દીકરીનાં સપનાં અને પિતાનો વાયદો: જીવનવીમાના મની બેક પ્લાનની વિશ્વાસભરી સફર
જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે જ્યારે આયોજનનો ભરોસો મળે છે, ત્યારે ચિંતા આશામાં બદલાઈ જાય છે.
નવેમ્બર મહિનાની હળવી ઠંડી શરૂ થઈ હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક શાંત અને સુસજ્જ સોસાયટીમાં સમીરનો બંગલો રોશનીથી ઝળહળી રહ્યો હતો. રાતનો સમય હતો. આકાશમાં ચંદ્ર શાંત ચાંદની ફેલાવી રહ્યો હતો. બંગલાની વિશાળ અગાશી પર સમીર અને રાહુલ બેઠા હતા. હાથમાં આદુવાળી ગરમ ચાના મગ હતા અને વાતો જૂની યાદોથી શરૂ થઈ હતી.
સમીર અને રાહુલ કૉલેજના જૂના મિત્ર હતા. બંનેએ સાથે એન્જિનિયરિંગ કર્યું હતું, પણ સમયના વહેણે બંનેના રસ્તા અલગ કરી દીધા હતા. સમીર આજે એક સફળ ટેક્સટાઈલ ઉદ્યોગપતિ હતો.
આ પણ વાંચોઃ ખાલી ખુરશી અને ભવિષ્યનો દીવો: એક જવાબદાર પિતાની અંતિમ ભેટ
આત્મવિશ્વાસ, સ્થિરતા અને શાંતિ તેની આંખોમાં સ્પષ્ટ દેખાતી. તેનો પરિવાર સુખી હતો. એક પુત્ર આર્યન અને એક પુત્રી સિયા, બંને સારી રીતે અભ્યાસ કરતા હતા.
રાહુલ એક મલ્ટીનેશનલ આઈટી કંપનીમાં સિનિયર ડેવલપર તરીકે કામ કરતો હતો. ભણવામાં તેજ, કામમાં નિષ્ઠાવાન, પરંતુ મધ્યમ વર્ગીય જવાબદારીઓથી ઘેરાયેલો. તેની દુનિયા તેની પત્ની નેહા અને પાંચ વર્ષની દીકરી પરી સુધી સીમિત હતી. પરી તેના જીવનનું કેન્દ્રબિંદુ હતી.
પછી શું થયું?
વાતચીત દરમ્યાન રાહુલ અચાનક શાંત થઈ ગયો. તેણે એક ઊંડો નિસાસો નાખ્યો. તેની નજર આકાશ તરફ હતી, પરંતુ મનમાં વિચારોની ગાંઠો હતી.
રાહુલે ધીમે અવાજે કહ્યું, “સમીર, તને જોઈને આનંદ થાય છે. તારો વ્યવસાય સ્થિર છે, બાળકો મોટા થઈ રહ્યા છે. પણ મને ઘણી વાર ડર લાગે છે.”
સમીરે ચાનો કપ બાજુએ મૂકી દીધો.
તેણે પૂછ્યું, “શેનો ડર. તું તો સારી પોસ્ટ પર છે, સારી આવક છે.”
રાહુલ બોલ્યોઃ “આઈટી ક્ષેત્ર હવે પહેલાં જેવું રહ્યું નથી. રોજ નવી ટેકનોલોજી, નોકરી જતી રહે તેવી ભીતિ. અને સૌથી મોટી ચિંતા પરીનું ભવિષ્ય છે. આજે તે નાની છે, પણ જોતજોતામાં કૉલેજ, પછી લગ્ન. મોંઘવારી જે રીતે વધી રહી છે, તે જોઈને રાતે ઊંઘ નથી આવતી. જો કાલે મારી આવક બંધ થઈ જાય કે મને કંઈ થઈ જાય તો પરીનું શું થશે.”
આ ચિંતા માત્ર રાહુલની નહોતી. આ દરેક મધ્યમ વર્ગીય પિતાની અંદરનો અવાજ હતો.
સમીરે મિત્રના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું: “જ્યારે મારાં બાળકો નાનાં હતાં ત્યારે મને પણ આવું જ લાગતું હતું. બિઝનેસમાં પણ અનિશ્ચિતતા હોય છે. એટલે મેં સમયસર એક નિર્ણય લીધો. life insurance money back plan વીમા ક્ષેત્રનો મની બેક પ્લાન લેવાનો.”
રાહુલને આશ્ચર્ય થયું.
તેણે કહ્યું કે “મેં નામ તો સાંભળ્યું છે, પણ મને લાગતું હતું કે એ તો મર્યા પછી જ કામ આવે.”
સમીરે સમજાવ્યું: “મની બેક પ્લાન માત્ર મૃત્યુ માટે નથી. એ જીવન દરમિયાન મદદરૂપ થાય છે. સામાન્ય વીમા પૉલિસીમાં પૈસા છેલ્લે મળે છે, જ્યારે મની બેક પ્લાનમાં ચોક્કસ વર્ષો પછી રકમ પાછી મળે છે. દીકરીના શિક્ષણ, ફી કે જરૂરિયાત માટે એ મદદરૂપ થાય છે.”
રાહુલ હવે ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સમીરે સમજાવ્યું, “આ પ્લાન વિવિધ ઉંમરે લઈ શકાય છે. વીમાની રકમ તમારી આવક મુજબ નક્કી થાય છે. પ્રીમિયમ માસિક કે વાર્ષિક ભરી શકાય છે. કેટલાક વર્ષો સુધી જ પ્રીમિયમ ભરવાની સુવિધા પણ હોય છે. અર્થાત પ્રીમિયમ કેટલા વર્ષ સુધી ભરવું તે પણ આપણને નક્કી કરવાનો વિકલ્પ મળે છે.”
પછી સમીરે સૌથી મહત્ત્વની વાત કહી.
સર્વાઇવલ બેનિફિટ
ઉદાહરણ આપતા કહ્યું કે, “જો વીસ વર્ષ માટે પૉલિસી લેવાય, તો દર પાંચ વર્ષે વીમા રકમનો એક ભાગ પાછો મળે. પાંચ વર્ષે સ્કૂલ માટે, દસ વર્ષે કોચિંગ માટે, પંદર વર્ષે કૉલેજ માટે અને અંતે મોટી રકમ બોનસ સાથે મળે.”
મિત્રની વાત સાંભળીને રાહુલને લાગ્યું કે આ તો જીવનના દરેક તબક્કા માટે આયોજન છે.
જોકે, તેને હજુ પૂરું સમાધાન થયું નહોતું. તેણે પૂછ્યું કે “જો મારું મૃત્યુ થઈ જાય તો?”
સમીરે એ બાબતે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “એવી સ્થિતિમાં કંપની સંપૂર્ણ વીમા રકમ અને બોનસ આપે છે. મની બેકના સ્વરૂપમાં અગાઉ મળેલી રકમ મૃત્યુના સંજોગોમાં કાપવામાં આવતી નથી. પરિવાર સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.”
જીવનવીમાનો આ પ્લાન બીજી કેવી રીતે ઉપયોગી?
આ સાંભળીને હવે રાહુલ નિશ્ચિંત થયો.
સમીરે વધુમાં કહ્યું કે “બોનસ, લોયલ્ટી લાભ અને રાઇડર્સ પણ મળે છે. અકસ્માત, અપંગતા કે ગંભીર બીમારી માટે વધારાની સુરક્ષા મળે છે.”
રાહુલના મનમાં હજુ પ્રશ્ન હતો. તેણે ટેક્સ લાભ અંગે પૂછ્યું ત્યારે સમીરે સમજાવ્યું કે, “પ્રીમિયમ પર કરમાં છૂટ મળે છે અને મની બેકના સ્વરૂપમાં મળતી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. એથી આગળ જો જરૂર પડે ત્યારે પૉલિસી પર લોન પણ લઈ શકાય છે.”
શું રાહુલના મનનું સમાધાન થયું?
રાત ઘણી આગળ વધી ગઈ હતી. રાહુલનું મન હવે હળવું લાગતું હતું. તેણે સમીરનો આભાર માન્યો અને કહ્યું, “અત્યાર સુધી હું ફક્ત વળતર પાછળ દોડતો હતો, પણ આજે સમજાયું કે સુરક્ષા સૌથી અગત્યની છે.”
ઘરે પહોંચીને રાહુલ પરીની બાજુમાં ઊભો રહ્યો. તેના નિર્દોષ ચહેરા તરફ જોઈને તે મનોમન બોલ્યોઃ “દુનિયા ભલે બદલાય, તારાં સપનાં સુરક્ષિત રહેશે.”
બીજા દિવસે તેણે નાણાકીય સલાહકારને મળીને વીમા ક્ષેત્રનો મની બેક પ્લાન લીધો. જ્યારે તેણે ફોર્મ પર સહી કરી, ત્યારે તેને અંદરથી શાંતિ મળી.
આ આપણને શીખવે છે કે પૈસા કમાવા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે યોગ્ય આયોજન. મની બેક પ્લાન વીમો તો છે જ, પરંતુ તેનાથી આગળ એક પિતાનો પોતાના સંતાન માટે આપેલો વિશ્વાસનો દસ્તાવેજ છે. સુરક્ષિત આજ અને ઉજ્જવળ આવતીકાલ માટે લીધેલો જવાબદાર નિર્ણય ઠરે છે.

(વિશેષ સૂચનાઃ મીડિયા તરીકે એક સમાજિક જવાબદારીના ભાગરૂપે આ વિગતો આપવામાં આવે છે, જે સર્વસાધારણ માહિતી અને ઉપયોગિતા ઉપર આધારિત છે. વ્યક્તિગત વીમા પ્લાનની પસંદગી માટે “રિવોઈ” કોઈ રીતે જવાબદાર નથી.)


