1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો દેશ આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યોઃ અમિત શાહ
એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો દેશ આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યોઃ અમિત શાહ

એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો દેશ આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યોઃ અમિત શાહ

0
Social Share

અમદાવાદઃ સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ  હતી.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરકથી ધજા તેનું દ્યોતક છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ યાત્રા વિકસિત ભારતના વિચારને જન આંદોલન/લોક આંદોલન બનાવવાની યાત્રા છે. જે બાકી છે તેને મળવા માટેની યાત્રા છે તો આગામી પાંચ વર્ષમાં બધાને શત પ્રતિશત બધુ આપી દેવાના સંકલ્પ સાથેની આ યાત્રા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણાં છે અને આપણે સૌ નરેન્દ્ર મોદીના છીએ. તેવા સમયે વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા વિકસિત ભારતની સંકલ્પના અને તેને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનીને કાર્ય કરી રહ્યું છે. સમગ્ર દેશમાં જન આરોગ્ય કાર્ડ માટે પાંચ લાખની જોગવાઈ છે. તેની સામે ગુજરાતે પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ માટે દસ લાખ સુધીની જોગવાઈ કરી છે. અને તેનાથી પણ કદાચ વધુ જરૂર પડે તો મુખ્યમંત્રી રાહત નીધિમાંથી આ માટેનું ફંડ આપવાની જોગવાઈ કરીને સમગ્ર દેશમાં ગુજરાતે લીડ લીધી છે.

ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે ભારત બે હિસ્સામાં વહેંચાયેલું છે. એક કે જેની પાસે અનાજ, પાણી,  આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. તો બીજી તરફ ભારત તિરંગા સાથે ચંદ્ર સુધી પહોંચ્યું છે. તેવા સમયે દરેક વંચિત અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટેની આ યાત્રા છે. બીજી તરફ જર્મની, જાપાન જેવા દેશો કે જેઓએ છેલ્લા 75 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તેવા દેશો સાથે હરિફાઈ કરીને સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વ ગુરુનું સ્થાન અપાવી સર્વપ્રથમ બનાવવાનો સંકલ્પ કરવા માટેની યાત્રા છે.

સંકલ્પ યાત્રા વિશે તેમણે જણાવ્યું હતું કે, આગામી 26મી જાન્યુઆરી સુધી ભારત દેશના નાનામાં નાના પંચાયત સ્તર સુધી આ યાત્રા પહોંચીને ગામમાં એકપણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય અને સત્વરે તેનો લાભ આપી શકાય તે પ્રકારની સુદ્રઢ વ્યવસ્થા અને આયોજન ગોઠવાય તે માટેની આ યાત્રા છે. આપણે પણ ભારતને વિકસિત બનાવવાના આ સંકલ્પમાં સહભાગી થઈ ભારતનો કિસાન સમૃદ્ધ બને, દરેક વ્યક્તિને સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થા પ્રાપ્ત થાય, દરેક ગરીબ સુધી અનાજ પ્રાપ્ય બને, ઉદ્યોગના વિકાસ સાથે દેશ વિશ્વની હરિફાઈ કરી શકે તે પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થાય તેવા વિકસિત ભારતને સાકારિત કરવા માટે આ સંકલ્પ યાત્રાનું દેશભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. 

વિકસિત ભારત બનાવવા માટે દેશના 130 કરોડ નાગરિકો જોડાય, ભારત આત્મનિર્ભર બને તે માટે સામાન્ય ખેડૂત પ્રયત્ન કરે, ગામડાનો નાનો નાગરિક દુકાન ચલાવે, ગામમાં કોઈ વંચિત ન રહી જાય તે માટે સંકલ્પબદ્ધ થવા તેમણે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. જેને લાભ મળ્યો છે અને જેને લાભ નથી મળ્યો તેની તુલના કરવાનો આ કોઈ ઉપક્રમ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, વિકસિત ભારત માટે સૌ ભારતવાસી સંગઠિત બને એક બની આગામી 100 વર્ષની ઉજવણી પ્રસંગે ભારત વિશ્વમાં અગ્રેસર બને, ઉદ્યોગ-ધંધા-વેપાર-વાણિજ્ય, ખેતી, આરોગ્ય, તમામે તમામ માનવીય જીવનને સ્પર્શતા ક્ષેત્રોમાં સર્વપ્રથમ ક્રમાંક હાંસલ કરે તે દિશા માટે દેશને એક સાથે જોડી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસથી જોડવાની આ યાત્રા છે.

વિકસિત ભારતનો સંકલ્પ કેવળ શબ્દો, કેવળ પ્રતિજ્ઞા, કે કેવળ સંકલ્પના નથી. દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર છે, તેમાં સૌનું બળ પુરવાનો છે. આપણે દેશમાં અમૃત મહોત્સવની ઉજવણી કરી દેશના અનેક નામી-અનામી શહીદોને યાદ કરી યુવાનોને તે યાદો સાથે જોડવા 75 વર્ષની ઉજવણી કરી હતી. ભારત એક એવો દેશ કે જે એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો હતો તે આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યું છે. તેવો અભૂતપૂર્વ વિકાસ ભારતે કરી બતાવ્યો છે. વર્ષ 2014 સુધીમાં આ દેશ બે ભાગમાં વહેંચાયેલો હતો. જેમાં એક ભારત એવું હતું જેમાં 70 કરોડ લોકોના ઘરમાં ગેસ, શૌચાલય, પાણી, ઘર નહોતું, અનાજ માટે સંઘર્ષ કરવો પડતો હતો, અને સ્વાસ્થ્ય સુવિધાઓની ઉપલબ્ધિ નહોતી. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ત્યારથી દેશમાં જન-ધન ખાતા ખોલીને લોકોના ખાતામાં સીધા પૈસા વચેટિયા વગર જમા કરાવ્યા છે. દરેક ઘરમાં ગેસ કનેક્શન, વીજળી પહોંચાડીને એક પ્રકારનું સુવિધાપૂર્ણ જીવન લોકો માટે ઉપલબ્ધ બનાવ્યું છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code