Site icon Revoi.in

ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક રાજાશાહી વખતનો બ્રિજ બન્યો જર્જરિત

Social Share

ધ્રાંગધ્રાઃ શહેરના માનસાગર તળાવ નજીક આવેલા અને કોલેજ તેમજ મેલડી માતાજીના મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પરના રાજાશાહી વખતનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બ્રિજ પરથી કોલેજ જતા સેંકડો વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ પસાર થાય છે. તંત્રની ઉદાસિનતાને લીધે ઐતિહાસિક એવા આ બ્રિજની મરામત પણ કરવામાં આવતી નથી

ધ્રાંગધ્રામાં માન સાગર તળાવ નજીક રાજાશાહી વખતનો ઐતિહાસિક બ્રિંજ આવેલો છે. આ બ્રિજના મુખ્ય માર્ગ પર કોલેજ તેમજ પ્રસિદ્ધ મેલડી માતાજીનું મંદિર આવેલું હોવાથી દર્શનાર્થે આવતા હજારો ભક્તો માટે પણ આ બ્રિજ જોખમી સાબિત થઈ રહ્યો છે. બ્રિજની કથળતી હાલતને જોતા ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. રાજ્યભરમાં જૂના અને જોખમી પુલોનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે ધ્રાંગધ્રાના આ વ્યસ્ત પુલ પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે અનેક સવાલો ઉભા થયા છે. વર્ષોથી બ્રિજ જર્જરિત હોવા છતાં રિપેર કરવામાં આવ્યો નથી એટલું જ નહીં  સુરક્ષાના ભાગરૂપે પણ તેને બંધ કરવામાં આવ્યો નથી.

સ્થાનિકો લોકોનો આક્ષેપ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો સમય રહેતા આ બ્રિજનું નવું નિર્માણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોએ આ બ્રિજને મરામત માટે તંત્રને અનેક રજુઆતો પણ કરી છે. પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.

Exit mobile version