Site icon Revoi.in

અમદાવાદના રખિયાલમાં કારચાલકને ખેંચ આવતા 5 વાહનોને અડફેટે લીધા, યુવતીનું મોત

Social Share

અમદાવાદ, 23 જુન, 2026 : Car driver hits 5 vehicles શહેરના રખિયાલ વિસ્તારમાં અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર ગત રાત્રે હેરિયરકારે 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. હેરિયરકારના ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતા બેકાબૂ બનેલી કારે 5 વાહનોને અડફેટે લઈને રોડ સાઈડ પર આવેલી હોટેલના ટેબલ-ખુરશીને પણ ઉડાવ્યાં હતાં. આ અકસ્માતના બનાવમાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવથી લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના ઓઢવના વિરાટનગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે પત્ની ડિમ્પલબેન અને દીકરો કર્મ પણ સવાર હતા. રાત્રે 9:40 વાગ્યાની આસપાસ અજિત મિલ બ્રિજ ઉતરતી વખતે મયંકકુમારને અચાનક આંચકી (ખેંચ) આવી જતાં તેમણે વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો.  અને બેકાબૂ બનેલી આ કારે ગરીબનગર ચાર રસ્તા પાસે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ એક્ટિવા અને એક બાઈક ચાલકને અડફેટે લીધા હતા. લોકોને કચડ્યા બાદ આ કાર નજીકની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતને લીધે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. જોતજોતામાં ઘટનાસ્થળે 500થી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને પગલે પરિસ્થિતિ ભારે તંગ બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે 2 એસીપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ અકસ્માત સ્થળેથી ટોળાને દૂર કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Exit mobile version