Site icon Revoi.in

અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, 30 ઝૂંપડા બળીને ખાક

Social Share

અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા મ્યુનિનો ડોર ટુ ડોર કચરાના કલેક્શનના રેફ્યુઝ સ્ટેશનની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગમાં 30 ઝૂંપડા બળીને ખાક થયા હતા. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાઈટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરમાં વાસણા વિસ્તારમાં મ્યુનિના કચરો એકત્રિત કરવાના સ્થળ એવા રેફ્યુઝ સ્ટેશનની બાજુમાં આવેલી ઝુપડપટ્ટીમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 13 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. મોટી ઝુપડપટ્ટી હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી હતી. અંદાજે 30થી વધુ ઝુપડાઓ બળીને ખાક થઈ ગયા છે. આમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ડોર ટુ ડોર કચરાના કલેક્શનના રેફ્યુઝ સ્ટેશનની બાજુમાં આવેલી ઝુપડપટ્ટીમાં આગ લાગી હોવા અંગેનો મેસેજ મળ્યો હતો. જેથી ફાયર બ્રિગેડના સાત ગજરાજ અને નાના વાહન તેમજ ઓફિસર વ્હીકલ સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ઝૂંપડપટ્ટી હોવાના કારણે આગ ફેલાઈ ગઈ હતી,  જેમાં પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. 75 થી 80 જેટલા ઝૂંપડાઓ આવેલા હતા જેમાં 50 જેટલા ઝુપડાઓ બચાવી લેવામાં આવ્યા છે. 30 જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હતા.