકિસ્તાન દ્વારા પણ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવે છે. ભારતીય માછીમારોને અનેક બોટો હાલ પાકિસ્તાનમાં છે તેને પણ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.