Site icon Revoi.in

સુરતના ગોડાદરા રોડ પર આવેલા મંડપના ગોદામમાં ભીષણ આગ ફાટી નિકળી

Social Share

સુરતઃ શહેરના પુણા ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા પતરાના શેડમાં મંડપના એક ગોડાઉનમાં બુધવારે સમીસાંજે ભિષણ આગ લાગતા અફડાતફડી મચી હતી. મંડપનું ગોડાઉન હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની 15થી 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મળ્યો હતો. જોકે, સદનસિબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી.

સુરત શહેરના ગોડાદરા રોડ પર મંડપ સહિતની સામગ્રી માટેના પતરાના ગોદામમાં બુધવારે સમીસાંજ બાદ આગ લાગી હતી. ગોદામમાં ગાદલા અને લાકડા તેમજ કાપડાનો સામાન ભર્યો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. જેના કારણે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભિષણ આગને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આગ વધુ ન ફેલાય કે વધુ નુકસાન ન પહોંચાડે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી પણ કરી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ-સમાન બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે, ત્યારે આ મામલે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ લાગ્યાનો 8 વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો, તત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાનિ થઇ નથી. ફાયર બ્રિગેડ પણ તત્કાલિક પહોંચી ગઈ હતી અને તમામ ફાયર ઉપર કંટ્રોલ મેળવી લીધો છે. આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ ચાલુ છે.

Exit mobile version